Home Gujarat Complaint Filed In Manjalpur Manhole Accident Case

માંજલપુર મેનહોલ દુર્ઘટના મામલે FIR દાખલ : મૃતકની પત્ની માધવી ઝાલાએ નોંધાવી ફરિયાદ, પોલીસે કહ્યું કે, 'કડકમાં કડક કાર્યવાહી કરાશે'

માંજલપુર મેનહોલ દુર્ઘટના મામલે FIR દાખલ
Published by: OBS Bureau
Last Updated: Dec 30, 2025, 02:08 PM IST

Manhole And Drainage Accident : વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં બનેલા વિપુલ ચાવડાના અપમૃત્યુ કેસમાં આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગત 25મી ડિસેમ્બરના રોજ માંજલપુર વિસ્તારમાં ખુલ્લા પડેલા મેનહોલમાં પડી જતા વિપુલસિંહ ઝાલા ઉર્ફે ચાવડા નામના યુવકે દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાને લઈને મૃતકની પત્ની માધવી ઝાલાએ આજે માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

મેનહોલ દુર્ઘટના મામલે ફરિયાદ દાખલ કરાઈ

ફરિયાદના આધારે માંજલપુર પોલીસ મથકની ટીમે કાર્યવાહી શરૂ કરી છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મેનહોલ અને ડ્રેનેજ સંબંધી કામગીરી માટે ઇકો ફેસિલેટેડ મેનેજમેન્ટ સર્વિસીઝ નામની કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ કંપની દ્વારા મેનહોલ ખુલ્લું રાખવામાં આવ્યું હતું અને જરૂરી સુરક્ષા વ્યવસ્થા ન રાખતા ગંભીર બેદરકારી સામે આવી છે. આ બેદરકારીના કારણે યુવકનું મોત થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

'કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે'

આ મામલે માંજલપુર પોલીસે ખુલ્લો મેનહોલ રાખી બેદરકારી દાખવનાર ઇકો ફેસિલેટેડ મેનેજમેન્ટ સર્વિસીઝ કંપનીના સંચાલકો સામે ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે સાથે અન્ય જવાબદાર વ્યક્તિઓની ભૂમિકા પણ તપાસ હેઠળ છે. આ સમગ્ર મામલે વડોદરા શહેર પોલીસ ઝોન-3 ના ડીસીપી અભિષેક ગુપ્તાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ કેસમાં જો અન્ય સરકારી કર્મચારીઓની બેદરકારી સામે આવશે તો તેમની સામે પણ તપાસ કરવામાં આવશે'. તેમણે વધુમાં કહ્યું કે, 'જે કોઈની બેદરકારીને કારણે આ દુર્ઘટના ઘટી છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે'.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now