ઇલેક્ટ્રિક કાર માર્કેટમાં ઝડપથી બદલાવ આવી રહ્યો છે, અને હવે ચાર્જિંગ સ્પીડ અને રેન્જ એ સૌથી મહત્વના ફેક્ટર્સ બની ગયા છે. આ વચ્ચે ચીનની જાણીતી કંપની BYD એ પોતાની નવી SUV લોન્ચ કરીને સમગ્ર ઉદ્યોગનું ધ્યાન ખેંચ્યું છે. “Song Ultra EV” નામની આ કાર માત્ર એક મહિનામાં 60 હજારથી વધુ બુકિંગ મેળવીને ચર્ચામાં આવી ગઈ છે.
લૉન્ચ સાથે જ મળ્યો જબરદસ્ત પ્રતિસાદ
ચીનમાં લોન્ચ થયેલી BYD Song Ultra EV ને બજારમાં ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. લૉન્ચના પહેલા જ અઠવાડિયામાં 10,000થી વધુ ઓર્ડર મળ્યા હતા અને માત્ર એક મહિનામાં આ આંકડો 61,000ને પાર કરી ગયો. આ સફળતા પાછળનું મુખ્ય કારણ છે તેની લાંબી રેન્જ, ઝડપી ચાર્જિંગ અને સ્પર્ધાત્મક કિંમત.
સુપરફાસ્ટ ચાર્જિંગ: EV ઉદ્યોગમાં ક્રાંતિ
5 મિનિટમાં 70% સુધી ચાર્જ
આ કારની સૌથી મોટી ખાસિયત તેની ચાર્જિંગ સ્પીડ છે. તેમાં BYDની નવી Blade Battery 2.0 અને ફ્લેશ ચાર્જિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. માત્ર 5 મિનિટમાં કાર 10%થી 70% સુધી ચાર્જ થઈ શકે છે, જ્યારે 97% ચાર્જ માટે માત્ર 9 મિનિટનો સમય લાગે છે. આટલી ઝડપી ચાર્જિંગ સુવિધા ઇલેક્ટ્રિક કાર ક્ષેત્રમાં એક મોટું પગલું માનવામાં આવે છે.
જબરદસ્ત રેન્જ અને પાવરફુલ પરફોર્મન્સ
આ SUV બે બેટરી વિકલ્પ સાથે આવે છે:
68.4 kWh બેટરી: એક વખત ચાર્જ કરવાથી 605 KM સુધી ચાલે
82.7 kWh બેટરી: સિંગલ ચાર્જમાં 710 KM સુધીની રેન્જ આપે
કારમાં રિયર-માઉન્ટેડ ઇલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે, જે 362 hp પાવર જનરેટ કરે છે. આ કારણે તે પાવર અને કાર્યક્ષમતામાં બંનેમાં મજબૂત પ્રદર્શન આપે છે.
ડિઝાઇન અને સ્પેસ: પરિવાર માટે યોગ્ય SUV
ડાયમેન્શનની વાત કરીએ તો, આ કાર 4,850 mm લાંબી, 1,910 mm પહોળી અને 1,670 mm ઊંચી છે. તેનો 2,840 mmનો વ્હીલબેસ અંદર વધુ સ્પેસ આપે છે, જે પરિવાર માટે અનુકૂળ છે. આ SUV સીધી Tesla Model Y અને XPeng G6 જેવી લોકપ્રિય કારોને ટક્કર આપે છે.





