Home Gujarat Offbeat Gujarat Devpagli Horse Amreli Jafarabad Worth 51 Lakh

10 કરોડના ઘોડાની દીકરી 'દેવપગલી' : 36 લાખમાં ખરીદેલી ઘોડી 51 લાખમાં પણ વેચવા તૈયાર નથી માલિક

દેવ પગલી ઘોડી અને તેના માલિકની છબી
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 11, 2026, 11:45 AM IST

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરીયાવાડ પંથકમાં એક ઘોડી હાલ ચર્ચાનો વિષય બની છે. લૂણસાપૂર ગામના કાઠી દરબાર પરિવાર દ્વારા રાજસ્થાનમાંથી લાવવામાં આવેલી 'દેવપગલી' નામની ઘોડી આજે ઘોડાપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. માત્ર 4 મહિના પહેલા 36 લાખ 66 હજાર 666 રૂપિયામાં ખરીદવામાં આવેલી આ ઘોડીની કિંમત આજે 51 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ હોવા છતાં તેના માલિક તેને વેચવા તૈયાર નથી.

જાફરાબાદ તાલુકાના લૂણસાપૂર ગામમાં રહેતા કાઠી દરબાર ભગુભાઈ માત્રાભાઈ કોટીલા ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે. 300થી વધુ વિઘા જમીન ધરાવતા ભગુભાઈને બાળપણથી જ ઘોડા ઉછેરવાનો શોખ છે. તેમની પાસે અનેક કિંમતી પશુઓ છે, પરંતુ ‘દેવપગલી’ ઘોડી સૌથી વિશેષ માનવામાં આવે છે.

65 ઇંચ ઊંચાઈ અને 8 ફૂટથી વધુ લંબાઈ

'દેવપગલી'ની સૌથી મોટી વિશેષતા તેની કદાવર કાયા છે. ઘોડીની ઊંચાઈ 65 ઇંચથી વધુ છે, જ્યારે તેની લંબાઈ 8 ફૂટથી પણ વધારે હોવાનું જણાવવામાં આવે છે. 'દેવ' બ્રિડ લાઇનની આ ઘોડીનું શરીર બંધાણું, ચાલ અને વ્યક્તિત્વ તેને સામાન્ય ઘોડીઓથી અલગ ઓળખ આપે છે. માત્ર દેખાવ જ નહીં, પરંતુ તેનો સ્વભાવ પણ અત્યંત શાંત અને સંતુલિત હોવાનું માલિક જણાવે છે. સામાન્ય રીતે ઊંચી નસલના ઘોડાઓને સંભાળવા મુશ્કેલ માનવામાં આવે છે, પરંતુ ‘દેવપગલી’નું વર્તન તેને વધુ ખાસ બનાવે છે.

સલમાન ખાન સાથે જોડાયેલી છે વંશપરંપરા

'દેવપગલી'ની લોકપ્રિયતા પાછળ તેની વંશપરંપરાનો પણ મોટો ફાળો છે. સ્થાનિક ઘોડાપ્રેમીઓના જણાવ્યા મુજબ, આ ઘોડીની માતા 65 લાખ રૂપિયામાં વેચાઈ હતી અને તેની ખરીદી ફિલ્મ અભિનેતા સલમાન ખાને કરી હોવાનું કહેવાય છે.

આ ઉપરાંત, 'દેવપગલી'ના પિતા તરીકે ઓળખાતો ઘોડો રાજસ્થાનમાં આશરે 10 કરોડ રૂપિયામાં વેચાયો હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. હાલ તે અમદાવાદના એક જાણીતા સ્ટડ ફાર્મમાં હોવાનું કહેવાય છે. આવી પ્રતિષ્ઠિત બ્લડલાઇનને કારણે 'દેવપગલી'ની બજાર કિંમત સતત વધી રહી છે.

ગર્ભવતી અવસ્થામાં ખરીદી

ભગુભાઈ કોટીલાએ જ્યારે ‘દેવપગલી’ને રાજસ્થાનમાંથી ખરીદી હતી ત્યારે તે ગર્ભવતી હતી. હાલમાં તેને ત્રણ મહિનાનો વછેરો પણ થયો છે. ઘોડાપ્રેમીઓનું માનવું છે કે ઉત્તમ વંશપરંપરા ધરાવતા આ વછેરાની કિંમત પણ ભવિષ્યમાં લાખોમાં પહોંચી શકે છે.

વછેરાના જન્મ બાદ ‘દેવપગલી’ની કિંમતમાં વધુ વધારો થયો હોવાનું માનવામાં આવે છે. અનેક ઘોડા રસિયાઓ અને વેપારીઓ દ્વારા ઘોડી ખરીદવા માટે રસ દર્શાવવામાં આવ્યો છે, પરંતુ માલિકે હાલમાં તેને વેચવાનો કોઈ વિચાર ન હોવાનું જણાવ્યું છે.

બાબરીયાવાડમાં લોકો માટે બન્યું આકર્ષણ

'દેવપગલી'ને જોવા માટે માત્ર અમરેલી જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી ઘોડાપ્રેમીઓ લૂણસાપૂર ગામ સુધી પહોંચી રહ્યા છે. ઘોડીની ઊંચાઈ, તેની કાયા અને વંશપરંપરાને કારણે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. બાબરીયાવાડ વિસ્તાર કાઠિયાવાડી ઘોડાઓ માટે જાણીતા વિસ્તારોમાં ગણાય છે, પરંતુ ‘દેવપગલી’ જેવી વિશિષ્ટ ઘોડી ભાગ્યે જ જોવા મળે છે. જેના કારણે આ ઘોડી હાલમાં સમગ્ર પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.

ઘોડાપ્રેમીઓ માટે ગૌરવની વાત

ઘોડા ઉછેરનારાઓનું માનવું છે કે આવી ઉચ્ચ નસલની ઘોડીઓ માત્ર શોખ પૂરતી નથી, પરંતુ પશુપાલન ક્ષેત્રમાં એક મૂલ્યવાન સંપત્તિ પણ છે. ‘દેવપગલી’ જેવી ઘોડીઓ ભારતીય અને ખાસ કરીને રાજસ્થાની તથા કાઠિયાવાડી ઘોડા સંસ્કૃતિનું ગૌરવ માનવામાં આવે છે. આજે 36 લાખમાં ખરીદાયેલી આ ઘોડી 51 લાખના ભાવ છતાં વેચાણ માટે ઉપલબ્ધ નથી, જે તેની લોકપ્રિયતા અને માલિકના લગાવ બંને દર્શાવે છે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now