ચક્રવાત મોન્થા હવે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠા તરફ સીધું આગળ વધી રહ્યું છે. આજે સાંજ કે રાત્રે 90થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે લેન્ડફોલ થવાની આગાહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સાથે ટેલિફોનિક વાતચીત કરીને સ્થિતિનું મૂલ્યાંકન કર્યું અને કેન્દ્રીય સહાયની ખાતરી આપી.
વહીવટી તંત્ર સતર્ક
રાજ્યના અનેક જિલ્લાઓમાં સોમવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે. ઓડિશા, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદ અને પવનની આગાહી જારી કરાઈ છે. આ વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે વહીવટી તંત્ર સતર્ક બન્યું છે.આંધ્ર પ્રદેશમાં ભારતીય સેના તથા NDRFની ટીમો સંપૂર્ણ એલર્ટ પર છે. ઓડિશા, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં NDRF અને SDRFના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. બચાવ અને રાહત કામગીરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. રહેવાસીઓને સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા ઝડપથી ચાલુ છે.






