Home Gujarat Excited To See Ahmedabad Flower Show 2026

અમદાવાદ ફ્લાવર શો 2026 જોવો થયો મોંઘો : જાણો વિગતવાર ટિકિટના ભાવ

અમદાવાદ ફ્લાવર શો 2026 જોવો થયો મોંઘો
Published by: OBS Bureau
Last Updated: Dec 25, 2025, 04:33 AM IST

Ahmedabad Flower Show : અમદાવાદ શહેરમાં યોજાનારા આગામી ફ્લાવર શો માટે આ વખતે મુલાકાતીઓને ગયા વર્ષની તુલનામાં વધુ રૂપિયા ખર્ચવા પડશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શો માટેના નવા ટિકિટ દર જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સામાન્ય દિવસો તેમજ રજાના દિવસો માટે અલગ-અલગ દર નક્કી કરવામાં આવ્યા છે.

સામાન્ય દિવસોમાં 80 રૂપિયા ટિકિટ રાખવામાં આવી

મળતી માહિતી મુજબ સામાન્ય દિવસોમાં ફ્લાવર શો જોવા માટે ટિકિટનો દર 80 રૂપિયા રાખવામાં આવ્યો છે, જ્યારે રવિવાર અને જાહેર રજાના દિવસે ટિકિટનો દર 100 રૂપિયા નક્કી કરાયો છે. ગયા વર્ષે સામાન્ય દિવસોમાં એન્ટ્રી માટે 70 રૂપિયાની ટિકિટ હતી, એટલે કે આ વર્ષે ટિકિટના દરમાં વધારો કરવામાં આવ્યો છે.

ફ્લાવર શો માટે ટિકિટના દરોમાં વધારો

ફ્લાવર શોમાં દિવ્યાંગ વ્યક્તિઓ અને સૈન્ય જવાનો માટે પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. ઉપરાંત, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાના વિદ્યાર્થીઓ માટે પણ એન્ટ્રી નિઃશુલ્ક રહેશે જ્યારે ખાનગી શાળાના બાળકો માટે માત્ર 10 રૂપિયાનો ટિકિટ દર નક્કી કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ખાસ સમયગાળા એટલે કે પ્રાઈમ સ્લોટ માટે અલગ ટિકિટ દર રાખવામાં આવી છે. સવારના 8થી 9 વાગ્યા સુધી અને રાત્રિના 10થી 11 વાગ્યા સુધી ફ્લાવર શો જોવા માટે ટિકિટનો દર 500 રૂપિયા રહેશે.

લોકોમાં હંમેશા આકર્ષણનું કેન્દ્ર

ફ્લાવર શો શહેરના લોકોમાં હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. જો કે આ વર્ષે ટિકિટના વધારેલા દરને કારણે સામાન્ય નાગરિકો પર વધારાનો ભાર પડશે. તેમ છતાં આયોજકોનું માનવું છે કે વધુ સારી વ્યવસ્થા અને ભવ્ય આયોજન માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now