Delhi Police Notice to Social Media: દિલ્હીમાં 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના પ્રદર્શન દરમિયાન સર્જાયેલી હિંસા અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કથિત ભ્રામક કન્ટેન્ટને લઈને દિલ્હી પોલીસે કડક વલણ અપનાવ્યું છે. હિંસા બાદ સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાયેલા ફોટા, વીડિયો અને વિવિધ દાવાઓની તપાસ વચ્ચે પોલીસે વિશ્વના ચાર મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ – Facebook, Instagram, X (પૂર્વે Twitter) અને YouTubeને સત્તાવાર નોટિસ પાઠવી છે. પોલીસનું કહેવું છે કે, પ્રદર્શન દરમિયાન અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં એવી પોસ્ટ્સ શેર કરવામાં આવી હતી, જેનાથી લોકોમાં ગેરસમજ ફેલાઈ શકે અને જાહેર વ્યવસ્થાને અસર પહોંચી શકે. આ મામલે હવે સોશિયલ મીડિયા કંપનીઓને વિવાદિત કન્ટેન્ટની સમીક્ષા કરીને જરૂરી કાર્યવાહી કરવા અને સંબંધિત માહિતી ઉપલબ્ધ કરાવવા સૂચના આપવામાં આવી છે.
ભ્રામક માહિતી ફેલાવવાના આરોપોની તપાસ શરૂ
દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર હજારો પોસ્ટ્સ, એડિટ કરાયેલા ફોટોગ્રાફ્સ અને કથિત ડીપફેક વીડિયો શેર કરવામાં આવ્યા હતા. પોલીસનું કહેવું છે કે આવા કન્ટેન્ટ દ્વારા લોકોમાં ગેરસમજ ઊભી કરવાની અને ઘટનાને લઈને ખોટો નેરેટિવ તૈયાર કરવાનો પ્રયાસ થયો હોવાની શંકા છે. તપાસ એજન્સીઓ હવે આવા કન્ટેન્ટની સત્યતા ચકાસી રહી છે અને કયા એકાઉન્ટ્સ અથવા હેન્ડલ્સ પરથી આ પોસ્ટ્સ વાયરલ થઈ તેની પણ તપાસ ચાલી રહી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે, કાયદો અને વ્યવસ્થાને અસર પહોંચાડે તેવા કોઈપણ પ્રયાસ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
Facebook, Instagram, X અને YouTubeને નોટિસ
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ હેઠળ કાર્યરત IFSO (Intelligence Fusion & Strategic Operations) યુનિટે ચારેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને નોટિસ મોકલી છે. નોટિસમાં કથિત ભ્રામક પોસ્ટ્સ, વીડિયો અને સંબંધિત એકાઉન્ટ્સની વિગતો માંગવાની સાથે આવા કન્ટેન્ટને તાત્કાલિક દૂર કરવાની કાર્યવાહી કરવા જણાવ્યું છે. પોલીસે પ્લેટફોર્મ્સને એ પણ જણાવ્યું છે કે જો કોઈ કન્ટેન્ટ કાયદાનું ઉલ્લંઘન કરતું હોય અથવા જાહેર શાંતિ માટે જોખમરૂપ હોય તો તેના વિરુદ્ધ ઝડપથી પગલાં લેવામાં આવે.
કેટલાક ન્યૂઝ પોર્ટલ્સ અને હેન્ડલ્સ પણ તપાસના દાયરામાં
તપાસ દરમિયાન પોલીસને એવી માહિતી પણ મળી હોવાનું જણાવાયું છે કે કેટલાક ન્યૂઝ પોર્ટલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સે પૂરતી ચકાસણી કર્યા વગર વાયરલ પોસ્ટ્સ અને વીડિયો શેર કર્યા હતા. આ મુદ્દે પણ તપાસ ચાલી રહી છે કે, કયા એકાઉન્ટ્સે ભ્રામક માહિતીના પ્રસારને વેગ આપ્યો. nપોલીસે સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ વ્યક્તિ અથવા સંસ્થા જાણતા-અજાણતા ખોટી માહિતી ફેલાવવામાં સંડોવાયેલી હોવાનું સામે આવશે તો કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
જનતા તરફથી મળેલી ફરિયાદોના આધારે કાર્યવાહી
દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા કન્ટેન્ટ અંગે મોટી સંખ્યામાં નાગરિકો તરફથી ફરિયાદો મળી હતી. ફરિયાદોના આધારે શંકાસ્પદ પોસ્ટ્સ, વીડિયો અને એકાઉન્ટ્સને ઓળખવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ડેટાના આધારે સોશિયલ મીડિયા કંપનીઓને નોટિસ મોકલીને સંબંધિત કન્ટેન્ટ અંગે માહિતી અને જરૂરી કાર્યવાહી કરવા કહેવામાં આવ્યું છે.
અફવાઓથી દૂર રહેવાની પોલીસની અપીલ
દિલ્હી પોલીસે લોકોને અપીલ કરી છે કે, સોશિયલ મીડિયા પર વાયરલ થતા કોઈપણ ફોટા, વીડિયો અથવા દાવાને ચકાસ્યા વગર શેર ન કરે. પોલીસે જણાવ્યું છે કે, અફવાઓ જાહેર શાંતિ અને કાયદો-વ્યવસ્થાને અસર કરી શકે છે. તેથી માત્ર સત્તાવાર અને વિશ્વસનીય સ્ત્રોતોમાંથી મળતી માહિતી પર જ વિશ્વાસ રાખવો જોઈએ. પોલીસે એમ પણ જણાવ્યું છે કે, સોશિયલ મીડિયા પર સતત નજર રાખવામાં આવી રહી છે અને ભ્રામક માહિતી ફેલાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.





