Dharmendra Pradhan Resignation: ધર્મેન્દ્ર પ્રધાને પોતાના રાજીનામાના પત્રમાં જણાવ્યું કે છેલ્લા ચાર દાયકાથી વધુ સમયથી તેઓ વિદ્યાર્થી હિત, શિક્ષકો અને શિક્ષણ વ્યવસ્થાના સુધારણા માટે સતત કાર્યરત રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ મજબૂત, સર્વસમાવેશક અને દૂરંદેશી શિક્ષણ વ્યવસ્થા કોઈપણ દેશના વિકાસનો આધારસ્તંભ હોય છે અને આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને તેમણે જાહેર જીવનમાં કાર્ય કર્યું છે. તેમણે લખ્યું કે, શિક્ષણ ક્ષેત્રમાં વિશ્વસનીયતા જાળવવી સરકારની સર્વોચ્ચ જવાબદારી છે અને જ્યારે પણ કોઈ પરીક્ષા અંગે શંકા અથવા ગેરરીતિ સામે આવે ત્યારે પારદર્શક અને ઝડપી કાર્યવાહી જરૂરી બની જાય છે.
NEET-UG ગેરરીતિ બાદ સરકારે લીધેલા પગલાંનો કર્યો ઉલ્લેખ
પત્રમાં ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે, 3 મે 2026ના રોજ યોજાયેલી NEET-UG પરીક્ષા અંગે અનિયમિતતાઓની ફરિયાદો સામે આવતા જ કેન્દ્ર સરકારે તરત કાર્યવાહી શરૂ કરી હતી. સમગ્ર મામલાની તપાસ કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)ને સોંપવામાં આવી હતી. સાથે જ પરીક્ષા રદ કરીને ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે, ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે આગામી વર્ષથી NEET પરીક્ષા સંપૂર્ણપણે કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં યોજવાની જાહેરાત પણ કરવામાં આવી છે. તેમના મત મુજબ આ પગલું પરીક્ષા પ્રક્રિયાને વધુ પારદર્શક, સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવામાં મદદરૂપ બનશે.
20 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે નિષ્પક્ષ પરીક્ષા યોજવાનો પ્રયાસ
તેમણે વધુમાં જણાવ્યું કે. 20 લાખથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા પારદર્શક અને નિષ્પક્ષ રીતે યોજવી તેમની પ્રથમ પ્રાથમિકતા હતી. કેન્દ્ર સરકાર, વિવિધ રાજ્ય સરકારો, જિલ્લા પ્રશાસન, પરીક્ષા સંચાલન સાથે જોડાયેલી એજન્સીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓના સહકારથી 21 જૂન 2026ના રોજ પુનઃ પરીક્ષા સફળતાપૂર્વક યોજવામાં આવી હતી. 16 જુલાઈએ જાહેર થયેલા પરિણામોમાં ગરીબ અને વંચિત પરિવારોના અનેક પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ સફળતા મેળવી હોવાનું તેમણે જણાવ્યું. જોકે તેમણે આક્ષેપ કર્યો કે, કેટલાક જવાબદાર હોદ્દા પર રહેલા લોકોએ વિદ્યાર્થીઓમાં ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ કર્યો, જેના કારણે તેમને વ્યક્તિગત રીતે દુઃખ થયું.
'આ મારા સન્માનનો નહીં, દેશના યુવાનોના ભવિષ્યનો પ્રશ્ન'
રાજીનામાના નિર્ણય અંગે ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે, છેલ્લા દસ દિવસની ઘટનાઓએ તેમને અત્યંત વ્યથિત કર્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ મુદ્દો તેમના વ્યક્તિગત સન્માનનો નથી, પરંતુ દેશના કરોડો યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલો છે. તેમણે કહ્યું કે, તેઓ ઇચ્છતા નથી કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય લાંબા સમય સુધી કાનૂની વિવાદો અથવા રાજકીય ટકરાવમાં ફસાય. વિદ્યાર્થીઓનું ધ્યાન અભ્યાસથી ભટકે નહીં અને શિક્ષણ પ્રણાલીમાં વિશ્વાસ જળવાઈ રહે તે માટે તેમણે પદ છોડવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું.
વડાપ્રધાન અને શિક્ષણ મંત્રાલયનો વ્યક્ત કર્યો આભાર
પત્રના અંતે ધર્મેન્દ્ર પ્રધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રિમંડળના સહયોગીઓ, શિક્ષણ મંત્રાલયના અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે જાહેર જીવનમાં તેઓ આગળ પણ ભારત માતા, પોતાના રાજ્ય ઓડિશાની જનતા અને દેશના યુવાનોની આશાઓ પૂર્ણ કરવા માટે સંપૂર્ણ નિષ્ઠા સાથે કાર્ય કરતા રહેશે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ હવે કેન્દ્ર સરકાર શિક્ષણ મંત્રાલય માટે શું નિર્ણય લે છે અને NEET-UG પરીક્ષા વ્યવસ્થામાં જાહેર કરાયેલા સુધારાઓને કેવી રીતે અમલમાં મૂકે છે, તેના પર દેશભરના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણજગતની નજર રહેશે. પરીક્ષા વ્યવસ્થાની પારદર્શિતા, જવાબદારી અને વિશ્વસનીયતા અંગે શરૂ થયેલી ચર્ચા આગામી સમયમાં પણ કેન્દ્રસ્થાને રહેવાની શક્યતા છે.





