Home Gujarat Bootlegger Kishore Langdas Grandson Killed Activa Driver Ahmedabad Hit And Run

બૂટલેગરના પૌત્રએ અકસ્માતમાં લીધો નિર્દોષનો જીવ : મોંઘીદાટ ગાડીએ નિપજાવ્યું એક્ટિવાચાલકનું મોત, હથિયારો સાથેનો આરોપીનો વીડિયો થયો વાયરલ

બૂટલેગરના પૌત્રએ અકસ્માતમાં લીધો નિર્દોષનો જીવ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 30, 2025, 10:01 AM IST

Ahmedabad Hit and Run: દિન-પ્રતિદિન દારૂના નશામાં પુરપાટ ઝડપે કાર ચલાવીને અકસ્માત સર્જવાની ઘટનાઓ વધતી જાય છે. ત્યારે આજે ફરી એકવાર પુરપાટ ઝડપે કાર હકાવીને અસામાજિક તત્ત્વએ એક નિર્દોષનો ભોગ લીધો છે. અમદાવાદના શાહીબાગમાં કુખ્યાત બૂટલેગર કિશોર લંગડાના પૌત્રએ એક એક્ટિવાચાલકને ટક્કર મારી તેનો જીવ લઈ લીધો છે. મોંઘીદાટ કાર વડે પુરપાટ ઝડપે ટક્કર મારીને એક્ટિવા ચાલકનું મોત નિપજાવ્યું છે. આ ઘટના શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ અનેક પ્રશ્નો ઉભા કરે છે.

અમદાવાદના શાહીબાગમાં કુખ્યાત બૂટલેગર કિશોર લંગડાના પૌત્રએ મોંઘીદાટ કાર વડે નિર્દોષ એક્ટિવાચાલકને ટક્કર મારીને જીવ લીધો છે. કારચાલકે પૂરપાટ ઝડપે કાર વડે એક્ટિવાચાલકને ટક્કર મારી હતી. શાહીબાગમાં હાઈસ્પીડમાં આવતી વૈભવી કારે એક્ટિવા ચાલકને ટક્કર મારતા તે નજીકમાં ઊભેલી રિક્ષા સાથે ટકરાયો, જેથી તેમનું સ્થળ પર જ મોત થયું હતું. કારચાલકના પિતા અને દાદા બંને કુખ્યાત બૂટલેગર છે. આ સાથે કારચાલક યુવકનો હથિયારો સાથેનો કારમાં વીડિયો વાઇરલ થયો છે.

આ દુર્ઘટના શાહીબાગના સરદાર પટેલ સ્મારક નજીક બની હતી, જ્યાં અસારવામાં રહેતા મહેન્દ્ર ગોહિલ તેમની એક્ટિવા લઈને પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન કાળા રંગની ફોર્ચ્યુનર કારમાં આદિત્યસિંહ રાઠોડ નામના 18 વર્ષના યુવકે પૂરપાટ ઝડપે ટક્કર મારી હતી. ટક્કરના ઝાટકામાં મહેન્દ્રભાઈ નજીકમાં ઉભેલી રિક્ષા સાથે અથડાતા માથામાં ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. રિક્ષાચાલકને પણ ઇજાઓ થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આદિત્યસિંહ રાઠોડ, જે ઘટનાનો આરોપી છે, તેના પિતા દિલીપસિંહ અને દાદા કિશોરસિંહ રાઠોડ બંને જાણીતા બૂટલેગર છે. આદિત્યસિંહ સોશિયલ મીડિયામાં પોતાની ધાક જમાવવા હથિયારો સાથેના વીડિયો અપલોડ કરતો હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ એવો જ એક વીડિયો વાયરલ થયો છે જેમાં કારની અંદર તે હથિયારો સાથે જોવા મળે છે. પોલીસે તેનો વિડિયો ક્લિપ નોટિસમાં લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માત પછી આદિત્યસિંહ તેના મિત્ર સાથે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો, જ્યાં પોલીસે તેની અટકાયત કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે. મૃતક મહેન્દ્રભાઈ ગોહિલ જયહિન્દ સોસાયટી, અસારવા ખાતે રહેતા હતા અને સેલ્સમેન તરીકે નોકરી કરતાં હતાં. આ ઘટના માત્ર એક અકસ્માત નથી પણ અસામાજિક તત્વોના પ્રભાવ અને તરુણાવસ્થામાં હથિયારો સાથેનો રોફ દર્શાવતી ખતરનાક વૃત્તિ સામેની ચેતવણીરૂપ છે. હવે પોલીસ પર છે કે આરોપી સામે કડક કાનૂની પગલાં લઈને ન્યાય સુનિશ્ચિત કરે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now