કેન્દ્રીય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સમાં મોંઘવારી ભથ્થાનાં વધારાને અંગે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈથી લાગુ થતો DA વધારો માર્ચ અથવા સપ્ટેમ્બર આસપાસ જાહેર કરવામાં આવે છે. પરંતુ 2026 માટેનો જાન્યુઆરી હપ્તો હજુ સુધી જાહેર ન થતા, કર્મચારીઓએ આજે 16 એપ્રિલે દેશભરમાં પ્રદર્શન શરૂ કર્યા છે.
દેશભરમાં વિરોધ
કન્ફેડરેશન ઓફ સેન્ટ્રલ ગવર્નમેન્ટ એમ્પ્લોયીઝ એન્ડ વર્કર્સ (CCGEW)ના આહ્વાન પર દેશભરના સરકારી કચેરીઓમાં “લંચ અવર” દરમિયાન પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કર્મચારીઓએ એક જ માંગ કરી છે કે , પહેલી જાન્યુઆરી 2026થી લાગુ થતો DA અને પેન્શનર્સ માટે DR તરત જાહેર કરવામાં આવે.
વિલંબનું કારણ શું?
DAનો દર “ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (AICPI-IW)” પર આધારિત હોય છે, જે મોંઘવારીનો માપદંડ છે. સામાન્ય રીતે માર્ચમાં તેની જાહેરાત થાય છે. ખાસ કરીને હોળી આસપાસ જાહેરાત થતી હોય છે પરંતુ આ વખતે એપ્રિલ સુધી કોઈ જાહેરાત થઈ નથી. આ વિલંબ પાછળના ચોક્કસ કારણો સરકારે જાહેર કર્યા નથી પરંતુ નિષ્ણાતો માને છે કે બજેટ દબાણ અથવા નીતિગત વિલંબ કારણ હોઈ શકે છે.
કેટલો વધી શકે DA
હાલમાં DA 58% છે. આંકડાઓ મુજબ 2026 માટેનો વધારો આશરે 2%થી 3% વચ્ચે રહેવાની શક્યતા છે.
સંભાવિત પગાર વધારો.
₹25,000 મૂળ પગાર → ₹500થી ₹750 સુધી વધારો
₹50,000 મૂળ પગાર → ₹1,000થી ₹1,500 સુધી વધારો
₹1,00,000 મૂળ પગાર → ₹2,000થી ₹3,000 સુધી વધારો મળી શકે. DA વધારો સીધો માસિક આવક પર અસર કરે છે અને મધ્યમ વર્ગ માટે મહત્વપૂર્ણ છે.
DAની કર્મીઓ પર શું અસર
લગભગ 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 65–70 લાખ પેન્શનર્સ કુલ મળીને 1.2 કરોડથી વધુ લોકો પ્રભાવિત થાય છે. DA વધારાનાં વિલંબના કારણે 3 મહિનાના એરિયર્સ પણ અટક્યા છે.
અગાઉ ક્યારે થયો હતો DA વધારો?
છેલ્લો DA વધારો ઓક્ટોબર 2025માં જાહેર થયો હતો, જે જુલાઈ 2025થી લાગુ થયો હતો. તે વખતે કર્મચારીઓને એરિયર્સ સાથે લાભ મળ્યો હતો. હાલ માટે કર્મચારીઓ સરકારના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. વિરોધનાં કારણે સરકાર વહેલી તકે જાહેરાત કરી શકે છે. જો જાહેરાત થાય, તો કર્મચારીઓને જાન્યુઆરી 2026થી લાગુ એરિયર્સ સાથે વધારાનો લાભ મળશે.





