Home Gujarat Congress Mla Imran Khedawalas Health Deteriorates

કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની તબિયત લથડી : હૃદય સંબંધિત બીમારી, કોંગ્રેસના કાર્યકરોમાં ચિંતા ફેલાઈ

કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની તબિયત લથડી
Published by: OBS Bureau
Last Updated: Feb 17, 2026, 08:36 AM IST

કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની તબિયત અચાનક લથડતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગત રાત્રે તેઓ પોતાના ઘરે હતા ત્યારે અચાનક છાતીમાં ભારે દબાણ અને અસહ્ય દુખાવો અનુભવાયો હતો. પરિવારજનો દ્વારા તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

90 ટકા જેટલું ગંભીર બ્લોકેજ

હોસ્પિટલમાં કાર્ડિયોલોજિસ્ટ્સની ટીમ દ્વારા તેમની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેમના હૃદયની મુખ્ય નળીઓ પૈકીની એકમાં આશરે 90 ટકા જેટલું ગંભીર બ્લોકેજ છે. આ રિપોર્ટ સામે આવતા ડૉક્ટરોએ પરિસ્થિતિને ગંભીર ગણાવી જરૂરી સારવાર શરૂ કરી હતી.

કોંગ્રેસના કાર્યકરોમાં ચિંતા ફેલાઈ

હાલમાં તેમની તબિયત સ્થિર હોવાનું ડૉક્ટરો દ્વારા જણાવાયું છે. આગામી દિવસોમાં બ્લોકેજ દૂર કરવા માટે સ્ટેન્ટ મૂકવો કે અન્ય કોઈ સારવાર અપનાવવી તે અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે. તબીબી ટીમ સતત તેમની સ્થિતિ પર નજર રાખી રહી છે. ઇમરાન ખેડાવાલાની તબિયત અંગેના સમાચાર મળતા જ તેમના મતવિસ્તારના લોકો તેમજ કોંગ્રેસના કાર્યકરોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. કોંગ્રેસના આગેવાનો પણ હોસ્પિટલ ખાતે પહોંચી તેમની ખબર અંતર પૂછવા માટે એકત્ર થયા હતા અને પરિવારજનોને ધીરજ આપી હતી. હાલમાં તેમની સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવાઈ રહ્યું છે અને તેઓ સારવાર હેઠળ છે. તેમના સમર્થકો અને કાર્યકરો તેમની વહેલી તકે તંદુરસ્તી માટે પ્રાર્થના કરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now