Home Gujarat Chief Minister Bhupendra Patels Reaction After Finance Minister Kanu Desai Presented The Budget

'બજેટના કુલ ખર્ચના 65 ટકા વિકાસલક્ષી ખર્ચ માટે ફાળવ્યા છે' : નાણાં મંત્રી કનુ દેસાઈએ બજેટ રજૂ કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા

'બજેટના કુલ ખર્ચના 65 ટકા વિકાસલક્ષી ખર્ચ માટે ફાળવ્યા છે'
Published by: OBS Bureau
Last Updated: Feb 18, 2026, 10:46 AM IST

ગુજરાતના વર્ષ 2026-27ના બજેટ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ રિફોર્મ એક્સપ્રેસ પર સવાર થઈ કર્તવ્ય આધારિત બજેટની દિશામાં આગળ વધી રહ્યો છે અને ગુજરાત પણ વડાપ્રધાનના સંકલ્પોને સાકાર કરવા અવિરત વિકાસની દિશામાં અગ્રેસર છે.

'કુલ ખર્ચના 65 ટકા વિકાસલક્ષી કાર્યો માટે ફાળવવામાં આવ્યા'

મુખ્યમંત્રીએ કહ્યું કે નાણાંમંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરાયેલું ₹4,08,000 કરોડથી વધુનું આ બજેટ કોઈ નવા કરવેરા વગર જનકલ્યાણને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. ગયા વર્ષની તુલનામાં બજેટના કદમાં 10.2 ટકાનો વધારો થયો છે અને કુલ ખર્ચના 65 ટકા વિકાસલક્ષી કાર્યો માટે ફાળવવામાં આવ્યા છે. સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, માળખાકીય સુવિધાઓ, આર્થિક વિકાસ અને ગ્રીન ગ્રોથ જેવા પાંચ સ્તંભો પર આ બજેટ આધારિત હોવાનું તેમણે જણાવ્યું.

કલા અને સંસ્કૃતિ માટે 20 ટકા એટલે કે ₹64 હજાર કરોડથી વધુની ફાળવણી કરાઈ

તેમણે કહ્યું કે, 'શિક્ષણ, રમત-ગમત, કલા અને સંસ્કૃતિ માટે 20 ટકા એટલે કે ₹64 હજાર કરોડથી વધુની ફાળવણી કરાઈ છે. યુવાશક્તિના વિકાસ માટે ‘નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન’ હેઠળ ₹226 કરોડ ફાળવાયા છે. આરોગ્ય અને સામાજિક સેવાઓ માટે 19 ટકા, કૃષિ-સિંચાઈ-પાણી અને શહેરી વિકાસ માટે 11 ટકા ફાળવણી કરવામાં આવી છે'. વધુમાં કહ્યું કે, ગ્રીન ગ્રોથ માટે ₹15 હજાર કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે વર્ષ 2026ને “ગુજરાત પ્રવાસન વર્ષ” જાહેર કરી ₹6,500 કરોડ ફાળવાયા છે. આદિવાસી વિકાસ માટે ₹35 હજાર કરોડથી વધુની ફાળવણી સાથે 5 નવી GIDC સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે'.

ગુજરાતને 2047 સુધી વિકસિત રાજ્ય બનાવવા માટે માર્ગદર્શક સાબિત થશે

અમદાવાદમાં યોજાનારી Commonwealth Games માટે 1200 કરોડથી વધુની ફાળવણી, ગુજરાત હાઈ-સ્પીડ કોરિડોર માટે ₹800 કરોડ અને AI-ડિજિટલ ગવર્નન્સ માટે ₹850 કરોડ ફાળવાયા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ સર્વસમાવેશી બજેટ વડાપ્રધાનની પ્રેરણાથી ગુજરાતને 2047 સુધી વિકસિત રાજ્ય બનાવવા માટે માર્ગદર્શક સાબિત થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now