Dual channel ABS : ભારતીય ઓટોમોબાઇલ જગત અત્યારે એક મોટા પરિવર્તનના ઉંબરે ઊભું છે. એક સમય હતો જ્યારે મધ્યમવર્ગીય ભારતીય ગ્રાહક શો-રૂમમાં જઈને સેલ્સમેનને પહેલો સવાલ એ પૂછતો કે, 'આ બાઇક એક લિટર પેટ્રોલમાં કેટલા કિલોમીટર ચાલશે?' ગણતરીઓ માઇલેજની થતી અને સુરક્ષા ક્યાંક પાછળ છૂટી જતી હતી. રસ્તાઓ પરનો ટ્રાફિક અને સ્પીડ ભલે વધ્યા, પણ ગ્રાહકોની માનસિકતા 'બચત' પર જ કેન્દ્રિત હતી. પણ હવે ચિત્ર બદલાયું છે. વર્ષ 2026 સુધી આવતા-આવતા ભારતીય બાઇકર્સ હવે એ વાત સમજી ગયા છે કે, રસ્તા પર જીવ બચાવવો એ પેટ્રોલ બચાવવા કરતાં વધુ મોટું રોકાણ છે. આજે ટુ-વ્હીલર માર્કેટમાં 'સેફ્ટી' એ માત્ર લક્ઝરી કન્સેપ્ટ નથી રહ્યો, પણ મૂળભૂત જરૂરિયાત બની ગઈ છે.
હવે અહીં એક મહત્વનો મુદ્દો સમજવો જરૂરી છે કે, આ ડ્યુઅલ-ચેનલ ABS આખરે છે શું?
જ્યારે આપણે કટોકટીના સમયે અચાનક બ્રેક મારીએ છીએ, ત્યારે ઘણીવાર ટાયર જામ થઈ જાય છે અને બાઇક સ્કીડ થઈને પડી જાય છે. ABS એટલે કે, એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ, સેન્સર્સ અને ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ (ECU) ની મદદથી વ્હીલ્સને લોક થતાં અટકાવે છે. સિંગલ-ચેનલ ABS માત્ર આગળના વ્હીલનું ધ્યાન રાખે છે, પણ ભારતના ખાડાવાળા અને ચોમાસામાં ચીકણા થઈ જતાં રસ્તાઓ પર પાછળનું વ્હીલ પણ એટલું જ મહત્વનું છે. ડ્યુઅલ-ચેનલ ABS બંને તરફ નજર રાખે છે, જેના કારણે બાઇક પરનો કંટ્રોલ ગુમાવ્યા વગર તમે ગમે તેવા ખરાબ રસ્તા પર સુરક્ષિત રીતે ઊભા રહી શકો છો.
પરંતુ વાત અહીં અટકતી નથી, કારણ કે 2026 થી રમત આખી બદલાઈ રહી છે
ભારત સરકારે માર્ગ સુરક્ષાના મુદ્દે હવે આરપારની લડાઈ લડવાનું નક્કી કર્યું હોય તેવું લાગે છે. વર્ષ 2018 માં આવેલો 125cc થી વધુ પાવરવાળી બાઇક્સ માટેનો ABS નો નિયમ તો માત્ર શરૂઆત હતી. 2026 ના નવા મેન્ડેટ મુજબ હવે 100cc ની બાઇક હોય કે, 1000cc ની, દરેક ટુ-વ્હીલરમાં અદ્યતન બ્રેકિંગ સિસ્ટમ હોવી અનિવાર્ય છે. આ આકરા નિયમોને કારણે જ હવે માર્કેટમાં એવા મોડલ્સ પણ જોવા મળી રહ્યા છે, જે ખિસ્સાને પરવડે અને જીવ પણ બચાવે.
બજેટમાં બેસ્ટ : 2026 ના એવા મોડલ્સ જે સુરક્ષાના હિસાબે સુપરહિટ છે
Hero Xtreme 125R : સૌથી સસ્તો સેફ્ટી ઓપ્શન
હીરો એક્સ્ટ્રીમ 125R દેશની એવી બાઇક્સમાં સામેલ છે, જે ખૂબ જ ઓછી કિંમતે ડ્યુઅલ-ચેનલ ABS ઓફર કરે છે. આ બાઇકના ટોપ વેરિઅન્ટની કિંમત આશરે 1.07 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે. તેમાં 124.7cc નું એન્જિન છે, જે 11.5hp પાવર આપે છે. શહેરમાં ચલાવવા માટે આ એક પરફેક્ટ અને સુરક્ષિત બાઇક છે.
Bajaj Pulsar N160 : પાવર અને સેફટીનું કોમ્બિનેશન
બજાજની આ બાઇક તેના પાવરફુલ લુક અને સેફ્ટી માટે જાણીતી છે. પલ્સર N160 માં ડ્યુઅલ-ચેનલ ABS વેરિઅન્ટ 1.17 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તેમાં 164cc નું એન્જિન છે, જે 15hp પાવર જનરેટ કરે છે. 5-સ્પીડ ગિયરબોક્સ સાથે આવતી આ બાઇક હાઇવે પર પણ સારી સ્થિરતા આપે છે.
TVS Apache RTR 160 2V : ભરોસો અને પરફોર્મન્સ
TVS ની Apache સિરીઝ હંમેશા યુવાનોમાં લોકપ્રિય રહી છે. RTR 160 2V મોડલમાં ડ્યુઅલ-ચેનલ ABS વેરિઅન્ટની કિંમત 1.24 લાખ રૂપિયા છે. 159cc ના એન્જિન સાથે આ બાઇક 15hp પાવર આપે છે. લાંબા સમયથી બજારમાં હોવા છતાં, તેની મજબૂત બનાવટ અને સેફ્ટી ફીચર્સ તેને ખાસ બનાવે છે.
Bajaj Pulsar NS160 : સ્પોર્ટી લુક સાથે વધુ કંટ્રોલ
જો તમને સ્પોર્ટી લુક ગમતો હોય તો પલ્સર NS160 એક સારો વિકલ્પ છે. તેના ડ્યુઅલ ચેનલ ABS વેરિઅન્ટની કિંમત 1.29 લાખ રૂપિયા છે. આ બાઇકમાં 160.3cc નું ફોર-વાલ્વ એન્જિન છે જે 16.69hp જેવો શાનદાર પાવર જનરેટ કરે છે. જે હાઇ સ્પીડે પણ સુરક્ષિત બ્રેકિંગનો એક્સપિરિયન્સ આપે છે.
TVS Apache RTR 160 4V : મોડર્ન ટેકનોલોજીની સવારી
આ લિસ્ટમાં પાંચમા ક્રમે TVS ની લોકપ્રિય Apache RTR 160 4V છે. તેની કિંમત 1.30 લાખ રૂપિયા છે. આ બાઇકની ખાસિયત એ છે કે તેમાં રાઇડિંગ મોડ્સ મળે છે. સ્પોર્ટ મોડમાં તે 17.6hp નો પાવર આપે છે. મોડર્ન ફીચર્સ અને ડ્યુઅલ ABS સાથે આ બાઇક દરેક પ્રકારના રસ્તાઓ માટે બેસ્ટ છે.
વિદાય લેતી જૂની ટેકનોલોજી અને ભવિષ્યની અસરો
આ પરિવર્તન સાથે જ મધ્યમવર્ગ માટે એક માઠા સમાચાર પણ છે. જ્યારે દરેક બાઇકમાં આટલી હાઇ-ટેક સિસ્ટમ આવશે, ત્યારે પ્રોડક્શન ખર્ચ વધવો સ્વાભાવિક છે. પરિણામે, એન્ટ્રી-લેવલની 100-110 cc ની બાઇક્સ થોડી મોંઘી બનશે. વધુમાં, 2026 થી કોમ્બી-બ્રેકિંગ સિસ્ટમ (CBS) ઇતિહાસના પાનાઓમાં દટાઈ જશે. CBS માત્ર એટલું જ કરતું હતું કે, પાછળની બ્રેક મારો તો આગળની પણ લાગે, પણ તે ટાયરને જામ થતાં અટકાવી શકતું નહોતું. હવે જ્યારે તે દૂર થશે અને તેની જગ્યા પ્યોર ABS ટેકનોલોજી લેશે, ત્યારે ભારતના રસ્તાઓ પર થતાં જીવલેણ અકસ્માતોની સંખ્યામાં મોટો ઘટાડો જોવાની આશા રાખી શકાય છે. અંતે, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીનો આ નિર્ણય બાઇક ખરીદવાના ખર્ચમાં થોડો વધારો કરી શકે છે, પણ માનવીય જીવની કિંમત આગળ આ રૂપિયા ગૌણ છે. 2026 માં ભારતીય રસ્તાઓ માત્ર વધુ સ્પીડવાળા નહીં પણ વધુ 'સલામત' હશે, એટલું તો નક્કી છે.





