CBSE OnMark Portal Removed: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ ધોરણ-12ની ઉત્તરવહીઓના પુનઃમૂલ્યાંકનને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પરિણામ જાહેર થયા બાદ મૂલ્યાંકન પ્રક્રિયા અને ડિજિટલ સુરક્ષાને લઈને ઉઠેલા પ્રશ્નો વચ્ચે બોર્ડે Coempt Edu Teck દ્વારા સંચાલિત OnMark પ્લેટફોર્મને પ્રક્રિયામાંથી દૂર કરવાનો નિર્ણય લીધો છે. હવે ઉત્તરવહીઓના પુનઃમૂલ્યાંકન અને સંબંધિત તમામ સેવાઓ CBSEના પોતાના નિયંત્રણ હેઠળના ડિજિટલ માળખા પર હાથ ધરવામાં આવશે. તાજેતરમાં CBSEના પરિણામ પછીની સેવાઓ માટે ઉપયોગમાં લેવાતા પોર્ટલ પર અનેક સાયબર હુમલાના પ્રયાસો નોંધાયા હતા. જોકે બોર્ડે દાવો કર્યો છે કે તમામ હુમલાઓને સમયસર નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા અને કોઈ વિદ્યાર્થીનો ડેટા લીક થયો નથી. તેમ છતાં, ભવિષ્યમાં કોઈ જોખમ ન રહે તે માટે બોર્ડે વધુ સુરક્ષિત વ્યવસ્થા અપનાવવાનો નિર્ણય લીધો છે.
OnMark પ્લેટફોર્મને પ્રક્રિયામાંથી દૂર કરાયું
આ વર્ષે CBSEએ લગભગ 1 કરોડ ઉત્તરવહીઓના મૂલ્યાંકન માટે OnMark નામની ડિજિટલ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. પરિણામ જાહેર થયા બાદ અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓએ મૂલ્યાંકન સંબંધિત ભૂલો તેમજ ટેકનિકલ સમસ્યાઓ અંગે ફરિયાદો કરી હતી. આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને બોર્ડે સમગ્ર સિસ્ટમની તકનીકી સમીક્ષા શરૂ કરી હતી. સમીક્ષા દરમિયાન પુનઃમૂલ્યાંકન જેવી સંવેદનશીલ પ્રક્રિયા સીધા CBSEના નિયંત્રણ હેઠળ રાખવી વધુ યોગ્ય હોવાનું માનવામાં આવ્યું. પરિણામે હવે વિદ્યાર્થી અને પરીક્ષાનો સમગ્ર ડેટા CBSEના પોતાના સર્વર્સ પર ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.
CBSEના સર્વર પર જ ચાલશે સુધારેલું સોફ્ટવેર
સૂત્રોના જણાવ્યા અનુસાર OnMark સોફ્ટવેરને સંપૂર્ણપણે હટાવવામાં આવ્યું નથી, પરંતુ જરૂરી સુરક્ષા સુધારા અને પરીક્ષણ બાદ તેનો કોડ હવે CBSEના પોતાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ચલાવવામાં આવી રહ્યો છે. આ પગલાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની માહિતી, પરીક્ષા સંબંધિત ડેટા અને પુનઃમૂલ્યાંકન પ્રક્રિયાની ગોપનીયતા જાળવવાનો છે. બોર્ડ ઇચ્છે છે કે કોઈ પણ તૃતીય પક્ષ પર નિર્ભરતા ઘટાડીને સમગ્ર પ્રક્રિયા વધુ પારદર્શક અને સુરક્ષિત બને.
આ પણ વાંચો: CBSEના ધો.12ના વિદ્યાર્થીઓને મોટી રાહત: એપ્લિકેશન જમા કરાવવા માટે લંબાઈ તારીખ
IIT કાનપુર અને IIT મદ્રાસના નિષ્ણાતો જોડાયા
CBSEને ટેકનિકલ અને સાયબર સુરક્ષા સંબંધિત મદદ પૂરી પાડવા માટે IIT કાનપુર અને IIT મદ્રાસના નિષ્ણાતોની ચાર સભ્યોની વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી છે. આ ટીમમાં સાયબર સુરક્ષા, ડિજિટલ સિસ્ટમ્સ અને પરીક્ષા વ્યવસ્થાપન ક્ષેત્રના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના માર્ગદર્શન હેઠળ આ સંસ્થાઓને તકનીકી સહયોગ માટે જોડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
સાયબર હુમલા અંગે દિલ્હી પોલીસમાં ફરિયાદ
CBSEએ તેના પરિણામ પછીના સેવાઓના પોર્ટલ પર થયેલા સાયબર હુમલાઓને ગંભીરતાથી લઈ દિલ્હી પોલીસમાં સત્તાવાર ફરિયાદ પણ નોંધાવી છે. બોર્ડના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસોમાં પોર્ટલ પર અનેક સંકલિત સાયબર હુમલાના પ્રયાસો થયા હતા. હુમલાખોરોનો હેતુ સેવાઓમાં વિક્ષેપ ઉભો કરવાનો અને અનધિકૃત રીતે સિસ્ટમમાં પ્રવેશ મેળવવાનો હતો. જોકે, CBSEની ટેકનિકલ ટીમે સમયસર કાર્યવાહી કરીને તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા.
વિદ્યાર્થીઓ 7 જૂન સુધી કરી શકશે પુનઃમૂલ્યાંકન માટે અરજી
CBSEએ સ્પષ્ટ કર્યું છે કે પુનઃમૂલ્યાંકન પ્રક્રિયા યથાવત ચાલુ રહેશે અને વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી નહીં પડે. જે વિદ્યાર્થીઓએ 20 મેથી 25 મે દરમિયાન પોતાની ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલો મેળવવા માટે અરજી કરી હતી તેઓ 7 જૂન સુધી CBSEના પરિણામ પછીના સત્તાવાર પોર્ટલ પર પ્રશ્નવાર વાંધા નોંધાવી શકે છે. બોર્ડના આંકડા મુજબ 4 જૂન સુધીમાં કુલ 70,433 અરજીઓ પ્રાપ્ત થઈ હતી. જેમાં 7,314 અરજીઓ ગુણની ચકાસણી માટે અને 63,119 અરજીઓ પુનઃમૂલ્યાંકન માટે નોંધાઈ હતી. આ આંકડા દર્શાવે છે કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોતાના પરિણામ અંગે પુનઃચકાસણી ઈચ્છી રહ્યા છે.
આ પણ વાંચો: CBSE રિવેલ્યુએશન પોર્ટલ પર DoS અટેક નિષ્ફળ: 70,000 થી વધુ અરજીઓ વચ્ચે સિસ્ટમ રહી અડગ
સુરક્ષા અને પારદર્શિતાને પ્રાથમિકતા
CBSEના આ નિર્ણયને વિદ્યાર્થીઓના ડેટાની સુરક્ષા અને પરીક્ષા પ્રક્રિયાની વિશ્વસનીયતા જાળવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. બોર્ડ હવે સમગ્ર પુનઃમૂલ્યાંકન પ્રક્રિયા પર સીધું નિયંત્રણ રાખીને વધુ સુરક્ષિત અને પારદર્શક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માંગે છે. આગામી દિવસોમાં CBSEના નવા માળખા હેઠળ પુનઃમૂલ્યાંકનની પ્રક્રિયા શરૂ થશે, જેના પર લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓની નજર રહેશે.




