Donald Trump E. Jean Carroll Case: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને યૌન શોષણ અને માનહાનિના હાઇ-પ્રોફાઇલ સિવિલ કેસમાં વધુ એક મોટો કાનૂની ફટકો પડ્યો છે. અમેરિકી સુપ્રીમ કોર્ટે આ કેસમાં ટ્રમ્પની અપીલ સાંભળવાનો ઇનકાર કર્યા બાદ હવે ફેડરલ કોર્ટે લેખિકા ઈ. જિન કેરોલને અગાઉ ફટકારવામાં આવેલા 50 લાખ ડોલરના વળતર સાથે વ્યાજની રકમ પણ ચૂકવવાનો આદેશ અમલમાં મૂક્યો છે. વ્યાજ ઉમેરાતા કુલ રકમ અંદાજે 58 લાખ ડોલર સુધી પહોંચી છે. આ કેસ છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકામાં સૌથી વધુ ચર્ચાસ્પદ કાનૂની લડાઈઓમાંનો એક રહ્યો છે. ટ્રમ્પ સતત તમામ આરોપોને નકારી રહ્યા છે અને કેસને રાજકીય પ્રેરિત ગણાવતા રહ્યા છે. જોકે 2023માં જ્યુરીએ ટ્રમ્પને યૌન શોષણ અને ત્યારબાદ કરાયેલા નિવેદનો દ્વારા લેખિકાની માનહાનિ કરવા બદલ જવાબદાર ઠેરવ્યા હતા. હવે સુપ્રીમ કોર્ટે અપીલ સ્વીકારવાનો ઇનકાર કરતાં તે ચુકાદો અંતિમ બની ગયો છે.
શું છે સમગ્ર મામલો?
82 વર્ષીય લેખિકા અને ભૂતપૂર્વ કોલમિસ્ટ ઈ. જિન કેરોલે આરોપ લગાવ્યો હતો કે વર્ષ 1996માં ન્યૂયોર્કના એક ડિપાર્ટમેન્ટ સ્ટોરના ડ્રેસિંગ રૂમમાં ડોનાલ્ડ ટ્રમ્પે તેમનું યૌન શોષણ કર્યું હતું. વર્ષો બાદ તેમણે પોતાની પુસ્તકમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ ટ્રમ્પે જાહેરમાં આ આરોપોને ખોટા ગણાવ્યા હતા અને કેરોલ અંગે અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. આ નિવેદનો બાદ કેરોલે ટ્રમ્પ સામે માનહાનિનો દાવો પણ દાખલ કર્યો હતો. કેસની સુનાવણી દરમિયાન જ્યુરીએ માન્યું હતું કે, ટ્રમ્પ યૌન શોષણ અને ત્યારબાદ થયેલી માનહાનિ માટે કાનૂની રીતે જવાબદાર છે, જેના આધારે 50 લાખ ડોલરનું વળતર ફટકારવામાં આવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે અપીલ સાંભળવાનો કર્યો ઇનકાર
ટ્રમ્પે 2023ના ચુકાદાને પડકારતી અપીલ અમેરિકી સુપ્રીમ કોર્ટમાં કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટે કોઈ વિગતવાર કારણ આપ્યા વિના આ અરજી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. પરિણામે નીચલી અદાલતનો ચુકાદો યથાવત રહ્યો અને કેરોલને વળતર મેળવવાનો માર્ગ સંપૂર્ણપણે ખુલ્લો થઈ ગયો. ત્યારબાદ ફેડરલ જજ લૂઈસ કપલાને ટ્રમ્પ દ્વારા કોર્ટ નિયંત્રિત ખાતામાં જમા કરાવવામાં આવેલી રકમ કેરોલને ચૂકવવાનો આદેશ આપ્યો. આ રકમમાં 50 લાખ ડોલરના મૂળ વળતર ઉપરાંત છેલ્લા ત્રણ વર્ષનું વ્યાજ પણ સામેલ હોવાથી કુલ ચુકવણી લગભગ 58 લાખ ડોલર સુધી પહોંચી છે.
ટ્રમ્પે હજુ પણ લડત ચાલુ રાખી
ચુકવણી અટકાવવા માટે ટ્રમ્પના વકીલોએ છેલ્લી ઘડીએ વધુ સમય માગ્યો હતો અને રકમ તાત્કાલિક છોડવા સામે અપીલ પણ કરી હતી. જોકે અદાલતે આ દલીલો સ્વીકારી નહોતી અને વળતરની રકમ મુક્ત કરવાનો નિર્ણય યથાવત રાખ્યો હતો. જોકે ટ્રમ્પની કાનૂની ટીમે આ આદેશ સામે વધુ અપીલ કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. ટ્રમ્પ સતત દાવો કરી રહ્યા છે કે, તેમની સામેનો સમગ્ર કેસ રાજકીય કારણોસર ચલાવવામાં આવ્યો છે અને તેમણે ક્યારેય કેરોલના આરોપો સ્વીકાર્યા નથી.
એક અલગ કેસમાં હજુ પણ 83.3 મિલિયન ડોલરનો દાવો બાકી
ઈ. જિન કેરોલ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેનો કાનૂની વિવાદ અહીં પૂરો થતો નથી. વર્ષ 2024માં એક અલગ માનહાનિ કેસમાં પણ જ્યુરીએ ટ્રમ્પને કેરોલને 83.3 મિલિયન ડોલર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. તે કેસ હાલમાં અલગ અપીલ પ્રક્રિયામાં છે અને ટ્રમ્પ તેને પણ પડકારવાની તૈયારી કરી રહ્યા છે. આ સમગ્ર કેસ અમેરિકાની ન્યાયિક વ્યવસ્થા, જાહેર જીવનમાં જવાબદારી અને ઉચ્ચ હોદ્દા પર રહેલા નેતાઓ સામેના નાગરિક દાવાઓના સંદર્ભમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણય બાદ હવે 2023નો ચુકાદો અંતિમ સ્વરૂપે અમલમાં આવ્યો છે અને કેરોલને વળતરની રકમ મળવાનો માર્ગ ખુલ્લો થયો છે.





