Home Gujarat Complaint Filed Against 4 For Forcing Builders Son To Die In Gandhinagar

ગાંધીનગરમાં બિલ્ડરના પુત્રને મરવા મજબૂર કરનારા 4 સામે ફરિયાદ : 4 આરોપી પૈકી એકની પોલીસે અટકાયત કરી, સ્યુસાઇડ નોટમાં 4 લોકોના નામ

ગાંધીનગરમાં બિલ્ડરના પુત્રને મરવા મજબૂર કરનારા 4 સામે ફરિયાદ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 30, 2026, 10:58 AM IST

ગાંધીનગરના યુવા બિલ્ડરપુત્ર ઋષભ પટેલને પૈસાની લેતીદેતીના મુદ્દે માનસિક ત્રાસ આપી મરવા મજબૂર કરવાના ગંભીર મામલે પૂર્વ કોર્પોરેટરના પુત્ર સહિત ચાર લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે. ઋષભ પટેલે આત્મહત્યા કરતા પહેલાં લખેલી સુસાઇડ નોટમાં ચાર લોકોના નામ ઉલ્લેખીને પોતાની મોત માટે તેમને જવાબદાર ઠેરવ્યા છે.

'હેલી બેટા… ખુશ રહેજે મને તારા જ માણસોએ મરવા....'

સુસાઇડ નોટમાં ઋષભે પોતાની પત્નીને સંબોધીને ભાવુક શબ્દોમાં લખ્યું છે કે, “હેલી બેટા… ખુશ રહેજે. મને તારા જ માણસોએ મરવા માટે મજબૂર કર્યો છે. તેમને સજા અપાવજે.” આ નોટના આધારે પોલીસ દ્વારા ગંભીરતાથી તપાસ શરૂ કરવામાં આવી છે. ફરિયાદ મુજબ આરોપીઓ ઋષભના સસરાના પરિચિતો હોવાનું સામે આવ્યું છે અને છેલ્લા એકથી બે મહિનાથી પૈસાની લેતીદેતીના મુદ્દે ઋષભને સતત ટોર્ચર કરવામાં આવતો હતો.

4 આરોપી પૈકી એકની પોલીસે અટકાયત કરી

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, 'ચાર આરોપી પૈકી એક મનીષ ઉર્ફે સ્પલેન્ડર છે, જે પૂર્વ કોર્પોરેટર તારાબેન પટેલનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. આ ચારેય લોકો દ્વારા ઋષભ પર માનસિક દબાણ અને ત્રાસ આપવામાં આવતો હોવાનો ઉલ્લેખ પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યો છે, જેના કારણે અંતે ઋષભે આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનું પોલીસ માને છે. આ કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરતા ચાર આરોપી પૈકી એક મહિપાલસિંહ રાઠોડની અટકાયત કરી છે. મહિપાલસિંહ રાઠોડ તાંબૂલ પાન પાર્લર ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા તેની રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરિયાદમાં મહિપાલસિંહ રાઠોડ દ્વારા પણ ઋષભને મરવા મજબૂર કરવામાં આવ્યો હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

'...ટોર્ચર કરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ લખેલું નથી'

ગાંધીનગરના યુવા બિલ્ડરોના આપઘાત મામલે DySPએ કહ્યું કે, 'ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, ફરિયાદી પ્રવિણભાઇનો પુત્ર ઋષભ 25 તારીખથી ગુમ હતો. 26 તારીખે ઋષભની ગાડી અને ગાડીમાંથી સ્યુસાઇડ નોટ મળી હતી. 29 તારીખે કડીની સાયફન કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. સ્યુસાઇડ નોટમાં 4 લોકોના નામ લખવામાં આવ્યા છે. સ્યુસાઇડ નોટમાં ટોર્ચર કરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ લખેલું નથી'.

'એક આરોપીની અટકાયત કરી છે'

DySPએ વધુમાં કહ્યું કે, 'મહિપાલસિંહ રાઠોડ નામના એક આરોપીની અટકાયત કરી છે, 3 આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી ચાલુ છે તેમજ પરિવારના તમામ આરોપો અંગે તપાસ કરવામાં આવશે અને આરોપીઓને જામીન ન મળે તે પ્રકારની કાર્યવાહી કરાશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now