Home National Farmers Delhi March Government Accepts Two Demands India Us Trade Deal

દિલ્હી કૂચ વચ્ચે ખેડૂતોને મોટી રાહત : સરકારે તાત્કાલિક બે મહત્વની માંગ સ્વીકારી

Farmers Delhi March India US Trade Deal
Image Credit: x
Published by: Nirali Gohil
Last Updated: Jul 21, 2026, 09:26 AM IST

Farmers Delhi March India US Trade Deal: ભારત-અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત મુક્ત વેપાર કરારને લઈને ખેડૂતોનો વિરોધ હવે વધુ તેજ બન્યો છે. પંજાબ અને હરિયાણાના વિવિધ ખેડૂત સંગઠનો દિલ્હી કૂચ માટે શંભૂ, ખનૌરી અને કુંડલી બોર્ડર પર એકત્ર થયા છે. ખેડૂતોનું કહેવું છે કે જો આ વેપાર કરાર અમલમાં આવશે તો દેશના કૃષિ અને ડેરી ક્ષેત્ર પર ગંભીર અસર પડશે. આ દરમિયાન ખેડૂતોના દબાણ વચ્ચે હરિયાણા સરકારે તેમની બે મહત્વની માંગ સ્વીકારી હોવાથી સમગ્ર આંદોલનમાં નવો વળાંક આવ્યો છે. સરકારે ખેડૂત નેતાઓને મુક્ત કરવાની અને કેન્દ્રીય કૃષિ મંત્રી સાથે બેઠક યોજવાની માંગ સ્વીકારી છે. જોકે, ખેડૂતોની મુખ્ય માંગ – ભારત-અમેરિકા ટ્રેડ ડીલ રદ કરવાની – અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેથી ખેડૂત સંગઠનોએ સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી તેમની મુખ્ય માંગ પર યોગ્ય નિર્ણય નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

શંભૂ, ખનૌરી અને કુંડલી બોર્ડર પર ભારે પોલીસ બંદોબસ્ત

મંગળવારે દિલ્હી કૂચના આહ્વાનને ધ્યાનમાં રાખીને શંભૂ, ખનૌરી અને કુંડલી બોર્ડર પર મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે હરિયાણા પોલીસે અનેક સ્થળોએ બેરિકેડિંગ કરી છે અને સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. અમૃતસર, ગુરદાસપુર અને અન્ય વિસ્તારોમાંથી ખેડૂતોના કાફલા શંભૂ બોર્ડર તરફ આગળ વધ્યા હતા. જોકે ખેડૂત સંગઠનોએ જણાવ્યું છે કે, હાલ બેરિકેડ તોડીને આગળ વધવાનો તેમનો કોઈ ઈરાદો નથી અને સરકાર સાથે વાતચીત દ્વારા ઉકેલ શોધવાનો પ્રયાસ કરવામાં આવશે.

સરકારે સ્વીકારી ખેડૂતોની બે મોટી માંગ

દિલ્હી કૂચ દરમિયાન હરિયાણા સરકારે ખેડૂતોને રાહતરૂપ નિર્ણય લીધો છે. સરકારે પોલીસ કસ્ટડીમાં રહેલા ખેડૂત નેતાઓને મુક્ત કરવા અને કેન્દ્રીય કૃષિ મંત્રી સાથે બેઠક યોજવાની માંગ સ્વીકારી છે. આ નિર્ણયને ખેડૂતો માટે પ્રાથમિક સફળતા તરીકે જોવામાં આવી રહ્યો છે, પરંતુ સંગઠનોનું કહેવું છે કે, આંદોલનનું મુખ્ય કારણ ભારત-અમેરિકા મુક્ત વેપાર કરાર છે અને તેના પર સ્પષ્ટ નિર્ણય ન આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે.

આ પણ વાંચો: ભારત-અમેરિકા વચ્ચે થનારા પ્રસ્તાવિત ટ્રેડ એગ્રીમેન્ટથી હંગામો : 'કોકરોચ' બાદ ખેડૂતોની પણ દિલ્હી તરફ કૂચ! શંભુ બોર્ડર પર હાઈઍલર્ટ

ખેડૂતોની ચિંતા શું છે?

ખેડૂતોનું માનવું છે કે, ભારત-અમેરિકા મુક્ત વેપાર કરાર અમલમાં આવ્યા બાદ અમેરિકાના કૃષિ અને ડેરી ઉત્પાદનોને ભારતીય બજારમાં વધુ સરળ પ્રવેશ મળી શકે છે. તેનાથી સ્થાનિક ખેડૂતોને બજારમાં ભાવ અને સ્પર્ધાના મામલે નુકસાન થવાની આશંકા છે. બીજી તરફ કેન્દ્ર સરકારે અનેક પ્રસંગોએ સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ વેપાર કરારમાં ભારતીય ખેડૂતોના હિત સાથે સમાધાન કરવામાં આવશે નહીં અને ઘઉં, ચોખા, મકાઈ તેમજ ડેરી જેવા સંવેદનશીલ ક્ષેત્રોને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવશે.

ગુરનામ સિંહ ચઢૂનીને અટકાયત બાદ છોડવાની માંગ

દિલ્હીમાં યોજાનારી ખેડૂત મહાપંચાયત પહેલાં ભારતીય કિસાન યુનિયન (ચઢૂની)ના પ્રમુખ ગુરનામ સિંહ ચઢૂનીને હરિયાણા પોલીસે કસ્ટડીમાં લીધા હતા. આ ઘટનાને લઈને ખેડૂત સંગઠનોએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોની મુખ્ય માંગોમાં ચઢૂની સહિત અટકાયતમાં લેવાયેલા નેતાઓને મુક્ત કરવાની માંગ પણ સામેલ હતી, જેને હવે સરકારે સ્વીકારી છે.

સરવન સિંહ પંધેરે કહ્યું – બેરિકેડ નહીં તોડીએ

ખેડૂત નેતા સરવન સિંહ પંધેરે જણાવ્યું કે, ખેડૂતો દિલ્હી જવા માટે તૈયાર છે, પરંતુ સરકાર પરવાનગી આપશે તો જ આગળ વધશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, ખેડૂત સંગઠનો કોઈપણ પ્રકારની હિંસક અથડામણ કે બેરિકેડ તોડવાના પક્ષમાં નથી. સરકાર સાથે સંવાદ દ્વારા જ પોતાની વાત રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

આગામી કલાકો પર સૌની નજર

દિલ્હી કૂચ વચ્ચે સરકારે બે માંગો સ્વીકારી હોવાથી વાતચીતનો માર્ગ ખુલ્યો છે, પરંતુ મુક્ત વેપાર કરાર મુદ્દે હજુ સહમતિ બની નથી. હવે આગામી કલાકોમાં સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચેની બેઠકમાં શું નિર્ણય થાય છે તેના પર સમગ્ર દેશની નજર રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now