logo-img
Did Mitchell Marshs Keeping His Foot On The Trophy Cost Australia

શું Mitchell Marsh નો ટ્રોફી પર પગ રાખવો ઓસ્ટ્રેલિયાને ભારે પડ્યું? : 2023 ODI વર્લ્ડ કપ પછી કાંગારૂ ટીમનું શરૂ થયું ડાઉનફોલ!

શું Mitchell Marsh નો ટ્રોફી પર પગ રાખવો ઓસ્ટ્રેલિયાને ભારે પડ્યું?
Published by: Offbeat Team
| Last Updated: Feb 18, 2026, 09:16 AM IST

Australia : વિશ્વ ક્રિકેટમાં જેનો દબદબો હતો, જે ટીમ મેદાનમાં ઉતરતી ત્યારે વિરોધીઓના પરસેવા છૂટી જતા, તે ઓસ્ટ્રેલિયન ટીમ આજે સંઘર્ષ કરી રહી છે. ભારત અને શ્રીલંકામાં રમાઈ રહેલા 2026 T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગયું છે. આ હાર બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ ઓસ્ટ્રેલિયન ટીમની ભારે ટીકા કરી રહ્યા છે. ઘણા લોકોનું માનવું છે કે, 2023 ના ODI વર્લ્ડ કપ જીત્યા બાદ ખેલાડીઓમાં જે અહંકાર આવ્યો હતો, તે જ આજે તેમના અધોગતિનું કારણ બન્યો છે.

ટ્રોફીનું અપમાન અને ફેન્સની નારાજગી

ભારતમાં રમાયેલા 2023 ના ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતને હરાવીને ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બન્યું હતું. કરોડો ભારતીય ચાહકોના દિલ તૂટ્યા હતા, પરંતુ તે સમયે એક તસવીરે સમગ્ર ક્રિકેટ જગતને હચમચાવી દીધું હતું. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિશેલ માર્શ વર્લ્ડ કપની ટ્રોફી પર પગ રાખીને આરામ કરતા જોવા મળ્યા હતા. ભારતમાં જે ટ્રોફીને 'પૂજનીય' માનવામાં આવે છે, તેનું આવું અપમાન જોઈને ફેન્સે તે સમયે જ કહ્યું હતું કે, "આ ઘમંડ લાંબો સમય નહીં ટકે." આજે જ્યારે ટીમ એક પછી એક ટૂર્નામેન્ટ હારી રહી છે, ત્યારે એ જ જૂની તસવીરો ફરી વાયરલ થઈ રહી છે.

હારનો સિલસિલો : 2023 થી 2026 સુધીનો શરમજનક ગ્રાફ

2023 નો વનડે વર્લ્ડ કપ જીત્યા પછી જાણે ઓસ્ટ્રેલિયન ટીમ પર ગ્રહણ લાગ્યું હોય તેમ લાગે છે. જે ટીમને હરાવવી અશક્ય લાગતી હતી, તે આજે નાની ટીમો સામે પણ ઘૂંટણ ટેકવી રહી છે. છેલ્લા ત્રણ વર્ષમાં ઓસ્ટ્રેલિયાના પતનના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે:

  1. 2024 T20 વર્લ્ડ કપમાં આંચકો : 2021 ની ચેમ્પિયન જેવી છાપ ધરાવતી ટીમ 2024 ના T20 વર્લ્ડ કપમાં સેમીફાઇનલ સુધી પણ પહોંચી શકી ન હતી.

  2. અફઘાનિસ્તાન સામે ઐતિહાસિક હાર : ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયા જેવી દિગ્ગજ ટીમ અફઘાનિસ્તાન સામે હારી, જે તેમના માટે અત્યંત આઘાતજનક હતું.

  3. ઘરઆંગણે કિલ્લો તૂટ્યો : લગભગ 27 વર્ષના લાંબા ગાળા પછી, ઓસ્ટ્રેલિયા પોતાની ધરતી પર વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ મેચ હાર્યું.

  4. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં બહાર : પાકિસ્તાનમાં રમાયેલી 2025 ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ઓસ્ટ્રેલિયાનું પ્રદર્શન નબળું રહ્યું અને સેમીફાઇનલમાં ભારત સામે હારીને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયું.

  5. WTC ફાઇનલમાં પરાજય : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની ફાઇનલમાં સાઉથ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો અને આ પ્રતિષ્ઠિત ટ્રોફી ગુમાવી.

  6. પાકિસ્તાન સામે 'વ્હાઇટવોશ' : પાકિસ્તાન જેવી ટીમ સામે T20 સિરીઝમાં ઓસ્ટ્રેલિયાની ટીમ એક પણ મેચ જીતી શકી નહીં અને શરમજનક રીતે વ્હાઇટવોશ થઈ.

  7. ભારત સામે સતત નિષ્ફળતા : ટીમ ઇન્ડિયા સામે ઘરઆંગણે (Home) અને ભારત જઈને (Away) પણ T20 સિરીઝમાં હારનો સ્વાદ ચાખવો પડ્યો.

  8. સતત 3 વનડે સિરીઝમાં હાર : ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન, શ્રીલંકા અને સાઉથ આફ્રિકા સામે સતત 3 વનડે (ODI) સિરીઝ ગુમાવી, જે તેમની નબળી પડતી બેટિંગ અને બોલિંગનો પુરાવો છે.

  9. શ્રીલંકા સામે 13 વર્ષનો રેકોર્ડ તૂટ્યો : ICC ટુર્નામેન્ટમાં 13 વર્ષ સુધી અજેય રહ્યા બાદ, આખરે શ્રીલંકા સામે પણ ઓસ્ટ્રેલિયાનો પરાજય થયો.

  10. ઝિમ્બાબ્વે સામેની શરમજનક હાર : 2026 ના T20 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે જેવી નાની ટીમ સામે હારીને ઓસ્ટ્રેલિયાએ પોતાના ચાહકોને સૌથી મોટો ઝટકો આપ્યો.

  11. 2026 T20 વર્લ્ડ કપમાંથી એક્ઝિટ : ભારત અને શ્રીલંકાના યજમાનપદે રમાઈ રહેલા આ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા ગ્રુપ સ્ટેજ (લીગ સ્ટેજ) માંથી જ બહાર થઈ ગયું છે.

2026 T20 વર્લ્ડ કપમાં શરમજનક પ્રદર્શન

વર્તમાન T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની હાલત વધુ ખરાબ જોવા મળી. આશ્ચર્યજનક રીતે, તેઓ ઝિમ્બાબ્વે જેવી નાની ટીમ સામે પણ હારી ગયા. રિકી પોન્ટિંગ જેવા દિગ્ગજોનું માનવું છે કે, પેટ કમિન્સ અને જોશ હેઝલવુડ જેવા મુખ્ય ખેલાડીઓની ઈજા ટીમને નડી ગઈ. પરંતુ ફેન્સનું કહેવું છે કે, ટીમમાં શિસ્ત અને રમત પ્રત્યેના આદરનો અભાવ વર્તાય રહ્યો છે.

ઓલિમ્પિક્સ પર પણ સંકટના વાદળો

માત્ર વર્લ્ડ કપ જ નહીં, પણ ઓસ્ટ્રેલિયા માટે હવે રેન્કિંગ પણ મુસીબત બની છે. ICC T20 રેન્કિંગમાં ટીમ બીજા સ્થાનેથી ત્રીજા સ્થાને સરકી ગઈ છે. જો ન્યુઝીલેન્ડ આ વર્લ્ડ કપની સેમીફાઇનલમાં પહોંચી જાય છે, તો ઓસ્ટ્રેલિયા 2028 ના લોસ એન્જલસ ઓલિમ્પિક માટે સીધું ક્વોલિફાય કરી શકશે નહીં. હવે જોવાનું એ રહેશે કે, કાંગારૂ ટીમ આ અધોગતિને રોકીને ફરી બેઠી થઈ શકે છે કે કેમ.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now