Home Automobile Car Safety Tips Summer Gujarati

ઉનાળામાં તમારી કારમાં ભૂલેચૂકે આ 5 વસ્તુઓ ન રાખતા! : નહિતર આ ભૂલની ભારે કિંમત ચૂકવવી પડશે

Car
Image Credit: AI Image
Published by: Aryan Shah
Last Updated: Apr 26, 2026, 01:17 PM IST

Car safety tips in summer : ઉનાળાની શરૂઆત થતાં જ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી જાય છે. આવી સ્થિતિમાં જ્યારે આપણે કારને સીધા સૂર્યપ્રકાશમાં પાર્ક કરીએ છીએ, ત્યારે તે માત્ર 20 થી 30 મિનિટમાં 'સીલબંધ ભઠ્ઠી' જેવી બની જાય છે. વિજ્ઞાનના નિયમ મુજબ, બંધ કારની અંદર ગ્રીનહાઉસ ઇફેક્ટ સર્જાય છે, જેના કારણે અંદરનું તાપમાન બહારના તાપમાન કરતાં બમણું એટલે કે, 60 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આ ગરમીમાં કારમાં રાખેલી સામાન્ય જીવનજરૂરિયાતની વસ્તુઓ પણ ઘાતક સાબિત થઈ શકે છે અને મોટી જાનહાનિ કે આર્થિક નુકસાન કરી શકે છે.

પાણીની બોટલનું જોખમ

આપણને લાગે કે, પાણીની બોટલ તો સુરક્ષિત છે, પરંતુ પ્લાસ્ટિકની પારદર્શક પાણીની બોટલ કારમાં રાખવી તે જોખમી છે. જ્યારે સૂર્યના કિરણો આ પારદર્શક બોટલ અને તેમાં રહેલા પાણીમાંથી પસાર થાય છે, ત્યારે તે 'મેગ્નિફાઈંગ ગ્લાસ' ની જેમ વર્તે છે. આ કિરણો કારની સીટ, ડેશબોર્ડ કે અન્ય કોઈ કાપડ પર એક જ બિંદુ પર કેન્દ્રિત થાય છે. સતત ગરમી કેન્દ્રિત થવાને કારણે તે જગ્યાએ કાણું પડી શકે છે અથવા ધુમાડો નીકળીને કારમાં ભીષણ આગ લાગી શકે છે.

ચશ્માની વિઘાતક અસર

ઘણીવાર આપણે ઉતાવળમાં આપણા રીડિંગ ગ્લાસ કે મોંઘા સનગ્લાસ કારના ડેશબોર્ડ પર ખુલ્લા મૂકી દઈએ છીએ. ચશ્માના લેન્સ પણ પાણીની બોટલની જેમ જ સૂર્યપ્રકાશને એકાગ્ર કરવાનું કામ કરે છે. ખાસ કરીને બપોરના સમયે જ્યારે તડકો તેજ હોય, ત્યારે આ લેન્સ ડેશબોર્ડના પ્લાસ્ટિકને પીગળાવી શકે છે. આનાથી માત્ર તમારી કારના ઈન્ટિરિયરને જ નુકસાન નથી થતું, પરંતુ તે આગ લાગવાનું નિમિત્ત પણ બની શકે છે. હંમેશા ચશ્માને ગ્લોવ બોક્સમાં અથવા તેના પ્રોટેક્ટિવ કેસમાં રાખીને જ કારમાંથી ઉતરવું જોઈએ.

ઈલેક્ટ્રોનિક ગેજેટ્સથી સાવધાન

આજના સમયમાં આપણે મોબાઈલ, પાવર બેંક કે લેપટોપ વગર રહી શકતા નથી, પણ તેને ગરમીમાં કારમાં છોડવા તે સૌથી મોટી ભૂલ છે. આ તમામ ગેજેટ્સમાં 'લિથિયમ-આયન' બેટરી હોય છે, જે ગરમી પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોય છે. અતિશય તાપમાનને કારણે બેટરીની અંદર રાસાયણિક પ્રતિક્રિયા થઈ શકે છે, જેનાથી બેટરી ફૂલી જાય છે અથવા તેમાં મોટો વિસ્ફોટ થઈ શકે છે. આ ઉપરાંત, અતિશય ગરમી તમારા મોંઘા ફોનની ડિસ્પ્લે અને અંદરના સર્કિટને કાયમી ધોરણે નુકસાન પહોંચાડે છે.

જ્વલનશીલ પદાર્થો અને ગેસ

હેન્ડ સેનિટાઈઝર અને પરફ્યુમ જેવી વસ્તુઓ દેખાવમાં સામાન્ય લાગે છે પણ તે ઉનાળામાં 'ટાઈમ બોમ્બ' છે. સેનિટાઈઝરમાં આલ્કોહોલનું પ્રમાણ વધુ હોય છે, જે અત્યંત જ્વલનશીલ પદાર્થ છે. ગરમીમાં સેનિટાઈઝરનું બાષ્પીભવન થાય છે અને જો કારમાં તેની વરાળ ભરાઈ જાય, તો નાનકડો તણખલો પણ મોટો ધડાકો કરી શકે છે. તેવી જ રીતે, પરફ્યુમ, ડિઓડોરન્ટ કે એર ફ્રેશનરના ડબ્બા પ્રેશરાઇઝ્ડ ગેસથી ભરેલા હોય છે. વધુ ગરમીના કારણે અંદરનું દબાણ વધતાં આ બોટલો ફાટી શકે છે અને કારના કાચ તોડી શકે છે.

બચાવના સરળ ઉપાયો

ઉનાળામાં કારની સુરક્ષા માટે કેટલીક પાયાની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. કારને હંમેશા બને ત્યાં સુધી છાંયડામાં જ પાર્ક કરવાનો આગ્રહ રાખો. જો તડકામાં પાર્ક કરવી જ પડે તેમ હોય, તો ચારેય બારીના કાચ એક-એક ઈંચ જેટલા ખુલ્લા રાખો જેથી ગરમ હવા બહાર નીકળી શકે અને તાપમાન જળવાઈ રહે. કારને તડકાથી બચાવવા માટે વિન્ડશિલ્ડ પર સનશેડનો ઉપયોગ કરવો પણ હિતાવહ છે. સૌથી અગત્યનું, કાર લોક કરતાં પહેલા એકવાર અંદર નજર કરી લેવી કે, કોઈ જોખમી વસ્તુ અંદર રહી તો નથી ગઈ ને.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now