Home Gujarat Dholidhaja Dam Overflowed In The Winter

ધોળીધજા ડેમ ભર શિયાળે ઓવરફ્લો થયો : લાખો લીટર પાણીનો વેડફાટ

ધોળીધજા ડેમ ભર શિયાળે ઓવરફ્લો થયો
Published by: OBS Bureau
Last Updated: Dec 17, 2025, 06:58 AM IST

Dholidhaja Dam Overflow : સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા ડેમ ભર શિયાળે ઓવરફ્લો થતાં ફરી એક વખત પાણી વ્યવસ્થાપનને લઈને ચર્ચા શરૂ થઈ છે. વઢવાણ શહેર સહિત આસપાસના વિસ્તારોના ત્રણ લાખથી વધુ લોકોને પીવાનું પાણી પૂરો પાડતો ધોળીધજા ડેમ વહેલી સવારથી ઓવરફ્લો થયો હોવાનું જાણવા મળ્યું છે. શિયાળાની ઋતુમાં ડેમ ઓવરફ્લો થવું સામાન્ય બાબત ન હોવાને કારણે લોકોમાં આશ્ચર્ય સાથે પ્રશ્નો ઊભા થયા છે.

ભર શિયાળે 'ભાદરવો'!

પ્રાથમિક માહિતી મુજબ નર્મદા કેનાલ દ્વારા પાણીની આવક યથાવત રહેતા અને જાવકમાં ઘટાડો થવાના કારણે ડેમ ઓવરફ્લો થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ડેમમાંથી હજારો લીટર પાણી ભોગાવો નદીમાં વહી જતા જોવા મળ્યું, જેના કારણે પાણીનો મોટાપાયે વેડફાટ થયો છે. એક તરફ ડેમમાંથી પાણી નદીમાં વહી જાય છે, ત્યારે બીજી તરફ શહેરના છેવાડાના વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી તેવી ફરિયાદો લાંબા સમયથી સામે આવી રહી છે.

પાણીનો વેડફાટ

આ પરિસ્થિતિને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાણીની અછતની ફરિયાદો અને સાથે જ ડેમ ઓવરફ્લો થતાં પાણીનો વેડફાટ. આ બંને વિરુદ્ધ પરિસ્થિતિઓએ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. હવે લોકો માંગ કરી રહ્યા છે કે પાણીનું યોગ્ય આયોજન અને સંચાલન કરવામાં આવે, જેથી એક બાજુ પાણીનો વેડફાટ અટકાવી શકાય અને બીજી બાજુ તમામ વિસ્તારોને પૂરતું પાણી મળી રહે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now