Gautam Gambhir on 2027 ODI World Cup: સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ટીમ ઈન્ડિયાએ રવિવારે (8 માર્ચ) ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને T20 વર્લ્ડ કપ 2026નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. આ જીત સાથે જ ભારતીય ટીમ ત્રણ વખત T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતનારી વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે. બીજી તરફ, ટીમ વર્લ્ડ ચેમ્પિયન બન્યાના થોડા સમય બાદ જ કોચ ગૌતમ ગંભીરે આગામી વનડે વર્લ્ડ કપને લઈને મોટી જાહેરાત કરી છે.
ગંભીરે જણાવ્યું છે કેIPL 2026ના અંત સુધીમાં 2027 વર્લ્ડ કપ માટે બ્લૂપ્રિન્ટ તૈયાર થઈ જશે. ગંભીરે કહ્યું છે કે ટીમ મેનેજમેન્ટ અત્યારે થોડા દિવસ આરામ કરશે અને પછી આગામી ICC ખિતાબ જીતવાની તૈયારીમાં લાગી જશે.
IPL 2026 પછી શરૂ થશે 2027 વનડે વર્લ્ડ કપની તૈયારી
2027નો વનડે વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા, નામીબિયા અને ઝિમ્બાબ્વેમાં રમાશે. ત્યાં ઘણી ઝડપી અને ઉછાળવાળી પિચો જોવા મળશે. ગંભીરે જણાવ્યું કે IPL 2026 પછી તરત જ આ ટૂર્નામેન્ટની તૈયારી શરૂ થઈ જશે અને મે મહિનાના અંત સુધીમાં ખેલાડીઓની પસંદગી કરી લેવામાં આવશે અને સંપૂર્ણ પ્લાનિંગ તૈયાર કરી લેવાશે.
ગંભીરે સોમવારે સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા કહ્યું,"2027 વર્લ્ડ કપનું પ્લાનિંગ IPL પછી શરૂ થશે. IPL 2026 અને વર્લ્ડ કપ વચ્ચે 25 થી 30 ODI મેચો છે. આજકાલ આ ફોર્મેટ વધુ રમાતું નથી. અમે જેટલી જલ્દી પ્લાનિંગ શરૂ કરીશું, તેટલું અમારા માટે વધુ સારું રહેશે."
તેમણે વધુમાં ઉમેર્યું, "દક્ષિણ આફ્રિકા ક્રિકેટ રમવા માટે કોઈ સરળ જગ્યા નથી. આપણે યોગ્ય કોમ્બિનેશન શોધવા પડશે અને એવા ખેલાડીઓની ઓળખ કરવી પડશે જે ત્યાંની પરિસ્થિતિઓ મુજબ યોગ્ય હોય. આ કામ સિલેક્ટર્સ અને કોચ કરશે. જ્યારે IPL 2026 પૂરી થશે, ત્યાં સુધીમાં ભારત પાસે ODI વર્લ્ડ કપ 2027 માટેની બ્લૂપ્રિન્ટ તૈયાર હશે."
ટીમના વાતાવરણ પર પણ આપ્યું મોટું નિવેદન
ગંભીરે ટીમની અંદરના માહોલ પર મોટું નિવેદન આપતા કહ્યું કે, “મારી ફિલોસોફી બહુ સરળ છે, જો ટીમના મોટાભાગના ખેલાડીઓ મારાથી ખુશ નથી, તો મારે એ ડ્રેસિંગ રૂમમાં રહેવાનો કોઈ અર્થ નથી. જો મોટાભાગના ખેલાડીઓ ખુશ છે, તો હું સાચું કામ કરી રહ્યો છું. જો તમે પ્રામાણિકતાથી રિપોર્ટિંગ કરશો, તો તમને ખબર પડી જશે કે ટીમનું વાતાવરણ કેવું છે. ભારતીય ટીમનું વાતાવરણ કોઈનાથી છુપાયેલું રહી શકતું નથી, કારણ કે અહીં ઘણી તપાસ, હેડલાઇન્સ અને મીડિયાની નજર રહેતી હોય છે.”

















