Home International Court Sentences Accused To Four Life Imprisonments In Minor Rape Case

દેશમાં પહેલી વખત દુષ્કર્મના દોષીને 4 વખત આજીવન કેદ : POCSO કોર્ટનો ઐતિહાસિક નિર્ણય

દેશમાં પહેલી વખત દુષ્કર્મના દોષીને 4 વખત આજીવન કેદ
Published by: OBS Bureau
Last Updated: Dec 05, 2025, 05:28 PM IST

બે વર્ષની માસૂમ બાળકીને ઘરમાંથી ઉપાડી જઈને દુષ્કર્મ આચરવા અને તેની હત્યાનો પ્રયાસ કરવાના અત્યંત ઘૃણાસ્પદ કેસમાં કોર્ટે ઐતિહાસિક અને કડક ચુકાદો આપ્યો છે. એડિશનલ સેશન્સ જજ (સ્પેશિયલ પોક્સો કોર્ટ) શિપ્રા પટેલની કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવીને એક કે બે નહીં પરંતુ ચાર વખત આજીવન કેદની સજા સંભળાવી છે. કોર્ટે આરોપી દિનેશ ડાબર (38 વર્ષ, રહે. ધાર) ને પોક્સો એક્ટની ત્રણ કલમો અને હત્યાના પ્રયાસની કલમ હેઠળ અલગ-અલગ આજીવન કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત બળજબરીથી સંબંધ બાંધવા બદલ 5 વર્ષની સજા અને 42,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

આ કમકમાટીભરી ઘટના 13 ઓક્ટોબર 2022 ના રોજ બની હતી. પોલીસના જણાવ્યા મુજબ, એક નિર્માણાધીન મકાનમાં ચોકીદારી કરતા પરિવારની 2 વર્ષની દીકરી રાત્રે લગભગ 2 વાગ્યે માતાની બાજુમાંથી ગાયબ થઈ ગઈ હતી. સવારે શોધખોળ દરમિયાન ડાયલ-100 ના જવાનને બાળકી રેતી મંડી રોડ પર ઝાડીઓમાંથી લોહીલુહાણ અને ગંભીર હાલતમાં મળી આવી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે નરાધમે બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

ડીએનએ રિપોર્ટ મહત્વનો પુરાવો બન્યો

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે એક ટ્રકની ઓળખ કરી હતી અને તેના ડ્રાઈવર દિનેશ ડાબર સુધી પહોંચી હતી. પોલીસે બાળકીના શરીરમાંથી મળેલા પુરાવા અને આરોપીના ડીએનએ ટેસ્ટ કરાવતા તે મેચ થયા હતા. કોર્ટમાં 31 સાક્ષીઓની જુબાની અને મેડિકલ તેમજ વૈજ્ઞાનિક પુરાવાઓને આધારે દિનેશને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો.

'મહિલાઓ ઘરમાં પણ સુરક્ષિત નથી' - કોર્ટની ટિપ્પણી

ચુકાદો આપતી વખતે કોર્ટે લાલબત્તી સમાન ટિપ્પણી કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે આરોપીનું કૃત્ય તેની વિકૃત ગુનાહિત માનસિકતા દર્શાવે છે. વર્તમાન સમયમાં મહિલાઓ ઘરની બહાર તો શું, ઘરની અંદર પણ સુરક્ષિત નથી. આવા ગંભીર ગુનામાં ઓછી સજા આપવી ન્યાયી નથી. આ સાથે જ કોર્ટે પીડિતાને થયેલા નુકસાન બદલ 3 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now