Home Automobile Expert Car Parking Tips For Safe Driving

કાર પાર્કિંગ ટિપ્સ : નહી લાગે સ્ક્રેચ કે ડેન્ટ, જાણો કાર પાર્ક કરવાની સાચી પદ્ધતિ

Car Parking Tips, Safe Driving
Published by: Vishal Dave
Last Updated: Apr 22, 2026, 04:30 PM IST

વાહન ચલાવવા કરતા તેને યોગ્ય જગ્યાએ પાર્ક કરવું વધુ કપરું કામ છે, ખાસ કરીને એવા શહેરોમાં જ્યાં ટ્રાફિક અને જગ્યાની ભારે અછત હોય છે. ઘણીવાર વાહનચાલકોને યોગ્ય પાર્કિંગ સ્પોટ શોધવા માટે કલાકો સુધી રાહ જોવી પડે છે. ઉતાવળમાં ગમે ત્યાં ગાડી ઊભી રાખવાથી તેના પર સ્ક્રેચ કે ડેન્ટ પડવાની શક્યતા વધી જાય છે. આ નિશાનો ભલે નાના દેખાતા હોય, પરંતુ તે કારના પેઈન્ટને નુકસાન પહોંચાડે છે અને સમય જતાં કાટ લાગવાનું કારણ બને છે. આ ઉપરાંત, જ્યારે તમે વાહન વેચવા જાવ છો ત્યારે તેની Resale Value પણ ઘટાડી દે છે. તમારી કારને સુરક્ષિત રાખવા માટે પાર્કિંગની આ બાબતોનું ધ્યાન રાખવું અનિવાર્ય છે.

પાર્કિંગ માટે યોગ્ય જગ્યાની પસંદગી

જ્યારે તમે પાર્કિંગ એરિયામાં પ્રવેશ કરો ત્યારે પહેલી ખાલી જગ્યા જોઈને તરત જ ગાડી ન લગાવી દેવી જોઈએ. થોડો સમય લઈને સુરક્ષિત સ્પોટની પસંદગી કરવી હિતાવહ છે. બને ત્યાં સુધી લાઈનના છેલ્લા છેડે અથવા કોઈ પિલરની બાજુમાં ગાડી પાર્ક કરવાનો આગ્રહ રાખો. આમ કરવાથી કારની ઓછામાં ઓછી એક બાજુ સુરક્ષિત રહેશે અને અન્ય વાહનો દ્વારા થતા નુકસાનનું જોખમ 50% ઘટી જશે. આ ઉપરાંત, એન્ટ્રી ગેટ અથવા ટ્રોલીઓની અવરજવર વાળી જગ્યાએ પાર્કિંગ કરવાનું ટાળવું જોઈએ.

સફેદ લાઈનોની બરાબર વચ્ચે પાર્કિંગ

ઘણીવાર લોકો ઉતાવળમાં કારને ત્રાંસી ઊભી રાખી દેતા હોય છે. રિપોર્ટ અનુસાર જો તમારી કાર પાર્કિંગ સ્લોટની સફેદ લાઈનોની વધુ નજીક હશે, તો બાજુમાં રહેલા વાહનનો દરવાજો ખુલતી વખતે તમારી કાર સાથે અથડાઈ શકે છે અને તેનાથી ડેન્ટ પડી શકે છે. હંમેશા પ્રયત્ન કરો કે તમારી કાર સફેદ લાઈનોની બિલકુલ મધ્યમાં અને સીધી સ્થિતિમાં પાર્ક થાય.

આસપાસના વાહનોનું નિરીક્ષણ કરો

પાર્કિંગ કરતા પહેલા તમારી આજુબાજુ કયા પ્રકારના વાહનો છે તે જોવું જરૂરી છે. મોટી SUV ગાડીઓની બાજુમાં પાર્કિંગ કરવાનું ટાળો કારણ કે તેમને વળવા માટે વધુ જગ્યાની જરૂર હોય છે. વધુમાં, જો બાજુમાં ઉભેલી કાર પર પહેલેથી જ ઘણા સ્ક્રેચ અને ડેન્ટ જોવા મળે, તો સમજી લેવું કે તેનો ડ્રાઈવર બેદરકાર હોઈ શકે છે. આવા વાહનો પાસે તમારી મોંઘી કાર ઊભી રાખવી જોખમી સાબિત થઈ શકે છે.

સાઈડ મિરર (ORVMs) ફોલ્ડ કરવાનું ભૂલશો નહીં

સાંકડી જગ્યાઓમાં સૌથી પહેલા નુકસાન સાઈડ મિરરને થતું હોય છે. ગાડી પાર્ક કર્યા પછી હંમેશા સાઈડ મિરરને અંદરની તરફ વાળી દેવા જોઈએ. આનાથી ચાલતા જતા લોકો અથવા બાજુમાંથી પસાર થતા વાહનો સાથે અથડાવાનું જોખમ ઘટી જાય છે. જો તમારી કારમાં Auto-Fold ફીચર ન હોય, તો તેને Manually બંધ કરવાની આદત પાડો.

રિવર્સ પાર્કિંગમાં સાવચેતી અને ટેકનોલોજીનો ઉપયોગ

મોટાભાગના અકસ્માતો અને ડેન્ટ રિવર્સ કરતી વખતે જ લાગતા હોય છે. પાર્કિંગમાં ગાડીને Back કરતી વખતે અથવા બહાર કાઢતી વખતે અત્યંત સાવધ રહેવું જોઈએ. આ કામમાં કારના પાર્કિંગ સેન્સર અને Rear-View Camera ની મદદ ચોક્કસથી લેવી જોઈએ. આ ટેકનોલોજી તમને પાછળ રહેલા અવરોધો વિશે સચોટ માહિતી આપે છે, જેથી સુરક્ષિત રીતે પાર્કિંગ કરી શકાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now