Home Gujarat Court Gives Strict Verdict In Case Of Indecent Behavior With A Girl In Vadodara

વડોદરામાં બાળકી સાથે અશ્લીલ વર્તનના કેસમાં કોર્ટનો કડક ચુકાદો : 74 વર્ષના વૃદ્ધને પાંચ વર્ષની સખત કેદ, 5 હજારનો દંડ

વડોદરામાં બાળકી સાથે અશ્લીલ વર્તનના કેસમાં કોર્ટનો કડક ચુકાદો
Published by: OBS Bureau
Last Updated: Jan 22, 2026, 04:28 AM IST

વડોદરા શહેરના સમતા વિસ્તારમાં દોઢ વર્ષ પહેલા બનેલા નાબાલિક બાળકી સાથેના અશ્લીલ વર્તનના ગંભીર બનાવમાં ફાસ્ટ ટ્રેક સ્પેશ્યલ પોક્સો કોર્ટ દ્વારા આરોપીને કડક સજા ફટકારવામાં આવી છે. પોતાના જ એપાર્ટમેન્ટમાં રહેતી બહેનપણીના ઘરે રમવા ગયેલી 12 વર્ષની માસુમ બાળકી સાથે અયોગ્ય વર્તન કરનાર 74 વર્ષના વૃદ્ધને અદાલતે પોક્સો કાયદા હેઠળ પાંચ વર્ષની સખત કેદ તથા પાંચ હજાર રૂપિયાના દંડની સજા સંભળાવી છે.

અશ્લીલ વર્તનના કેસમાં કોર્ટનો કડક ચુકાદો

પ્રાપ્ત વિગતો મુજબ, સમતા વિસ્તારમાં રહેતા એક ઉચ્ચ શિક્ષિત પરિવારની 12 વર્ષની દીકરી તેના એપાર્ટમેન્ટમાં રહેતી બહેનપણીના ઘરે રમવા માટે ગઈ હતી. બાળકી જ્યારે ફ્લેટનો ડોરબેલ વગાડી રહી હતી ત્યારે બહેનપણીના દાદા દરવાજો ખોલ્યો હતો. બાળકી કંઈ સમજે તે પહેલાં જ આરોપીએ તેનો હાથ પકડીને હોલમાં ખેંચી લઈ જઈ તેના હોઠ પર ચુંબન કર્યું હતું. અચાનક બનેલી આ ઘટનાથી બાળકી ભયભીત થઈ ગઈ હતી અને રડતી હાલતમાં તે બહેનપણીની માતાના રૂમમાં દોડી ગઈ હતી.

આરોપી બિપીનભાઈની ધરપકડ કરી હતી

બાળકીની હાલત જોઈ પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. ત્યારબાદ તરત જ બાળકીની માતાને બોલાવી સમગ્ર ઘટનાની માહિતી આપવામાં આવી હતી. આ ગંભીર બાબતને પગલે મામલો લક્ષ્મીપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો, જ્યાં પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તે સમયના પીઆઈ એમ.ડી. ચૌધરીએ ગુનો નોંધાવી આરોપી બિપીનભાઈની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે મહત્વપૂર્ણ પુરાવાઓ એકત્ર કરી આરોપી સામે ચાર્જશીટ દાખલ કરી હતી.

પાંચ વર્ષની સખત કેદ સાથે પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો

આ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક સ્પેશ્યલ પોક્સો જજ તથા એડિશનલ સેશન્સ જજ એસ.એન. સોલંકીની કોર્ટમાં હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન સરકારી વકીલ પી.સી. પટેલે મજબૂત અને તર્કસભર દલીલો રજૂ કરી હતી. પુરાવા અને સાક્ષીઓના આધારે અદાલતે આરોપીના ગુનાહિત કૃત્યને સાબિત માન્યું હતું. અદાલતે દુષ્કર્મના પ્રયાસ બદલ બે વર્ષની અને પોક્સો અધિનિયમ હેઠળ પાંચ વર્ષની સખત કેદ સાથે પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકારવાનો હુકમ કર્યો હતો. આ ચુકાદો નાબાલિક બાળકો સામે થતા ગુનાઓ પ્રત્યે કાયદાની શૂન્ય સહનશીલતા દર્શાવે છે અને સમાજ માટે સ્પષ્ટ સંદેશ આપે છે કે આવા ગંભીર ગુનાઓમાં આરોપીઓને કોઈ પણ રીતે રાહત આપવામાં આવશે નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now