Home Gujarat Bomb Threat To Palanpur Collectorate Again Via Email Proven Fake After Investigation

પાલનપુર કલેક્ટર કચેરીને ફરી મળી બોમ્બથી ઉડાવવાની ધમકી : બોમ્બ સ્ક્વોડની તપાસ બાદ ફેક સાબિત

પાલનપુર કલેક્ટર કચેરીને ફરી મળી બોમ્બથી ઉડાવવાની ધમકી
Published by: OBS Bureau
Last Updated: Jan 30, 2026, 12:58 PM IST

પાલનપુરમાં ફરી એક વખત કલેક્ટર કચેરીને ઈમેલ મારફતે ધમકી મળતા તંત્રમાં અફરાતફરી મચી ગઈ હતી. પાલનપુર કલેક્ટર કચેરીના કર્મચારીઓને રશિયન ભાષામાં ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેમાં કચેરી ખાલી કરવાની ચેતવણી આપવામાં આવી હતી. આ ઈમેલ મળતાની સાથે જ તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતા પાલનપુર પશ્ચિમ પોલીસનો કાફલો તાત્કાલિક કલેક્ટર કચેરી પહોંચ્યો હતો. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તમામ કર્મચારીઓને કચેરી ખાલી કરાવી બહાર કાઢવામાં આવ્યા હતા. સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો અને બોમ્બ સ્ક્વોડ તથા ડોગ સ્ક્વોડને બોલાવવામાં આવ્યા હતા.

લગભગ એક કલાક સુધી બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા કલેક્ટર કચેરીની અંદર અને આસપાસ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે તપાસ દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી મળી આવી નહોતી. અંતે આ ધમકીભર્યો ઈમેલ પણ ફેક હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે આશરે 20 દિવસ અગાઉ પણ પાલનપુર કલેક્ટરને આ જ રીતે ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી, જે ત્યારે પણ તપાસ બાદ ફેક સાબિત થઈ હતી. સતત બીજી વાર આવી ધમકી મળતાં પોલીસ અને વહીવટી તંત્ર વધુ સતર્ક બન્યું છે.

પોલીસ દ્વારા ઈમેલ ક્યાંથી અને કોણે મોકલ્યો તેની ટેકનિકલ તપાસ શરૂ કરવામાં આવી છે. સાઇબર એક્સપર્ટની મદદથી ઈમેલના મોકલનાર સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બીજી વખત પણ ઈમેલની ધમકી ખોટી સાબિત થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now