logo-img
Corporators Son Fatally Attacked In Talala

તાલાલામાં કોર્પોરેટરના પુત્ર પર જીવલેણ હુમલો : છરીના ઘા ઝીંક્યા, ત્રણ આરોપીને દબોચ્યા

તાલાલામાં કોર્પોરેટરના પુત્ર પર જીવલેણ હુમલો
Published by: Offbeat Team
| Last Updated: Feb 12, 2026, 02:55 PM IST

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા શહેરમાં જીવલેણ હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. તાલાલાની એક મહિલા કોર્પોરેટરના પુત્ર વિજય સોંદરવા પર ત્રણ શખ્સોએ છરીથી હુમલો કર્યો હતો. આ ઘટના આંબેડકર નગર વિસ્તારમાં બની હતી, જ્યાં બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા આરોપીઓએ જીવલેણ પ્રહાર કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હુમલા દરમિયાન જાતિપ્રત્યે અપમાન અને ગાળાગાળી કરાઈ હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.

વિજય સોંદરવાને હાથ અને પેટના ભાગે ગંભીર ઇજાઓ

હુમલામાં વિજય સોંદરવાને હાથ અને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતા જ તાલાલા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પરિસ્થિતિની ગંભીરતા જોતા વેરાવળથી DYSP પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

પોલીસે ત્રણેય આરોપીઓને દબોચી લીધા

પોલીસે એસ્ટ્રોસિટી એક્ટ, જીવલેણ હુમલો અને જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધ્યો છે. હુમલા બાદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. જોકે ગીર સોમનાથ LCBએ ઝડપી કાર્યવાહી કરીને જૂનાગઢમાંથી ત્રણેય આરોપીઓને દબોચી લીધા છે. પ્રાથમિક માહિતી મુજબ હુમલાખોરોએ નશાની હાલતમાં આ કૃત્ય કર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે શહેરમાં ચકચાર મચી છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now