Unique Village in Gujarat: તમને જાણીને નવાઈ લાગશે પણ ગુજરાતમાં એક એવું ગામ છે જ્યાં વર્ષોથી એક પણ ઘરમાં ચૂલો સળગતો નથી. હવે તમને સવાલ થશે કે તો પછી આખું ગામ કઈ રીતે જમી છે. આ અનોખા ગામની અનોખી રીતભાતની કહાની પણ ખુબ રસપ્રદ છે. બદલાતા સમયની સાથે બધુ જ બદલાઈ ગયું છે. હવે સંબંધોની પરિભાષા પણ બદલાઈ ગઈ છે. પહેલાં એક જ ઘરમાં એક જ કુંટુંબમાં વધારે લોકો એક સાથે ભાણે બેસતા હતા. આજે આ પ્રથા જ ધીરે ધીરે દૂર થઈ રહી છે. હવે વહુ આવે કે તુરંત એને અલગ ફ્લેટ લેવાની અલગ રહેવાની વાત મનમાં આવતી હોય છે. આવી સ્થિતિમાં આખું ઘર એક સાથે જમવાની વાત વિચારે પણ ક્યાંથી. જોકે, આવી બધી વિપરિત પરિસ્થિતિમાં પણ ગુજરાતના એક અનોખા ગામે કરોડો લોકોને પ્રેરણા પુરી પાડવાનું કામ કર્યું છે. આ કોઈ કલ્પના નહીં, પરંતુ ગુજરાતના મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલું ચાંદણકી ગામ એક અનોખી પરંપરા જીવંત રાખી રહ્યું છે.
ગામમાં એક પણ ઘરે કેમ નથી સળગતો ચૂલો?
ચાંદણકી ગામની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં કોઈ પણ ઘરમાં રસોઈ બનતી નથી. એટલે કે, એક પણ ઘરે ચૂલો સળગતો નથી. ગામના તમામ લોકો માટે ભોજન એક કેન્દ્રિય સ્થળે તૈયાર થાય છે અને સવાર-સાંજ ગામવાસીઓ એક સાથે બેસીને સામૂહિક રીતે જમણ લે છે. આ પરંપરાની પાછળનો મૂળ વિચાર છે – એકતા, સમાનતા અને સહકાર. દરેક પરિવાર પોતાની આવક પ્રમાણે યોગદાન આપે છે. રસોઈ માટે જરૂરી સામગ્રી સામૂહિક રીતે ખરીદવામાં આવે છે. રસોઈ બનાવવા માટે ફરજિયાત સેવા કે નોકરી પર રસોઈયા રાખવામાં આવ્યા છે.
સામૂહિક ભોજન: માત્ર ભોજન નહીં, એકતા નો ઉત્સવ
ચાંદણકીમાં ભોજન માત્ર પેટ ભરવાની પ્રક્રિયા નથી, પણ એ એક સામાજિક જોડાણ છે. ગામના નાના-મોટા, ગરીબ-અમીર સૌ એક જ પંક્તિમાં બેસે છે. કોઈ ભેદભાવ નથી, કોઈ ઊંચ-નીચ નથી. રોજે રોજ એકબીજાની મુલાકાતથી સંબંધો મજબૂત બને છે. આ પ્રથા ગામમાં પ્રેમ, સૌહાર્દ અને સમાનતાની ભાવના જાળવી રાખે છે.
મહિલાઓ માટે આશીર્વાદરૂપ પરંપરા
આ વ્યવસ્થા ગામની મહિલાઓ માટે વિશેષ આશીર્વાદ સમાન બની છે. રોજિંદી રસોઈની જવાબદારીમાંથી મુક્તિ મળતા તેઓ પોતાના બાળકો અને પરિવાર સાથે વધુ સમય વિતાવી શકે છે.
સ્વરોજગાર કે અન્ય પ્રવૃત્તિઓમાં જોડાઈ શકે છે. શારીરિક અને માનસિક થાકમાં ઘટાડો થાય છે.
આધુનિક સમયમાં પ્રેરણાદાયક મોડેલ
આજના કોસ્મોપોલિટન કલ્ચરમાં જ્યાં લોકો એકલા રહેવાનું પસંદ કરે છે, ત્યાં ચાંદણકી ગામ એક અનોખું ઉદાહરણ પૂરું પાડે છે. કરોડો લોકો માટે આ ગામ પ્રેરણાસ્ત્રોત બની રહ્યું છે કે એકતા અને સહકારથી સમાજ વધુ મજબૂત બની શકે છે. સામૂહિક ભોજનની આ પ્રથા માત્ર પરંપરા જ નહીં, પરંતુ સામાજિક સંસ્કૃતિનો જીવંત દાખલો છે. ચાંદણકી ગામ બતાવે છે કે બદલાતા સમયમાં પણ સંયુક્ત જીવનશૈલી શક્ય છે—જ્યારે ઇચ્છા, વિશ્વાસ અને સહકાર હોય. કદાચ ભવિષ્યમાં વધુ ગામો અને સમાજો આ મોડેલને અપનાવે અને ફરીથી એકતાની સુગંધથી સમાજ મહેકી ઉઠે.




















