Home International Colombia Military Plane Crash Hercules C130 Amazon

કોલંબિયામાં ઉડાન ભરતા જ એરફોર્સનું વિમાન ક્રેશ : 110 સૈનિકોના જીવ જોખમમાં, એમેઝોનના જંગલોમાં સર્જાયો મોટો અકસ્માત

કોલંબિયામાં ઉડાન ભરતા જ એરફોર્સનું વિમાન ક્રેશ
Published by: OBS Bureau
Last Updated: Mar 23, 2026, 05:03 PM IST

દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયામાં સોમવારે એક ભયાનક વિમાની દુર્ઘટના સર્જાઈ છે. વાયુસેનાનું એક વિશાળ વિમાન ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થઈ ગયું હતું. મળતી માહિતી મુજબ, આ વિમાનમાં કુલ 110 સૈનિકો સવાર હતા. સ્થાનિક ન્યૂઝ એજન્સી બ્લુ રેડિયોના અહેવાલ અનુસાર, તમામ મુસાફરો સશસ્ત્ર દળોના જવાનો હતા. કોલંબિયાના સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે દેશના દક્ષિણ ભાગમાં લોકહીડ માર્ટિન (LMT.N) નું હરક્યુલસ C-130 (Hercules C-130) વિમાન અકસ્માતનો શિકાર બન્યું છે.

રૉયટર્સના રિપોર્ટ મુજબ, સંરક્ષણ મંત્રી પેડ્રો સાંચેઝે જણાવ્યું હતું કે આ દુર્ઘટના તે સમયે થઈ જ્યારે વિમાન પેરુની સરહદને અડીને આવેલા કોલંબિયાના દક્ષિણ એમેઝોન વિસ્તારમાં સ્થિત પ્યુર્ટો લેગુઇઝામોથી ઉડાન ભરી રહ્યું હતું. આ વિમાનમાં મોટી સંખ્યામાં સૈનિકોને લઈ જવામાં આવી રહ્યા હતા. અકસ્માતની જાણ થતા જ બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે રવાના કરી દેવામાં આવી છે.

શહેરી વિસ્તારથી માત્ર 3 કિલોમીટર દૂર સર્જાઈ દુર્ઘટના

બ્લુ રેડિયોએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે વિમાનમાં 110 સૈનિકો સવાર હતા અને આ અકસ્માત રહેણાંક વિસ્તાર અથવા શહેરી કેન્દ્રથી માત્ર 3 કિલોમીટર (આશરે 2 માઈલ) ના અંતરે થયો હતો. વિમાન ક્રેશ થવા પાછળના ચોક્કસ કારણો હજુ સુધી જાણી શકાયા નથી, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ ટેક-ઓફ વખતે કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હોવાની શંકા છે.

સંરક્ષણ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, "હાલમાં અમારું પ્રાથમિક લક્ષ્ય રાહત અને બચાવ કામગીરી છે. પીડિતોની ચોક્કસ સંખ્યા અને જાનહાનિ વિશે અત્યારે કંઈપણ કહેવું વહેલું ગણાશે." એમેઝોનનો આ વિસ્તાર ગાઢ જંગલોથી ઘેરાયેલો હોવાથી બચાવ કામગીરીમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વાયુસેના દ્વારા આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now