Car Care Tips : આજના સમયમાં કાર માત્ર વૈભવનું પ્રતીક નથી રહી, પરંતુ રોજિંદા જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો બની ગઈ છે. ઓફિસ જવાનું હોય, બાળકોને શાળાએ મૂકવાના હોય કે પરિવાર સાથે લાંબી મુસાફરી કરવી હોય, કારનો ઉપયોગ સતત વધી રહ્યો છે. આ કારણે ઘણા લોકો પોતાની જરૂરિયાતની અનેક વસ્તુઓ કારમાં જ રાખી દેવાની આદત બનાવી લે છે. ઘણી વખત એવું માનવામાં આવે છે કે કાર લૉક હોવાથી અંદર રાખેલો સામાન સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. પરંતુ વાસ્તવિકતા અલગ છે. ખાસ કરીને ઉનાળા દરમિયાન અથવા સીધા તડકામાં પાર્ક કરેલી કારની અંદરનું તાપમાન ખૂબ જ ઝડપથી વધી શકે છે. અનેક અભ્યાસો દર્શાવે છે કે બહારનું તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે કારની અંદરનું તાપમાન થોડા જ સમયમાં 50થી 70 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આવી ગરમી ઘણી વસ્તુઓને નુકસાન પહોંચાડે છે અને કેટલીક સ્થિતિમાં સ્વાસ્થ્ય માટે પણ જોખમ ઉભું કરી શકે છે.
1. દવાઓ કારમાં રાખવી બની શકે છે જોખમી
મોટાભાગની દવાઓને સામાન્ય રૂમ ટેમ્પરેચર પર સંગ્રહ કરવાની સલાહ આપવામાં આવે છે. જો દવાઓ લાંબા સમય સુધી ગરમ કારમાં રાખવામાં આવે તો તેમાં રહેલા સક્રિય ઘટકોની અસર ઘટી શકે છે અથવા સંપૂર્ણપણે બેઅસર બની શકે છે. ખાસ કરીને ઇન્સ્યુલિન, એન્ટીબાયોટિક્સ, આંખના ડ્રોપ્સ તેમજ કેટલીક વિશેષ સારવારની દવાઓ માટે યોગ્ય તાપમાન જાળવવું અત્યંત જરૂરી હોય છે. ગરમીથી બગડેલી દવાનો ઉપયોગ કરવાથી યોગ્ય સારવાર મળતી નથી અને આરોગ્ય પર નકારાત્મક અસર થઈ શકે છે.
આ પણ ખાસ વાંચો : સામાન્ય પેટ્રોલ નહીં, E85 ઇથેનોલ પર બને છે 1025hpની 'દાનવ' કાર : જાણો તેની પ્રચંડ તાકાત પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
2. લેપટોપ, મોબાઇલ અને અન્ય ઇલેક્ટ્રોનિક્સને થઈ શકે છે ભારે નુકસાન
ઘણા લોકો ઓફિસનું લેપટોપ, ટેબ્લેટ, મોબાઇલ ફોન, પાવર બેન્ક અથવા પેન ડ્રાઇવ કારમાં જ મૂકી દેતા હોય છે. પરંતુ કારની અંદરની વધુ ગરમી આ તમામ ઉપકરણો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. વધુ તાપમાનના કારણે બેટરીનું આયુષ્ય ઘટી શકે છે, સ્ક્રીન અથવા આંતરિક સર્કિટને નુકસાન થઈ શકે છે અને ડેટા ગુમાવવાનો પણ ભય રહે છે. ઉપરાંત કારમાં દેખાતી જગ્યાએ આવા ઉપકરણો રાખવાથી ચોરીનું જોખમ પણ વધી જાય છે.
3. સનસ્ક્રીન પણ ગરમીમાં ગુમાવી શકે છે તેની અસર
સૂર્યના કિરણોથી બચાવવા માટે ઉપયોગમાં લેવાતી સનસ્ક્રીનને પણ વધુ ગરમીથી નુકસાન થઈ શકે છે. કારની અંદર લાંબા સમય સુધી પડેલી સનસ્ક્રીમના સક્રિય તત્વો બગડી શકે છે, જેના કારણે તેનો સુરક્ષાત્મક પ્રભાવ ઘટી જાય છે. આ ઉપરાંત વધુ ગરમીના કારણે સનસ્ક્રીનની બોટલ અથવા ટ્યુબ ફૂલી જવી, લીક થવી અથવા ફાટી જવાની શક્યતા પણ રહે છે. આવું થાય તો કારની સીટ અને ઇન્ટિરિયર પર કાયમી ડાઘ પડી શકે છે અને સફાઈ માટે વધારાનો ખર્ચ પણ કરવો પડી શકે છે.
4. પ્લાસ્ટિકની પાણીની બોટલ બની શકે છે સ્વાસ્થ્ય માટે જોખમ
ઘણા લોકો કારમાં હંમેશા પાણીની પ્લાસ્ટિક બોટલ રાખે છે. પરંતુ લાંબા સમય સુધી તડકામાં રહેલી બોટલ ગરમ થતાં તેમાં રહેલા કેટલાક રસાયણો અને માઇક્રોપ્લાસ્ટિક્સ પાણીમાં ભળી જવાની શક્યતા વધી શકે છે. નિષ્ણાતોના મતે વારંવાર અત્યંત ગરમ થયેલી પ્લાસ્ટિક બોટલમાંથી પાણી પીવાનું ટાળવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી સ્ટેનલેસ સ્ટીલ અથવા સારી ગુણવત્તાની ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવી બોટલનો ઉપયોગ વધુ સલામત માનવામાં આવે છે.
આ પણ ખાસ વાંચો : Skoda Kodiaq RSની ડિલિવરી શરૂ : 6.3 સેકન્ડમાં 100kmphની સ્પીડ પકડતી SUV
5. પર્સ, હેન્ડબેગ અને મોબાઇલ ચોરો માટે સરળ નિશાન
ઘણા લોકો કાર પાર્ક કર્યા પછી પર્સ, હેન્ડબેગ અથવા મોબાઇલ સીટ પર જ મૂકી દેતા હોય છે. કાર લૉક હોવા છતાં આ સૌથી મોટી સુરક્ષાની ભૂલ ગણાય છે. ચોરો ઘણીવાર કારની અંદર દેખાતી કિંમતી વસ્તુઓ પર નજર રાખતા હોય છે. કાચ તોડીને તેઓ સેકન્ડોમાં કિંમતી સામાન ચોરી શકે છે. તેથી કાર છોડતી વખતે તમામ કિંમતી વસ્તુઓ પોતાની સાથે લઈ જવી અથવા જરૂર હોય તો નજરથી દૂર ડિકીમાં રાખવી વધુ સુરક્ષિત વિકલ્પ છે.
કારમાં સામાન રાખતા પહેલાં આ બાબતો યાદ રાખો
કાર પાર્ક કરતી વખતે શક્ય હોય ત્યાં સુધી છાયાવાળી જગ્યાની પસંદગી કરો. લાંબા સમય સુધી કાર ઊભી રાખવાની હોય તો અંદર એવી કોઈ પણ વસ્તુ ન રાખો જે ગરમીથી બગડી શકે અથવા ચોરીનું કારણ બની શકે. દવાઓ, ઇલેક્ટ્રોનિક્સ, કોસ્મેટિક્સ અને મહત્વના દસ્તાવેજો હંમેશા પોતાની સાથે રાખવાની આદત બનાવો. નાની લાગતી આ સાવચેતી તમને હજારો રૂપિયાનું નુકસાન, આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓ અને ચોરી જેવી ઘટનાઓથી બચાવી શકે છે.





