Home Sports Brian Bennett Needs 10 Runs To Complete 2000 T20i Runs Vs India

માત્ર 10 રન... અને બ્રાયન બેનેટનું નામ સામેલ થશે દિગ્ગજોમાં : ભારત સામેની મેચમાં રચી શકે છે ઇતિહાસ

Brian Bennett
Image Credit: X
Published by: Aryan Shah
Last Updated: Jul 25, 2026, 10:54 AM IST

IND vs ZIM 2nd T20I : ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમના યુવા અને આક્રમક બેટ્સમેન બ્રાયન બેનેટ ભારત સામેની બીજી T20 ઇન્ટરનેશનલ મેચમાં એક ખાસ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવાની નજીક છે. 22 વર્ષીય જમણા હાથના બેટ્સમેનને T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 2,000 રન પૂર્ણ કરવા માટે હવે માત્ર 10 રનની જરૂર છે. જો તે હરારેમાં રમાનારી બીજી મેચમાં આ આંકડો પાર કરશે તો ઝિમ્બાબ્વે તરફથી T20I ક્રિકેટમાં 2,000 કે તેથી વધુ રન બનાવનાર માત્ર ત્રીજો બેટ્સમેન બનશે. પ્રથમ T20માં બ્રાયન બેનેટ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો અને ભારતના ઝડપી બોલર મયંક યાદવે પ્રથમ જ બોલ પર તેને પેવેલિયન મોકલી દીધો હતો. તેમ છતાં તેની સમગ્ર કારકિર્દીના આંકડા તેની સતત અને પ્રભાવશાળી બેટિંગની સાબિતી આપે છે. અત્યાર સુધી તેણે 62 T20 ઇન્ટરનેશનલ ઇનિંગ્સમાં 35.53ની સરેરાશ અને 143.37ના સ્ટ્રાઈક રેટ સાથે કુલ 1,990 રન બનાવ્યા છે. તેના નામે એક સદી, 12 અડધી સદી અને 111 રનનો સર્વોચ્ચ સ્કોર નોંધાયેલો છે.

ઝિમ્બાબ્વેના દિગ્ગજોની વિશિષ્ટ યાદીમાં જોડાવાની તક

ઝિમ્બાબ્વે માટે અત્યાર સુધી માત્ર બે જ બેટ્સમેનોએ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 2,000થી વધુ રન બનાવ્યા છે. અનુભવી ઓલરાઉન્ડર સિકંદર રઝાએ 3,144 રન સાથે આ યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે, જ્યારે રાયન બર્લે 2,040 રન નોંધાવ્યા છે. હવે બ્રાયન બેનેટ પાસે આ બંને દિગ્ગજોની સાથે પોતાનું નામ ઉમેરવાની સુવર્ણ તક છે. ઓછી ઉંમરે આ સિદ્ધિ સુધી પહોંચવું બ્રાયન બેનેટની પ્રતિભા અને સતત પ્રદર્શનનું પ્રતિબિંબ માનવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં તેણે ઝિમ્બાબ્વેની બેટિંગ લાઇન-અપમાં મહત્વનું સ્થાન બનાવ્યું છે અને ટોચના ક્રમે આક્રમક શરૂઆત અપાવવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.

આ પણ ખાસ વાંચો : 2027માં ક્રિકેટનો નોન-સ્ટોપ રોમાંચ : જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી રમાશે એક પછી એક મેગા ટૂર્નામેન્ટ્સ

ભારત સામે પણ રહ્યો છે અસરકારક દેખાવ

ભારત સામે બ્રાયન બેનેટના આંકડા પણ નોંધપાત્ર રહ્યા છે. તેણે ભારતીય ટીમ સામે રમેલી સાત T20 ઇનિંગ્સમાં 168 રન બનાવ્યા છે, જેમાં તેની સરેરાશ 28ની અને સ્ટ્રાઈક રેટ 151થી વધુ રહ્યો છે. આ દરમિયાન તેણે એક અડધી સદી પણ નોંધાવી છે. આ વર્ષની ICC મેન્સ T20 વર્લ્ડ કપમાં ભારત સામે તેણે અણનમ 97 રનની યાદગાર ઇનિંગ્સ રમી હતી. તે મેચમાં ઝિમ્બાબ્વેને જીત મળી નહોતી, પરંતુ બેનેટની નિર્ભય બેટિંગે ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું હતું અને ભારતીય બોલિંગ આક્રમણ સામે તેની ક્ષમતાનો પરિચય કરાવ્યો હતો.

બીજી T20માં રહેશે ખાસ નજર

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની T20 શ્રેણીની બીજી મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે. પ્રથમ મેચમાં ભારતે સાત વિકેટે જીત મેળવી શ્રેણીમાં સરસ શરૂઆત કરી હતી, જ્યારે ઝિમ્બાબ્વે હવે શ્રેણી જીવંત રાખવા માટે જીત મેળવવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. આ મુકાબલામાં બ્રાયન બેનેટનું પ્રદર્શન ખાસ ચર્ચાનો વિષય રહેશે. શરૂઆતના 10 રન બનાવતા જ તે પોતાની કારકિર્દીનો મહત્વપૂર્ણ માઈલસ્ટોન પાર કરશે. સાથે જ ઝિમ્બાબ્વેને મજબૂત શરૂઆત અપાવી ભારત સામે વધુ એક મોટી ઇનિંગ્સ રમવાનો પ્રયાસ પણ કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now