Navsari News : નવસારી શહેરમાં મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના કાગદી વાડ વિસ્તારમાં નવસારી મહાનગરપાલિકાએ કામચલાઉ ગૌશાળા ઊભી કરી છે, જ્યાં રાખવામાં આવેલી ગાયોના ટપોટપ મોત થતાં ભારે ચકચાર મચી ગઈ છે.
એક પછી એક ગાયોના મોતથી ગૌપ્રેમીઓમાં ભારે રોષ
પ્રાપ્ત માહિતી મુજબ ઘાસચારા અને યોગ્ય જાળવણીના અભાવે ગાયોના મોત થઈ રહ્યા છે. ગૌશાળામાં રહેલી ગાયો માટે પૂરતું ચારો, પાણી અને સારવારની સુવિધા ન હોવાના કારણે તેમની હાલત દયનીય બની છે. એક પછી એક ગાયોના મોતથી ગૌપ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે.
લોકોમાં ભારે આક્રોશ
આ મામલો વધુ ગંભીર ત્યારે બન્યો, જ્યારે મોતને ભેટેલી ગાયને કૂતરા પીંખી ખાતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. આ વીડિયોના કારણે લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ગૌશાળાની સુરક્ષા અને દેખરેખ પર પણ મોટા પ્રશ્નો ઊભા થયા છે.
વાયરલ વીડિયોને પગલે ભારે રોષ
ગાયોના મોત અને વાયરલ વીડિયોને પગલે ગૌરક્ષકો અને ગૌપ્રેમીઓમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. તેઓએ મહાનગરપાલિકાની બેદરકારી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગૌરક્ષકોનું કહેવું છે કે જો વહેલી તકે ગાયોને યોગ્ય સારવાર અને પૂરતો ચારો આપવામાં નહીં આવે, તો તેઓ મહાનગરપાલિકા સામે ધરણાં અને આંદોલન કરવાની ચીમકી આપી રહ્યા છે. આ સમગ્ર ઘટનાએ નવસારી મહાનગરપાલિકાની કામગીરી અને જવાબદારી પર સવાલ ઊભા કર્યા છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ ગંભીર મુદ્દે કેટલું ઝડપથી પગલાં ભરે છે અને ગાયોની સુરક્ષા માટે શું કાર્યવાહી કરે છે.






