Home Gujarat Devotees Ready For Grand Celebration Of Mahant Swami Maharajs 92nd Birth Anniversary In Vadodara

350 એકર વિસ્તારમાં યોજાશે દિવ્ય મહોત્સવ : વડોદરામાં મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતી મહોત્સવની ભવ્ય ઉજવણી માટે હરિભક્તો તૈયાર

350 એકર વિસ્તારમાં યોજાશે દિવ્ય મહોત્સવ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 28, 2026, 11:28 AM IST

Mahant Swami Maharaj 92nd Birth Anniversary: B.A.P.S સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતીની ઉજવણી વડોદરા શહેરમાં અત્યંત ભવ્ય અને દિવ્ય રૂપે યોજાવાની છે. આગામી તા. 2 ફેબ્રુઆરી, 2026 સોમવારના રોજ સાંજે 5:00 થી 8:00 વાગ્યા દરમિયાન એ.પી.એમ.સી. માર્કેટ નજીક, નેશનલ હાઈવે-48 પર આવેલા વિશાળ મહોત્સવ સ્થળે આ ઐતિહાસિક કાર્યક્રમ યોજાશે.

14,000 સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારી શરૂ

આ મહોત્સવ માટે આશરે 350 એકર વિસ્તારને સુસજ્જ બનાવવામાં આવી રહ્યો છે. દિવસ-રાત મહેનત કરતા 14,000 જેટલા સ્વયંસેવકો દ્વારા આયોજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વિશાળ સભામંડપ, સુવિધાયુક્ત વ્યવસ્થા અને શિસ્તબદ્ધ આયોજનથી લાખો હરિભક્તો માટે સુખદ અનુભવ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.

વૈશ્વિક સ્તરે સનાતન પરંપરાનો જયઘોષ

પ્રમુખ સ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી તરીકે મહંત સ્વામી મહારાજ આજે બી.એ.પી.એસ. સંસ્થાના વૈશ્વિક સેવાકાર્યોનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમની નિશ્રામાં વિશ્વભરમાં 1800થી વધુ મંદિરો દ્વારા સનાતન વૈદિક સંસ્કૃતિનો પ્રસાર થયો છે. ન્યૂજર્સી સ્થિત રોબિન્સવિલ અક્ષરધામથી લઈને અબુ ધાબીમાં નિર્મિત પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર સુધી, તેમની દિશામાં સનાતન પરંપરાનું વૈશ્વિક પ્રતિષ્ઠાન વધ્યું છે.

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા બે મહત્વપૂર્ણ બહુમાન

આ મહોત્સવની વિશેષતા તરીકે ઇંગ્લેન્ડથી પધારેલા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સના અધિકારીઓ દ્વારા મહંત સ્વામી મહારાજને બે મહત્વપૂર્ણ બહુમાન અર્પણ કરવામાં આવશે. 15,000થી વધુ બાળકો દ્વારા ‘સત્સંગદીક્ષા’ ગ્રંથના 315 શ્લોકોના સંસ્કૃત મુખપાઠ બદલ પ્રથમ બહુમાન મળશે. સાથે જ, સમગ્ર વિશ્વમાં સૌથી વધુ હિન્દુ મંદિરોના નિર્માણના વિક્રમ બદલ બીજું બહુમાન અર્પણ કરાશે. આ સાથે બી.એ.પી.એસ. સંસ્થાને અત્યાર સુધી કુલ પાંચ ગિનિસ રેકોર્ડ્સ પ્રાપ્ત થયા છે.

બે લાખ હરિભક્તો રહેશે હાજર

જન્મજયંતી મહોત્સવના ભાગરૂપે વિવિધ સેવા પ્રવૃત્તિઓ યોજાઈ છે. તેમાં 140 ઔદ્યોગિક એકમોમાં મહાપૂજા, સુરસાગર તળાવ ખાતે 1293 બાળકો દ્વારા વિશ્વશાંતિ યજ્ઞ, 92 યુવાનોની મશાલયાત્રા, મહારક્તદાન કેમ્પ અને 7200થી વધુ મહિલા પ્રેરણા સભાઓનો સમાવેશ થાય છે. શહેરમાં એક લાખથી વધુ ઘરોમાં રૂબરૂ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.મહોત્સવ સ્થળે અંદાજે બે લાખ હરિભક્તોની હાજરી રહેવાની અપેક્ષા છે, જ્યારે દેશ-વિદેશના લાખો ભાવિકો આસ્થા ભજન ચેનલ અને live.baps.org દ્વારા આ દિવ્ય પ્રસંગનો લાભ લઈ શકશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now