સમગ્ર વિશ્વમાં Teslaની ઇલેક્ટ્રિક કારોનો દબદબો છે. અમેરિકા અને ચીન બાદ હવે ભારતમાં પણ Tesla ના આગમનની ચર્ચાઓ તેજ બની છે. વર્તમાન સમયમાં જ્યારે ઇલેક્ટ્રિક વ્હીકલ્સની લોકપ્રિયતા વધી રહી છે, ત્યારે લોકોમાં ભારે ઉત્સુકતા છે કે શું Tesla ભવિષ્યમાં ઇલેક્ટ્રિક મોટરસાયકલ લોન્ચ કરશે? જોકે, કંપનીના CEO Elon Musk એ આ અંગે ચાલી રહેલી તમામ અટકળોનો અંત લાવી દીધો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેમની કંપની ક્યારેય ઇલેક્ટ્રિક મોટરસાયકલના ઉત્પાદન ક્ષેત્રે પ્રવેશશે નહીં.
સુરક્ષાને ગણાવ્યું સૌથી મોટું કારણ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ બાબતે ખુલાસો કરતા Elon Muskએ જણાવ્યું કે મોટરસાયકલ ક્યારેય સુરક્ષિત હોતી નથી. તેમણે લખ્યું કે, "આ ક્યારેય નહીં બને કારણ કે અમે મોટરસાયકલોને સુરક્ષિત બનાવી શકતા નથી." Elon Musk ના મતે રોડ પર બાઇક ચલાવવી અત્યંત જોખમી છે અને સુરક્ષાના માપદંડો પર તે કારની સરખામણીએ ક્યાંય ટકી શકતી નથી.
જીવનમાં બનેલી એક જૂની ઘટનાનો ઉલ્લેખ
પોતાના આ નિર્ણય પાછળ Elon Muskએ પોતાના અંગત જીવનનો એક કિસ્સો શેર કર્યો છે. તેમણે જણાવ્યું કે જ્યારે તેઓ યુવાન હતા ત્યારે બાઇક ચલાવતી વખતે એક ટ્રક સાથે તેમનો અકસ્માત થતા રહી ગયો હતો. તે સમયે ટ્રકે તેમને લગભગ કચડી જ નાખ્યા હોત. આ ભયાનક અનુભવ બાદથી તેઓ રોડ પર ચાલતી મોટરસાયકલોના વિરોધી બની ગયા છે અને તેનાથી હંમેશા અંતર જાળવી રાખ્યું છે.
ડર્ટ બાઇક અંગે મસ્કનો અલગ અભિપ્રાય
રસપ્રદ વાત એ છે કે Elon Musk સંપૂર્ણપણે બાઇકિંગના વિરોધી નથી. તેમણે ઉમેર્યું કે જો તમે સાવધાનીપૂર્વક ચલાવો તો ડર્ટ બાઇક (કાચા રસ્તા પર ચાલતી બાઇક) સુરક્ષિત છે. તેની પાછળનું તર્ક આપતા તેમણે કહ્યું કે ડર્ટ ટ્રેક પર કોઈ ટ્રક તમને ટક્કર મારી શકે તેવી સંભાવના હોતી નથી.
Teslaની કાર અને બાઇક વચ્ચેનો વિવાદ
નિષ્ણાતોનું માનવું છે કે Elon Musk નો આ નિર્ણય વ્યવસાયિક રીતે પણ યોગ્ય હોઈ શકે છે. Tesla ની કારોમાં વપરાતી ઓટોપાયલટ ટેકનોલોજી પર અગાઉ ઘણીવાર સવાલો ઉઠ્યા છે. કેટલાક અહેવાલો મુજબ, આ સિસ્ટમ રોડ પર ચાલતા બાઇક સવારોને ઓળખવામાં થાપ ખાઈ જાય છે જેના કારણે અકસ્માતો પણ સર્જાયા છે. આવી સ્થિતિમાં જો કંપની પોતે જ મોટરસાયકલ બનાવે તો તે વિવાદનું કારણ બની શકે તેમ છે.
Tesla વગર પણ ગ્લોબલ માર્કેટ તેજીમાં
ભલે Tesla આ સ્પર્ધામાંથી બહાર હોય, પરંતુ ઇલેક્ટ્રિક મોટરસાયકલનું બજાર વૈશ્વિક સ્તરે સતત વિસ્તરી રહ્યું છે. Honda, BMW અને Kawasaki જેવી દિગ્ગજ કંપનીઓ પોતાના ઇલેક્ટ્રિક મોડલ્સ લોન્ચ કરી રહી છે. આ ઉપરાંત Zero અને LiveWire જેવી કંપનીઓ હાઈ-પરફોર્મન્સ બાઇક બનાવી રહી છે, જ્યારે Yadea અને NIU જેવી બ્રાન્ડ્સ સસ્તા ઇલેક્ટ્રિક સ્કૂટર્સ દ્વારા માર્કેટમાં પોતાનું સ્થાન મજબૂત કરી રહી છે.





















