મોટાભાગના વાહન માલિકો કારના એન્જિન અને સર્વિસિંગ બાબતે ખૂબ જ સજાગ હોય છે, પરંતુ ટાયરની સ્થિતિ પર ત્યાં સુધી ધ્યાન આપતા નથી જ્યાં સુધી તે સંપૂર્ણપણે લપસણા ન થઈ જાય. વાસ્તવમાં, ઘસાયેલા ટાયર સાથે મુસાફરી કરવી એ માત્ર સુરક્ષાની દૃષ્ટિએ જોખમી નથી, પરંતુ તે આર્થિક રીતે પણ મોટું નુકસાન કરાવી શકે છે. ટાયરની ગુણવત્તા સીધી રીતે વાહનની પરફોર્મન્સ સાથે જોડાયેલી હોય છે. અહીં અમે તમને ઘસાયેલા ટાયરથી થતા 5 મુખ્ય ગેરફાયદા વિશે જણાવી રહ્યા છીએ.
માઈલેજમાં નોંધપાત્ર ઘટાડો
જ્યારે ટાયરની સપાટી ઘસાઈ જાય છે ત્યારે રસ્તા પર તેની પકડ (Grip) નબળી પડે છે. આ પકડ જાળવી રાખવા અને ગાડીને આગળ ખેંચવા માટે એન્જિનને વધુ શક્તિ ખર્ચવી પડે છે. જ્યારે એન્જિન વધારે લોડ લે છે ત્યારે તે પેટ્રોલ અથવા ડીઝલનો વપરાશ પણ વધારી દે છે. પરિણામે તમારી કારની માઈલેજમાં અચાનક મોટો ઘટાડો જોવા મળે છે, જે તમારા ઈંધણના બજેટને બગાડી શકે છે.
એન્જિન પર બિનજરૂરી દબાણ
નબળા ટાયર રસ્તા પર સતત લપસ્યા કરે છે. આ ઘર્ષણની અછતને પૂરી કરવા માટે એન્જિનને સતત ઊંચા RPM પર કાર્ય કરવું પડે છે. લાંબા ગાળે આ પ્રક્રિયા એન્જિનના આંતરિક ભાગો પર ખરાબ અસર કરે છે. તેનાથી એન્જિનમાં ઘસારો વધે છે અને ગાડીની આયુષ્ય પણ ઓછું થવા લાગે છે.
અકસ્માતનું જોખમ અને બ્રેકિંગ સિસ્ટમ
ટાયર પર રહેલી ડિઝાઈન અથવા જે ધારિઓ હોય છે તે રસ્તા પર પકડ બનાવવા અને બ્રેક મારતી વખતે વાહનને સ્થિર રાખવા માટે હોય છે. ટાયર ઘસાઈ જવાથી આ ગ્રીપ ખતમ થઈ જાય છે. આવી સ્થિતિમાં જ્યારે તમે અચાનક બ્રેક મારો છો ત્યારે કાર તરત ઉભી રહેવાને બદલે લાંબા અંતર સુધી ઘસડાય છે. આ પરિસ્થિતિ ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે.
ટાયર ફાટવાની ભીતિ
જૂના અને ઘસાયેલા ટાયરનું રબર અત્યંત પાતળું થઈ ગયું હોય છે. ઉનાળાની ઋતુમાં જ્યારે ડામરના રસ્તાઓ ખૂબ ગરમ હોય છે ત્યારે સતત Friction એટલે કે ઘર્ષણના કારણે પાતળું રબર વધુ ગરમ થઈ જાય છે. અતિશય ગરમીને કારણે ચાલુ ગાડીએ ટાયર ફાટવાનું જોખમ રહે છે. હાઈવે પર વધુ સ્પીડમાં ટાયર ફાટવું જીવલેણ સાબિત થઈ શકે છે.
ચોમાસામાં વધી જાય છે તકલીફ
વરસાદ દરમિયાન ઘસાયેલા ટાયર સૌથી વધુ જોખમી સાબિત થાય છે. રસ્તા પર જમા થયેલા પાણી અને ટાયરની સપાટી વચ્ચે ગ્રીપ ન બનવાને કારણે કાર Hydroplaning નો શિકાર બને છે. આવી સ્થિતિમાં સ્ટેયરિંગ પરથી કંટ્રોલ ગુમાવવાની શક્યતા રહે છે. જો તમે સમયસર ટાયર બદલાવો છો તો માત્ર પૈસા જ નહીં, પણ તમારા અને તમારા પરિવારનો જીવ પણ સુરક્ષિત રાખી શકો છો.





