Home Automobile Cng Kit Installation Guide Safety Tips Warranty Risks

મોતનો સોદો ના બની જાય બચત : બહારથી CNG Kit લગાવતા પહેલા આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહીં તો પસ્તાવાનો વારો આવશે

મોતનો સોદો ના બની જાય બચત
Published by: OBS Bureau
Last Updated: Feb 03, 2026, 05:30 PM IST

ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા તોતિંગ વધારાને કારણે સામાન્ય માનવીનું બજેટ ખોરવાયું છે. પેટ્રોલ કાર ચલાવવી હવે મધ્યમ વર્ગ માટે મોંઘી સાબિત થઈ રહી છે જેના વિકલ્પ તરીકે અનેક લોકો પોતાની જૂની કારમાં બહારથી સીએનજી કિટ નંખાવવાનું પસંદ કરે છે. જોકે પૈસા બચાવવાની લ્હાયમાં લોકો ઘણીવાર સુરક્ષા સાથે બાંધછોડ કરી બેસે છે. બજારમાંથી સીએનજી કિટ લેતી વખતે કઈ સાવચેતી રાખવી જોઈએ અને તેનાથી કાર પર શું અસર પડે છે તે જાણવું અત્યંત અનિવાર્ય છે.

શું ખરેખર કિટની જરૂર છે?

તમારી જૂની કારમાં સીએનજી સિસ્ટમ ફિટ કરાવતા પહેલા તમારે ગણિત સમજવું જરૂરી છે. જો તમારું કાર રનિંગ રોજના 50 થી 60 કિલોમીટર કરતા ઓછું હોય તો હજારો રૂપિયા ખર્ચીને કિટ નંખાવવાનો કોઈ અર્થ નથી. ઘણીવાર લોકો ટૂંકા ગાળાની બચત માટે મોટું રોકાણ કરી દે છે પરંતુ તેનાથી થતો ફાયદો ઘણો લાંબો સમય માંગે છે. તેથી તમારા દૈનિક વપરાશના આધારે જ આ નિર્ણય લેવો હિતાવહ છે.

કંપનીની વોરંટી થઈ જશે રદ

ઓટોમોબાઈલ ઉત્પાદકો નવી કાર પર ચોક્કસ વર્ષ કે કિલોમીટરની વોરંટી આપે છે. જો તમે બહારથી આફ્ટર માર્કેટ સીએનજી કિટ નંખાવો છો તો કંપની દ્વારા આપવામાં આવતી આ વોરંટી તાત્કાલિક અસરથી ખતમ થઈ જાય છે. ત્યારબાદ જો એન્જિન કે ઈલેક્ટ્રિકલ સિસ્ટમમાં કોઈ ખામી સર્જાય તો તેનો આર્થિક બોજ તમારે પોતે સહન કરવો પડશે જે ઘણો મોંઘો પડી શકે છે.

ઓથોરાઈઝ્ડ ડીલરની જ પસંદગી કરો

કારમાં ગેસ કિટ ફિટ કરાવતી વખતે હંમેશા માન્યતા પ્રાપ્ત એટલે કે ઓથોરાઈઝ્ડ ડીલર પાસે જ જવું જોઈએ. સસ્તાના ચક્કરમાં અનઓથોરાઈઝ્ડ મિકેનિક પાસે કામ કરાવવાથી કિટની ક્વોલિટી અને ફિટિંગમાં ખામી રહી શકે છે. આ બેદરકારી ભવિષ્યમાં આગ લાગવા જેવી ગંભીર હોનારતનું કારણ બની શકે છે અને તમારી સુરક્ષા જોખમમાં મૂકી શકે છે.

યોગ્ય અને સર્વિસ ફ્રેન્ડલી કિટ પસંદ કરો

માર્કેટમાં અનેક કંપનીઓની કિટ ઉપલબ્ધ છે પરંતુ તમારે એવી બ્રાન્ડ પસંદ કરવી જોઈએ જેના સ્પેર પાર્ટ્સ અને સર્વિસ સેન્ટર સરળતાથી મળી રહે. જો તમે કોઈ અજાણી કે બહુ મોંઘી કિટ નંખાવો છો તો ભવિષ્યમાં તેના મેન્ટેનન્સમાં મુશ્કેલી પડી શકે છે. નિષ્ણાતોના મતે નવી જનરેશનની કારમાં Sequential Kit લગાવવી વધુ ફાયદાકારક છે કારણ કે તે એન્જિનના પર્ફોર્મન્સને જાળવી રાખે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now