Home Gujarat Controversy Will Flare Up After Discussion On Walking Charges Around The Lake In Vadodara

વડોદરામાં તળાવ ફરતે વોકિંગ ચાર્જની ચર્ચા બાદ વકરશે વિવાદ! : ચાર્જ વસૂલવાની વિચારણામાં VMC, વિપક્ષનો કડક વિરોધ, રાજકીય ગરમાવો વધ્યો

વડોદરામાં તળાવ ફરતે વોકિંગ ચાર્જની ચર્ચા બાદ વકરશે વિવાદ!
Published by: OBS Bureau
Last Updated: Jan 29, 2026, 03:18 PM IST

વડોદરા મહાનગર પાલિકા (વીએમસી) આવતી કાલે તેનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવા જઈ રહી છે. આ બજેટમાં આવક વધારવા માટે નવા સ્ત્રોતો શોધવાની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ સામેલ કરવામાં આવ્યો છે. શહેરના તળાવો આસપાસ વોકિંગ કરવા આવતા નાગરિકો પાસેથી ચાર્જ વસૂલવાની જોગવાઈ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

તળાવ ફરતે ચાલવા માટે ચાર્જ વસૂલવાની વિચારણા!

મળતી માહિતી મુજબ, તળાવ ફરતે ચાલવા માટે પ્રતિ વ્યક્તિ રૂ. 5 થી 10 સુધીનો ચાર્જ વસૂલવાનો વિચાર ચાલી રહ્યો છે. રોજિંદા વોકિંગ માટે આવતા નાગરિકોને રાહત આપવા માટે પાસ સિસ્ટમ પણ અમલમાં મૂકવાની યોજના છે, જેથી નિયમિત મુલાકાતીઓ માટે પ્રક્રિયા સરળ બની રહે. પાલિકાના મતે આ પગલું શહેરની આવકમાં વધારો કરશે અને તળાવો તથા આસપાસની સુવિધાઓના જાળવણી ખર્ચમાં મદદરૂપ થશે. વીએમસીનું ગયા વર્ષનું બજેટ આશરે રૂ. 6200 કરોડનું હતું, જેમાં વધારો કરીને આ વખતે અંદાજે રૂ. 7100 કરોડનું બજેટ રજૂ થવાનું છે. વધતા ખર્ચ અને વિકાસ કાર્યોને ધ્યાનમાં રાખીને નવા આવક સ્ત્રોતો ઉભા કરવાની જરૂરિયાતને પગલે આ પ્રકારના પ્રસ્તાવો સામે આવી રહ્યા છે.

ચાર્જ લેવાની વિચારણાએ રાજકીય ગરમાવો વધાર્યો

જોકે, તળાવ ફરતે વોકિંગ માટે ચાર્જ લેવાની વિચારણાએ રાજકીય ગરમાવો પણ પેદા કર્યો છે. પાલિકાના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે આ મુદ્દે કડક પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “નાગરિકોને ડરાવવા માટે પાલિકા આવા તરકટો કરે છે. અંતે શાસકો બજેટમાં આ ચાર્જનો છેદ ઉડાવી વાહવાહી લેશે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “એકપણ બજેટ યોગ્ય રીતે અમલમાં આવતું નથી અને પ્રોપર કામ થતું નથી.” આ પ્રસ્તાવ અમલમાં આવે તો શહેરના આરોગ્યપ્રેમી નાગરિકો પર સીધી અસર પડી શકે છે. હવે સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા બાદ આ નિર્ણય પર અંતિમ મોહર લાગશે કે નહીં તે જોવાનું રહ્યું. નાગરિકોમાં પણ આ મુદ્દે મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. કેટલાક લોકો સુવિધાઓ સુધરશે તો ચાર્જ યોગ્ય ગણાવે છે, જ્યારે અન્ય લોકો જાહેર સ્થળો માટે ફી વસૂલવાની વિચારણાનો વિરોધ કરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now