આજકાલ લગભગ તમામ આધુનિક કારોમાં રિમોટ કી ફોબ (Key Fob) આપવામાં આવે છે. મોટાભાગના લોકો તેનો ઉપયોગ માત્ર કારને લોક અથવા અનલોક કરવા માટે જ કરે છે, પરંતુ વાસ્તવમાં આ નાની ડિવાઇસમાં અનેક એવા સ્માર્ટ ફીચર્સ આપવામાં આવ્યા હોય છે જે ડ્રાઇવિંગને વધુ આરામદાયક, સુરક્ષિત અને સરળ બનાવી શકે છે. ઘણી વખત લોકો આ સુવિધાઓ વિશે અજાણ હોવાથી તેનો લાભ લઈ શકતા નથી. જો તમારી પાસે પણ રિમોટ કી ફોબવાળી કાર છે તો તેના કેટલાક ઉપયોગી ફીચર્સ વિશે જાણવું તમારા માટે ફાયદાકારક બની શકે છે.
એક વખત બટન દબાવતાં માત્ર ડ્રાઇવર સાઇડનો દરવાજો ખોલી શકાય
ઘણી નવી કારોમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને સિંગલ ડોર અનલોક ફીચર આપવામાં આવે છે. સામાન્ય રીતે રિમોટનું અનલોક બટન દબાવતા તમામ દરવાજા એકસાથે ખુલતા હોય છે, પરંતુ કારની સેટિંગ્સમાં ફેરફાર કરીને તેને એવી રીતે સેટ કરી શકાય છે કે પ્રથમ વખત બટન દબાવતા માત્ર ડ્રાઇવર સાઇડનો દરવાજો જ ખુલશે.
જો બાકીના દરવાજા ખોલવાના હોય તો અનલોક બટન બીજી વખત દબાવવું પડે છે. ખાસ કરીને એકલા મુસાફરી કરતી મહિલાઓ અથવા રાત્રિના સમયે ડ્રાઇવિંગ કરતા લોકો માટે આ ફીચર વધારાની સુરક્ષા પૂરી પાડે છે કારણ કે અનિચ્છનીય રીતે અન્ય દરવાજા ખુલતા નથી.
રિમોટની બેટરી ખતમ થઈ જાય તો પણ કાર ખોલી શકાય
ઘણી વખત અચાનક રિમોટ કીની બેટરી ખતમ થઈ જાય છે અને કાર અનલોક થતી નથી. આવી સ્થિતિ માટે મોટાભાગની કાર કંપનીઓ કી ફોબની અંદર એક છુપાયેલી મિકેનિકલ ચાવી આપે છે.
કી ફોબ પર આપેલા નાના સ્લાઇડ બટન અથવા લૉકને ખસેડતાં આ મિકેનિકલ કી બહાર આવી જાય છે, જેના દ્વારા કારનો દરવાજો મેન્યુઅલી ખોલી શકાય છે. ઘણી કારોમાં રિમોટની બેટરી ડેડ હોવા છતાં કી ફોબને સ્ટાર્ટ બટનની નજીક રાખીને બ્રેક દબાવી સ્ટાર્ટ બટન દબાવવાથી કાર શરૂ થઈ જાય છે. કેટલાક મોડલમાં તેના માટે સ્ટિયરિંગ પાસે અથવા સેન્ટર આર્મરેસ્ટમાં ખાસ સ્લોટ પણ આપવામાં આવે છે.
ડ્રાઇવર પ્રમાણે ઓટોમેટિક સેટિંગ્સ
ઘણી પ્રીમિયમ કારોમાં કી ફોબને ડ્રાઇવર પ્રોફાઇલ સાથે લિંક કરવાની સુવિધા આપવામાં આવે છે. ખાસ કરીને કેટલીક લક્ઝરી બ્રાન્ડ્સમાં આ ફીચર ઉપલબ્ધ હોય છે.
જ્યારે કોઈ ચોક્કસ ડ્રાઇવર પોતાની કી સાથે કારમાં પ્રવેશે છે ત્યારે કાર આપમેળે તે વ્યક્તિને ઓળખી લે છે અને અગાઉ સેવ કરેલી સેટિંગ્સ લાગુ કરી દે છે. તેમાં ડ્રાઇવિંગ સીટની પોઝિશન, સ્ટિયરિંગ સેટિંગ, સાઇડ મિરર, ક્લાઇમેટ કંટ્રોલ અને કેટલીક કારોમાં મનપસંદ મ્યુઝિક અથવા રેડિયો સ્ટેશન પણ સામેલ હોઈ શકે છે. જો બીજા ડ્રાઇવર પોતાની અલગ કીનો ઉપયોગ કરે તો કાર તેની પ્રોફાઇલ પ્રમાણે સેટિંગ્સ બદલી દે છે.
દૂરથી એન્જિન સ્ટાર્ટ કરવાની સુવિધા
કેટલીક કારોમાં રિમોટ કી ફોબ દ્વારા રિમોટ એન્જિન સ્ટાર્ટ ફીચર આપવામાં આવે છે. આ સુવિધા ખાસ કરીને ગરમી અને શિયાળાની ઋતુમાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે.
ઉનાળામાં કારમાં બેસતા પહેલાં એસી ચાલુ કરીને કેબિન ઠંડું કરી શકાય છે, જ્યારે શિયાળામાં એન્જિનને પહેલેથી ગરમ કરી શકાય છે. જોકે આ ફીચર તમામ કારોમાં ઉપલબ્ધ નથી અને તે કંપની તેમજ મોડલ પ્રમાણે બદલાઈ શકે છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને કારને ચલાવવા માટે ડ્રાઇવર પાસે મૂળ કી હોવી જરૂરી રહે છે અને કારને અનલોક કર્યા વગર કોઈ અજાણી વ્યક્તિ વાહન ચલાવી શકતી નથી.
હાથમાં સામાન હોય ત્યારે ડિકી સરળતાથી ખોલી શકાય
શોપિંગ મોલ અથવા માર્કેટમાંથી પરત ફરતી વખતે ઘણીવાર બંને હાથમાં સામાન હોય છે અને ખિસ્સામાંથી ચાવી કાઢવી મુશ્કેલ બને છે. આવી સ્થિતિમાં ઘણી SUV અને પ્રીમિયમ કારોમાં કી ફોબ પર અલગ ટેલગેટ અથવા બૂટ ઓપન બટન આપવામાં આવે છે.
આ બટનને બે વખત દબાવતા કારની ડિકી આપમેળે અનલોક થઈ જાય છે અને કેટલાક મોડલમાં તો સંપૂર્ણપણે ખુલી પણ જાય છે. આ સુવિધા ભારે સામાન લોડ કરતી વખતે સમય અને મહેનત બંને બચાવે છે.
દરેક કારમાં તમામ ફીચર્સ ઉપલબ્ધ હોય એવું જરૂરી નથી
કાર ખરીદતા પહેલા અથવા ઉપયોગ દરમિયાન એ જાણવું જરૂરી છે કે દરેક કંપની અને દરેક મોડલમાં એકસરખા Key Fob ફીચર્સ ઉપલબ્ધ હોતા નથી. કેટલાક ફીચર્સ માત્ર ટોપ વેરિઅન્ટ અથવા પ્રીમિયમ મોડલમાં આપવામાં આવે છે. તેથી તમારી કારમાં કયા ફીચર્સ ઉપલબ્ધ છે તે જાણવા માટે ઓનર મેન્યુઅલ વાંચવું અથવા અધિકૃત ડીલરનો સંપર્ક કરવો યોગ્ય રહેશે.





