દેશભરમાં હવે E20 પેટ્રોલનો વ્યાપક ઉપયોગ શરૂ થઈ ગયો છે. કેન્દ્ર સરકારના ઈથેનોલ મિશ્રણ કાર્યક્રમ હેઠળ પેટ્રોલમાં 20 ટકા સુધી ઈથેનોલ ભેળવીને વેચાણ કરવામાં આવી રહ્યું છે. જોકે લાખો વાહન માલિકો, ખાસ કરીને જૂની કાર અને બાઇક ચલાવતા લોકોમાં એક મોટો સવાલ ઉભો થયો છે કે જો તેમનું વાહન E20 Compatible ન હોય અને તેઓ E20 પેટ્રોલનો ઉપયોગ કરે તો અકસ્માત અથવા ચોરીની સ્થિતિમાં ઈન્શ્યોરન્સ ક્લેમ મળશે કે નહીં? હવે આ મુદ્દે દેશની જાણીતી ઈન્શ્યોરન્સ કંપની ICICI Lombardએ સ્પષ્ટતા કરીને વાહન માલિકોની ચિંતા દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.
દેશભરમાં હવે માત્ર E20 પેટ્રોલનું જ વેચાણ
ભારત સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી ઈથેનોલ મિશ્રણને પ્રોત્સાહન આપી રહી છે. તેનો મુખ્ય હેતુ પેટ્રોલિયમ આયાત પર નિર્ભરતા ઘટાડવી, પ્રદૂષણમાં ઘટાડો કરવો અને હરિત ઊર્જાને પ્રોત્સાહન આપવાનો છે. આ પહેલના ભાગરૂપે હવે દેશના મોટા ભાગના પેટ્રોલ પંપ પર E20 પેટ્રોલ ઉપલબ્ધ છે.
E20 પેટ્રોલ એટલે એવું ઈંધણ જેમાં 20 ટકા ઈથેનોલ અને 80 ટકા પેટ્રોલનું મિશ્રણ હોય છે. નવી પેઢીના મોટાભાગના વાહનો E20 Compatible તરીકે તૈયાર કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ પણ રસ્તાઓ પર લાખો એવા વાહનો છે જે E20 માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યા નથી.
જૂના વાહન માલિકોમાં વધી રહી હતી ચિંતા
E20 પેટ્રોલ ફરજિયાત બન્યા બાદ ઘણા વાહન માલિકો ચિંતિત બન્યા હતા. ખાસ કરીને 2023 પહેલાં ખરીદાયેલા ઘણા વાહનોના માલિકોને ડર હતો કે જો તેઓ E20 પેટ્રોલનો ઉપયોગ કરશે તો ઈન્શ્યોરન્સ કંપની તેને બેદરકારી ગણાવી શકે છે.
ઘણા લોકોમાં એવી માન્યતા બની ગઈ હતી કે જો E20 Compatible ન હોય તેવા વાહનમાં E20 પેટ્રોલનો ઉપયોગ કરવામાં આવે અને ત્યારબાદ કોઈ અકસ્માત થાય તો ઈન્શ્યોરન્સ કંપની ક્લેમ ફગાવી શકે છે. સોશિયલ મીડિયા પર પણ આ અંગે અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી હતી.
ICICI Lombardએ શું કહ્યું?
આ તમામ ચર્ચાઓ વચ્ચે ICICI Lombard એ સત્તાવાર રીતે સ્પષ્ટતા કરી છે કે E20 ઈંધણનો ઉપયોગ કરવાથી મોટર ઈન્શ્યોરન્સ પોલિસીની માન્યતા પર કોઈ અસર પડતી નથી.
કંપનીએ જણાવ્યું છે કે E20 પેટ્રોલનો ઉપયોગ કરનારા વાહનો માટે ઈન્શ્યોરન્સ કવર યથાવત રહે છે અને માત્ર E20 ફ્યુઅલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આધારે ક્લેમ નકારી શકાય નહીં.
આ નિવેદન ખાસ કરીને લાખો જૂના વાહન માલિકો માટે રાહતના સમાચાર સમાન છે, કારણ કે હવે તેઓ ઈન્શ્યોરન્સ ક્લેમ અંગેની અનિશ્ચિતતામાંથી બહાર આવી શકે છે.
શું E20નો ઉપયોગ લાપરવાહી ગણાશે?
ICICI Lombardએ વધુમાં સ્પષ્ટ કર્યું છે કે જૂના વાહનોમાં E20 પેટ્રોલનો ઉપયોગ કરવો લાપરવાહી તરીકે ગણવામાં આવતો નથી.
કંપનીના જણાવ્યા અનુસાર E20 ઈંધણ કાર્યક્રમ એક પર્યાવરણમૈત્રી પહેલ છે અને તેને હરિત ઊર્જા તરફના પ્રગતિશીલ પગલા તરીકે જોવામાં આવે છે. તેથી માત્ર E20 ફ્યુઅલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી કોઈ વાહન માલિકને બેદરકાર ઠેરવી શકાય નહીં.
આ નિવેદનથી એ પણ સ્પષ્ટ થાય છે કે E20 પેટ્રોલના ઉપયોગને કારણે પોલિસીધારકના અધિકારો પર કોઈ નકારાત્મક અસર પડવાની નથી.
ઈન્શ્યોરન્સ ક્લેમ ક્યારે માન્ય ગણાય?
મોટર ઈન્શ્યોરન્સ ક્લેમ મુખ્યત્વે અકસ્માત, ચોરી, આગ, કુદરતી આફત અથવા અન્ય આવરી લેવામાં આવેલા જોખમોના આધારે નક્કી થાય છે.
ICICI Lombardના જણાવ્યા અનુસાર ક્લેમની સ્વીકાર્યતા નક્કી કરતી વખતે વાહનમાં કયા પ્રકારનું ઈંધણ વપરાયું હતું તે મુખ્ય માપદંડ નથી. એટલે કે પેટ્રોલ, ડીઝલ, CNG અથવા E20 જેવા ઈંધણનો પ્રકાર ક્લેમ મંજૂર કરવા અથવા નકારવા માટેનો નિર્ણાયક પરિબળ નથી.
જો કોઈ અકસ્માતનો કેસ પરંપરાગત પેટ્રોલ વાપરતા વાહન માટે સ્વીકાર્ય હોય તો તે જ કેસ E20 પેટ્રોલ વાપરતા વાહન માટે પણ સમાન રીતે સ્વીકાર્ય રહેશે.
E20 પેટ્રોલ વિશે વાહન માલિકોએ શું ધ્યાન રાખવું જોઈએ?
જોકે ઈન્શ્યોરન્સ ક્લેમ પર તેની સીધી અસર નથી, તેમ છતાં વાહન ઉત્પાદકોની ભલામણોનું પાલન કરવું જરૂરી છે. કેટલાક જૂના વાહનોમાં લાંબા ગાળે E20 ઈંધણના ઉપયોગથી ઈંધણ સિસ્ટમ અથવા રબરના કેટલાક ભાગો પર અસર પડી શકે છે.
તેથી વાહન માલિકોએ પોતાની કાર અથવા બાઇકની મેન્યુઅલ તપાસવી જોઈએ અને ઉત્પાદક કંપની દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ. નિયમિત સર્વિસિંગ અને જાળવણી દ્વારા સંભવિત સમસ્યાઓને પણ ઘટાડી શકાય છે.





