Home Gujarat Cm Bhupendra Patel Gets Angry Over Water Tank Collapse In Gandhinagar Cabinet Meeting

કેબિનેટ બેઠકમાં CM પાણીની ટાંકી મામલે 'આકરા પાણીએ' : ટાંકી ધરાશાયી મામલાને લઈ અધિકારીઓને ખખડાવ્યા, કહ્યું 'બિલકુલ નહીં ચલાવું'

કેબિનેટ બેઠકમાં CM પાણીની ટાંકી મામલે 'આકરા પાણીએ'
Published by: OBS Bureau
Last Updated: Jan 21, 2026, 09:34 AM IST

ગાંધીનગરમાં મળેલી રાજ્ય કેબિનેટની બેઠક દરમિયાન સુરત જિલ્લાના અરેઠના તડકેશ્વર ગામમાં નવી બનાવેલી પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગંભીર રોષ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ આ ઘટનાને ગંભીર બેદરકારીનું પરિણામ ગણાવી તંત્રને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી.

'બેદરકારી કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં'

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે માર્ગ અને મકાન ખાતાના અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આ પ્રકારની બેદરકારી કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે કહ્યું હતું કે “નબળી કામગીરીને પણ સહન કરવામાં આવશે નહીં. જવાબદાર લોકો સામે કડક પગલાં લેવામાં આવશે.”

'અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા'

કેબિનેટ બેઠક દરમિયાન મુખ્ય સચિવ એમ.કે. દાસે જણાવ્યું હતું કે પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના બાદ તરત જ જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે આ મામલે સંડોવાયેલા અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવશે, જેથી જવાબદારી નિશ્ચિત કરી શકાય. મુખ્યમંત્રીએ આ ચર્ચા દરમિયાન તમામ વિભાગોને દરેક વિકાસકાર્યમાં ખાસ કાળજી રાખવાની શિખામણ આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જાહેર નાણાંથી થતા કામોમાં ગુણવત્તા, દેખરેખ અને જવાબદારી અત્યંત જરૂરી છે અને તેમાં કોઈપણ પ્રકારની ઢીલાશ સહન નહીં થાય.

ઉચાપત અને છેતરપિંડી અંગે ગુનો નોંધવામાં આવ્યો

આ મામલે કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરો સામે સરકારી નાણાંની ઉચાપત અને છેતરપિંડી અંગે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનો મેઝ. જયંતી સુપર કન્સ્ટ્રક્શન પ્રા. લિ., મહેસાણા તથા તેમના જવાબદાર વ્યક્તિઓ, બાબુભાઈ અંબાલાલ પટેલ, મહેસાણા અને તેમના જવાબદાર માણસો, પી.એમ.સી. એજન્સી માર્સ એન્ડ પ્લાનિંગ પ્રો. પ્રા. લિ., અમદાવાદના ટીમ લીડર અને સાઈટ એન્જિનિયર તેમજ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના નાયબ કાર્યપાલક ઈજનેર જય એસ. ચૌધરી અને કાર્યપાલક ઈજનેર અંકિત પી. ગરાસિયા સામે નોંધાયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now