Home Gujarat Case Against Pnb Officials For Demanding 40 Thousand Bribe In The Name Of Mudra Loan Subsidy In Jamnagar

જામનગરમાં મુદ્રા લોન સબસીડીના નામે ₹40 હજાર લાંચ માંગવાનો કેસ : PNB ના અધિકારીઓ સામે ACB એ પુરાવા આધારે ખુલ્લી તપાસ પૂર્ણ કરી ગુનો નોંધ્યો

જામનગરમાં મુદ્રા લોન સબસીડીના નામે ₹40 હજાર લાંચ માંગવાનો કેસ
Published by: OBS Bureau
Last Updated: Dec 20, 2025, 01:20 PM IST

પ્રધાનમંત્રી મુદ્રા લોનની સબસીડી મંજૂર કરવાના નામે લાંચ માંગવાનો ગંભીર કેસ જામનગરમાં સામે આવ્યો છે. જામનગરની રણજીત રોડ પર આવેલી પંજાબ નેશનલ બેંકની શાખાના અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ખુલ્લી તપાસ પૂર્ણ કરી ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં બેંકના અધિકારી સહિત કુલ ત્રણ લોકો સામે રૂ. 40,000 લાંચ માંગવાના આક્ષેપો થયા છે.

મળતી માહિતી મુજબ, એક અરજદારે પ્રધાનમંત્રી મુદ્રા લોનની સબસીડી મેળવવા માટે બેંકમાં પ્રક્રિયા હાથ ધરી હતી. આ દરમિયાન બેંકના અધિકારીઓ અને એક પ્રજાજને મળીને સબસીડી મંજૂર કરાવવા બદલ રૂ. 40,000 ની લાંચ માંગવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદ આધારે ACB એ તા. 13-02-2024ના રોજ લાંચનું છટકું (ટ્રેપ) ગોઠવ્યું હતું.

ટ્રેપ કાર્યવાહી દરમિયાન બજરંગ હોટલ અને પંજાબ નેશનલ બેંક રણજીત રોડ શાખા આસપાસ નજર રાખવામાં આવી હતી. તપાસમાં લાંચની માંગ થવાની વાત સાબિત થઈ છે, પરંતુ આરોપીઓએ રકમ સ્વીકારી નહોતી. લાંચ સ્વીકાર્યા વગર જ આરોપીઓ સ્થળેથી નિકળી જતા ટ્રેપ નિષ્ફળ રહ્યો, તેમ છતાં ACB એ પુરાવા આધારે ખુલ્લી તપાસ પૂર્ણ કરી ગુનો નોંધ્યો છે.

આ કેસમાં આરોપી તરીકે સંજય રાજકુમાર મીના – બેંક ઓફિસર, રણજીત રોડ શાખા, પંજાબ નેશનલ બેંક, જામનગર, ગીરીશ અરશીભાઈ ગોજીયા (રહેવાસી જામનગર (પ્રજાજન)), અને (૩) મનોહરપ્રસાદ રોય – બ્રાંચ મેનેજર, રણજીત રોડ શાખા, પંજાબ નેશનલ બેંક, જામનગરનો સમાવેશ થાય છે.

રાજ્યસેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી અનુચિત લાભ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે ગંભીર ગુનો બને છે. આ ઘટનાએ ફરી એકવાર સરકારી યોજનાઓના લાભમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો મુદ્દો ઉજાગર કર્યો છે. ACB દ્વારા આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને કેસની વિગતવાર તપાસ ચાલુ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now