Ahmedabad Fake Note : અમદાવાદમાં નકલી ચલણી નોટો ફરતી કરવાના રેકેટનો પર્દાફાશ થયો છે. સેટેલાઈટ પોલીસે ત્રણ શખ્સ, સચિન સિંગ, વૈભવ પટેલ અને દેવાંશ પટેલની ધરપકડ કરી છે. પોલીસે તેમના પાસેથી ₹500ની 166 બનાવટી ચલણી નોટો કબ્જે કરી છે. આરોપીઓ ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવા માટે નકલી નોટો બજારમાં વટાવવાનો કાવતરું કરી રહ્યા હતા.
રેકેટનું નેટવર્ક: બિહાર–અમદાવાદ–દિલ્લી કનેક્શન
આરોપીઓ પોતાની સાથે નકલી નોટો સાથે ચિલ્ડ્રન બેંક જેવી મનોરંજન નોટો પણ રાખતા હતા, જેથી જો તપાસ થાય તો પોલીસને ગેરમાર્ગે દોરી શકે. ફરાર આરોપી અભિષેક પાંડે અને ઝડપાયેલ સચિન, બંને બિહારના રહેવાસી. અમદાવાદના વૈષ્ણોદેવી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહી શેરબજારનું કામ કરતા હતા. થોડા સમય પહેલા અભિષેક દિલ્હી ગયો હતો અને આનંદ વિહાર પરથી મોટા પ્રમાણમાં નકલી ₹500ની નોટો લઈને આવ્યો હતો.
ગાડીની નકલી નંબર પ્લેટ પણ બહાર આવી
આ નકલી નોટો વટાવવા માટે આરોપીઓએ પ્લાન બનાવ્યો હતો. તેમણે બે મોબાઈલ ઓનલાઇન ઓર્ડર કર્યા અને તેમના પેમેન્ટ માટે વૈભવ પટેલ પાસેથી ₹85,000 ની અસલી નોટો મેળવી. આરોપીઓએ યોજનાબદ્ધ રીતે આ પૈસામાંથી ₹83,000ની નકલી નોટો મૂકી દેવાની અને મોબાઈલ પ્રાપ્ત થયા પછી તેને ઓછી કિંમતે વેચીને નફો કમાવાનો પ્લાન બનાવ્યો હતો. પોલીસે વધુ તપાસ કરતા આરોપીઓની કાર પર લગાવેલી નકલી નંબર પ્લેટ પણ મળી આવી છે, જેના આધારે અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.






