બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલું તીવ્ર ચક્રવાત વાવાઝોડું 'મોન્થા'એ આંધ્રપ્રદેશના કાકીનાડા અને મછલીપટ્ટનમ વચ્ચેના દરિયાકાંઠે જોરદાર લેન્ડફોલ કર્યું છે. આ સમયે પવનની ગતિ 100-110 કિમી પ્રતિ કલાક હતી, જેના કારણે કાંઠાના વિસ્તારોમાં સેંકડો ઘરો અને વૃક્ષોને ભારે નુકસાન પહોંચ્યું છે. વાવાઝોડું હવે ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે, જેના પગલે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અનેક જિલ્લાઓમાં પણ ભારે વરસાદ
આંધ્રપ્રદેશ સૌથી વધુ અસરગ્રસ્ત છે, જ્યાં રહેવાસીઓને ઘરમાં જ રહેવાની સખત સલાહ આપવામાં આવી છે. તમિલનાડુ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના અનેક જિલ્લાઓમાં પણ ભારે વરસાદ અને પ્રચંડ પવનનો કહેર ચાલી રહ્યો છે. હવાઈ અને રેલવે સેવાઓ પર મોટો અસર થઈ છે – 52 ફ્લાઇટ્સ અને 120 ટ્રેનો રદ કરવામાં આવી છે. સંબંધિત રાજ્ય સરકારો હાઇ એલર્ટ પર છે અને રાહત કાર્યો ઝડપથી શરૂ કરવામાં આવ્યા છે.






