Home Gujarat Dgp Dr Kln Rao Kutch Visit Border Security Ncord Meeting

કચ્છમાં પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવની બે દિવસીય મુલાકાત : સરહદી સુરક્ષા અને ડ્રગ્સ રોકથામ પર ખાસ ભાર, નલિયા પોલીસ સ્ટેશનને દત્તક લીધું!

કચ્છમાં પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવની બે દિવસીય મુલાકાત
Published by: OBS Bureau
Last Updated: Feb 23, 2026, 11:23 AM IST

ભુજ ખાતે યોજાયેલી હાઈ-લેવલ ક્રાઈમ કોન્ફરન્સમાં રાજ્યના પોલીસ વડાએ સરહદી ક્ષેત્રમાં ગુનાખોરીની સ્થિતિની સમીક્ષા કરી હતી. ત્યારબાદ, BSF, ભારતીય વાયુસેના, કોસ્ટ ગાર્ડ, IB અને NTRO જેવી એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે વિશેષ બેઠક યોજી હતી. જેમાં ઈન્ટેલિજન્સ શેરિંગ, ડ્રગ્સની હેરાફેરી અટકાવવા, માછીમારોના પ્રશ્નો અને સંભવિત ઘૂસણખોરી રોકવા સહિતના અગત્યના મુદ્દાઓને ધ્યાને રાખીને તમામ એજન્સીઓ વચ્ચે મજબૂત સંકલન સ્થાપિત કરવા પર ભાર મૂક્યો હતો. NCORD (નેશનલ કોર્ડિનેશન સેન્ટર) ની પ્રગતિ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ મુલાકાતના ભાગરૂપે રાજ્યના પોલીસ વડાએ નલિયા પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ તેને દત્તક લેવાની જાહેરાત કરી હતી. પોલીસ સ્ટેશનના આધુનિકીકરણ અને સુવિધાઓ માટે તેમણે રૂપિયા 5 લાખની ગ્રાન્ટ ફાળવવાની પણ જાહેરાત કરી હતી. ઉપરાંત, પોલીસ અધિકારીઓ, જવાનો અને સ્થાનિક નાગરિકો સાથે 'બડા ખાના' યોજીને સૌનું મનોબળ વધાર્યું હતું અને જનતાની સમસ્યાઓ સાંભળી હતી.
ડૉ.કે.એલ.એન.રાવ એ જખૌ દરિયાકાંઠે ધ્વજવંદન કરી સુરક્ષા જવાનોનું અભિવાદન કર્યું હતું. તેમણે ભારતીય કોસ્ટ ગાર્ડ, BSF અને ગુજરાત પોલીસના જવાનો સાથે દરિયામાં સંયુક્ત પેટ્રોલિંગ કરીને સુરક્ષા કવચની સજ્જતા ચકાસી હતી. આ ઉપરાંત, છેવાડાના વિસ્તારો એવા પિંગલેશ્વર આઉટપોસ્ટની મુલાકાત લઈ ત્યાંના પડકારો અને સંવેદનશીલ દરિયાઈ પટ્ટી પર સતર્કતા રાખવા જરૂરી સૂચનાઓ આપી હતી.
કચ્છની સંવેદનશીલ ભૌગોલિક સ્થિતિને ધ્યાને રાખી ડૉ.રાવે દરિયાઈ અને જમીની સરહદ પર એલર્ટ રહેવા, ટેકનોલોજીનો ઉપયોગ વધારવા અને એજન્સીઓ વચ્ચે સીમલેસ કોઓર્ડિનેશન માટે માર્ગદર્શન આપ્યું હતું.

આ મુલાકાતથી કચ્છની સરહદી સુરક્ષા વ્યવસ્થામાં નવી ઉર્જાનો સંચાર થયો છે અને દેશવિરોધી પ્રવૃત્તિઓ સામે ગુજરાત પોલીસની સજ્જતા વધુ મજબૂત બની છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now