VB-G RAM G (વિકસિત ભારત – રોજગાર અને આજીવિકાની ગેરંટી મિશન – ગ્રામીણ) બિલ 2025ને લઈને જનજાગૃતિ ફેલાવવાના હેતુસર ગુજરાત ભાજપે પ્રદેશ સ્તરીય કાર્યશાળાનું આયોજન કર્યું. આ કાર્યશાળા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરની ઉપસ્થિતિમાંભાજપા કાર્યાલય કમલમ ખાતે યોજાશે.
ક્રાંતિકારી પગલું ગણાવ્યું
VB-G RAM G બિલ તાજેતરમાં સંસદમાં પસાર કરવામાં આવ્યું છે, જે વિકસિત ભારતના સંકલ્પ તરફ એક ક્રાંતિકારી પગલું માનવામાં આવી રહ્યું છે. આ યોજના હાલની મનરેગા યોજનાનું સ્થાન લેશે અને ગ્રામીણ વિકાસને નવી દિશા આપશે. અગાઉ મનરેગા હેઠળ 100 દિવસની કામની ગેરંટી હતી, જ્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ કરાયેલી VB-G RAM G યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં 125 દિવસની રોજગારીની ગેરંટી આપવામાં આવશે.
'વધુ આર્થિક સુરક્ષા પૂરી પાડશે'
ચર્ચા કરવામાં આવી કે, VB-G RAM G યોજનામાં રિયલ-ટાઈમ ડેટા અપલોડ, GPS અને મોબાઇલ આધારિત મોનિટરિંગ, બાયોમેટ્રિક સિસ્ટમ તથા AI ટેકનોલોજીના ઉપયોગ દ્વારા પારદર્શિતા વધારવામાં આવી છે. આ યોજનામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે સાચા લાભાર્થીને સીધો જ લાભ તેના બેંક ખાતામાં મળશે. સાથે જ, આ યોજના ગ્રામીણ વિસ્તારોમાં આજીવિકા અને સંપત્તિઓનું સર્જન કરીને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવશે તથા લોકોને વધુ રોજગારી, વધુ આવક અને વધુ આર્થિક સુરક્ષા પૂરી પાડશે. આ યોજનામાં કૃષિ ઉત્પાદકતા અને કામદારોની સુરક્ષા વચ્ચે સંતુલન જાળવવામાં આવ્યું હોવાનું પણ જણાવાયું છે.




















