Chardham Yatra 2026: ઉત્તરાખંડમાં રવિવારથી શરૂ થયેલી પવિત્ર ચારધામ યાત્રાના પહેલા જ દિવસે બે શ્રદ્ધાળુઓના મોતની ઘટના સામે આવતા પ્રશાસન હરકતમાં આવ્યું છે. રવિવારે બપોરે હર્ષોલ્લાસ સાથે ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખુલતાની સાથે જ હજારો શ્રદ્ધાળુઓએ દર્શન માટે દોટ મૂકી હતી. જોકે, આ ઉત્સાહ વચ્ચે ઉત્તરકાશી જિલ્લાના યમુનોત્રી માર્ગ પર બે કરુણ મોત નિપજ્યા છે. મહારાષ્ટ્રના નાસિકથી આવેલા 67 વર્ષીય વૃદ્ધ ઉદમ તાંબે પત્ની અને સાથીઓ સાથે યમુનોત્રીના દર્શન માટે ચઢી રહ્યા હતા, ત્યારે જાનકીચટ્ટી પાસે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. પહાડી વિસ્તારોમાં ઓક્સિજનની કમી અને હાઈ બ્લડ પ્રેશરને કારણે તેમની તબિયત લથડી હતી. હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
ઘોડા પરથી પટકાતા મહિલા યાત્રીનું મોત
બીજી ઘટનામાં મધ્યપ્રદેશના ઈન્દોરથી પતિ સાથે યાત્રાએ આવેલા 40 વર્ષીય પ્રતિમા મિશ્રા અકસ્માતનો ભોગ બન્યા હતા. યમુનોત્રી પગપાળા માર્ગ પર '19 કૈંચી' નામના જોખમી વળાંક પાસે તેઓ ઘોડા પર સવાર હતા, ત્યારે અચાનક બેલેન્સ ગુમાવતા તેઓ નીચે પટકાયા હતા. માથાના ભાગે ગંભીર ઈજા થવાને કારણે તેમને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ માર્ગમાં જ તેમણે દમ તોડી દીધો હતો. આજે 20 એપ્રિલના રોજ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહ તેમના પતિ ધર્મેન્દ્ર મિશ્રાને સોંપ્યો છે.
કેદારનાથ અને બદ્રીનાથના કપાટ ખુલવાની તારીખો
ચારધામ યાત્રામાં હવે કેદારનાથ અને બદ્રીનાથના કપાટ ખુલવાની રાહ જોવામાં આવી રહી છે. બાબા કેદારના ધામના કપાટ 22 એપ્રિલ 2026 ના રોજ સવારે 8 વાગ્યે ખુલશે. આ વખતે ભક્તો ગયા વર્ષની સરખામણીએ 10 દિવસ વહેલા દર્શન કરી શકશે. જ્યારે બદ્રીનાથ ધામના કપાટ 23 એપ્રિલ 2026 ના રોજ સવારે 6 વાગ્યે ખોલવામાં આવશે. કપાટ ખુલતાની સાથે જ ચારેય ધામ ભક્તોના જયઘોષથી ગુંજી ઉઠશે.
પ્રશાસનની શ્રદ્ધાળુઓને ખાસ સલાહ
યાત્રાના પહેલા જ દિવસે થયેલા મોતના પગલે પોલીસ અને સ્વાસ્થ્ય વિભાગે શ્રદ્ધાળુઓ માટે સૂચના જાહેર કરી છે. SHO સુભાષ ચંદે જણાવ્યું છે કે, જે યાત્રીઓ શ્વાસ, દમ કે હૃદય રોગની બીમારીથી પીડાતા હોય તેમણે ઊંચાઈવાળા વિસ્તારોમાં જતી વખતે વિશેષ સાવચેતી રાખવી. પ્રશાસને સલાહ આપી છે કે ચઢાણ વખતે ઉતાવળ ન કરવી, પૂરતો આરામ લેવો અને શરીરને પહાડી વાતાવરણ મુજબ ઢળવા માટે સમય આપવો, જેથી હેલ્થ ઈમરજન્સીથી બચી શકાય.





