Home Gujarat Controversy In The Marital Life Of Tdo Jagdish Soni Of Dediyapada

ડેડીયાપાડાના TDO જગદીશ સોનીના લગ્નજીવનમાં વિવાદ : પત્નીએ મારઝૂડ અને 50 લાખ દહેજ માંગ્યાનો આક્ષેપ લગાવ્યો, જગદીશ સોની કહ્યું 'આરોપ પાયા વિહાણા છે'

ડેડીયાપાડાના TDO જગદીશ સોનીના લગ્નજીવનમાં વિવાદ
Published by: OBS Bureau
Last Updated: Jan 22, 2026, 11:21 AM IST

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી (TDO) જગદીશ સોની પોતાના લગ્નજીવનને લઈને ગંભીર વિવાદમાં ફસાયા છે. તેમના અને પત્ની પ્રિયંકા વચ્ચે મતભેદો એટલા વધી ગયા છે કે બંને પક્ષે એકબીજા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પત્નીએ પતિ દ્વારા મારઝૂડ કરવામાં આવી હોવાનો અને પિયર પાસેથી 50 લાખ રૂપિયાના દહેજની માંગણી કરવામાં આવી હોવાનો આરોપ લગાવી રાજસ્થાનમાં ફરિયાદ નોંધાવી છે.

'રોકડ રૂપિયા અને સોનાના ઘરેણાં લાવવા દબાણ કર્યું'

પ્રિયંકાનો આરોપ છે કે, લગ્ન બાદ જગદીશ સોનીએ તેને વારંવાર માર માર્યો હતો તેમજ પિયર પાસેથી રોકડ રૂપિયા અને સોનાના ઘરેણાં લાવવા દબાણ કર્યું હતું. તેમણે જણાવ્યું છે કે, 20 ઓક્ટોબર 2025થી તેમને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. ઉપરાંત, પતિનો અન્ય મહિલા સાથે અફેર હોવાનો આરોપ લગાવી, પોતાના વિરોધમાં સાજિશ રચાઈ હોવાનો દાવો કર્યો છે. પ્રિયંકાએ એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે તેમની ઈચ્છા વિરુદ્ધ જબરદસ્તી સંબંધ બાંધવામાં આવ્યા અને તેનો વીડિયો બનાવવામાં આવ્યો.

'લગ્નમાં કોઈ દહેજ લેવામાં આવ્યું નથી'

પ્રિયંકાએ પોલીસ કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું છે કે, રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હાલ તેમણે રાજસ્થાનમાં પતિ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ, TDO જગદીશ સોનીએ પત્નીના તમામ આક્ષેપોને ખોટા અને આધારવિહિન ગણાવ્યા છે. તેમણે જણાવ્યું છે કે તેમના લગ્ન ખાનગી મેરેજ બ્યુરોના માધ્યમથી રાજસ્થાનની પ્રિયંકા સાથે થયા હતા અને લગ્ન સંબંધિત ઓડિયો-વિડિયો પુરાવા પણ ઉપલબ્ધ છે. તેમના કહેવા મુજબ લગ્નમાં કોઈ દહેજ લેવામાં આવ્યું નથી, ન તો કોઈ ફર્નિચર કે અન્ય સામાન લેવાયો છે.

'મારો પતિ કમાય છે તો તેનો ઉપયોગ હું જ કરીશ'

જગદીશ સોનીએ પ્રતિઆક્ષેપ કરતા જણાવ્યું છે કે પ્રિયંકા રાજસ્થાનના રિવાજોનો હવાલો આપી તેમની માતા પાસે વારંવાર સોનાની માંગ કરતી હતી અને કહેતી હતી કે “મારો પતિ કમાય છે તો તેનો ઉપયોગ હું જ કરીશ.” આ બાબતે સાસુ સાથે સતત ઝઘડા થતા હતા. તેમણે એવો પણ આરોપ કર્યો છે કે ચાર મહિના પહેલા તેમની માતા જશોદાબેન પર પ્રિયંકાએ હુમલો કર્યો હતો, જે અંગે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

'માતા પર હુમલો કર્યો હતો'

જગદીશ સોનીએ વધુમાં જણાવ્યું છે કે એક ઘટનામાં તેઓ તબીબી સારવાર બાદ પોતાના રૂમમાં આરામ કરતા હતા ત્યારે નાની વાતમાં ઝઘડો થયો અને પ્રિયંકાએ અંદરથી દરવાજો બંધ કરી તેમની માતા પર હુમલો કર્યો હતો. બાદમાં પ્રિયંકાના કુટુંબીજનો આવ્યા અને તેઓ પોતાની મરજીથી પિયર ગયા હતા. હાલ પત્ની ફરી ઘરે આવવા તૈયાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ જગદીશ સોની તેને ઘરે લાવવા તૈયાર નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now