Home Automobile China Bans Hidden Car Door Handles Safety Concerns Impact On Ev Design

ચીનનો મોટો નિર્ણય- કારમાં હવે હાઈ-ટેક ડોર હેન્ડલ પર લાગશે પ્રતિબંધ : મુસાફરોની સુરક્ષા માટે લેવાયો નિર્ણય

ચીનનો મોટો નિર્ણય- કારમાં હવે હાઈ-ટેક ડોર હેન્ડલ પર લાગશે પ્રતિબંધ
Published by: OBS Bureau
Last Updated: Feb 03, 2026, 03:00 PM IST

ગ્લોબલ ઓટોમોબાઈલ માર્કેટમાં અત્યારે લક્ઝરી અને પ્રીમિયમ લુક માટે ફ્લશ ડોર હેન્ડલ એટલે કે બોડીની અંદર દબાઈ જતા હેન્ડલનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જોકે, આ આધુનિક ફીચર હવે જીવલેણ સાબિત થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. ચીન સરકારે લોકોના જીવની સુરક્ષાને સર્વોપરી ગણીને કારમાં હિડન ડોર હેન્ડલના ઉપયોગ પર પૂર્ણતઃ પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. આ નવો સુરક્ષા નિયમ 01 જાન્યુઆરી 2027થી સમગ્ર દેશમાં અમલી બનાવવામાં આવશે.

Xiaomiની ઇલેક્ટ્રિક કારમાં બનેલી દુર્ઘટના બાદ લેવાયું પગલું

ચીન દ્વારા આ કડક નિર્ણય લેવા પાછળ એક ગંભીર અકસ્માત જવાબદાર છે. થોડા સમય પહેલા ચીનના એક પ્રાંતમાં Xiaomiની ઈલેક્ટ્રિક કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર વ્યક્તિ બહાર ન નીકળી શકવાને કારણે મૃત્યુ પામી હતી. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી હતી કે, અકસ્માત સમયે કારના ઇલેક્ટ્રિકલ સિસ્ટમ ફેઈલ થવાને કારણે તેના હિડન ડોર હેન્ડલ ખુલ્યા જ નહોતા. દરવાજા લૉક રહી જવાથી વ્યક્તિ અંદર ફસાઈ ગઈ હતી અને સમયસર બહાર ન નીકળી શકવાને કારણે જીવ ગુમાવ્યો હતો.

ડિઝાઇનમાં બદલાવ લાવવો પડશે, મિકેનિકલ સિસ્ટમ ફરજિયાત

આ ઘટના બાદ સુરક્ષા નિષ્ણાતોએ સવાલ ઉઠાવ્યા હતા કે શું માત્ર દેખાવ માટે મુસાફરોનો જીવ જોખમમાં મૂકવો યોગ્ય છે? ચીનની મિનિસ્ટ્રી ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીએ સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે હવે કારના બૂટ સિવાયના તમામ દરવાજામાં બહાર દેખાય તેવા હેન્ડલ રાખવા પડશે. નવા નિયમ મુજબ, ભવિષ્યમાં કારના એક્સટીરિયર અને ઇન્ટિરિયરમાં મિકેનિકલ રિલીઝ સિસ્ટમ હોવી અનિવાર્ય છે, જેથી પાવર કટ કે અકસ્માત જેવી કટોકટીમાં દરવાજો મેન્યુઅલી ખોલી શકાય.

Teslaએ શરૂ કરેલી ફેશન હવે જોખમી બની

ઉલ્લેખનીય છે કે, કારમાં ફ્લશ કે રિટ્રેક્ટેબલ ડોર હેન્ડલ આપવાની શરૂઆત સૌથી પહેલા Elon Muskની કંપની Tesla દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ આ ડિઝાઇન અન્ય વૈશ્વિક કંપનીઓએ અપનાવી હતી. હાલમાં ભારતમાં પણ TATA અને MAHINDRA જેવી દિગ્ગજ કંપનીઓ પોતાની નવી એસયુવી અને ઈલેક્ટ્રિક કારમાં આ પ્રકારના હેન્ડલ આપી રહી છે. જોકે, ચીનના આ નિર્ણય બાદ હવે અન્ય દેશોમાં પણ આ સુરક્ષા પાસા પર ચર્ચાઓ શરૂ થઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now