Home Gujarat Surat Bjp Surat Election Candidate List 2026

સુરત મનપા ચૂંટણી : ભાજપના 107 'સારથિઓ' મેદાનમાં, જાણો કયા વોર્ડમાં કોનું પત્તું કપાયું અને કોને મળી ટિકિટ!

સુરત મહાનગરપાલિકા ચૂંટણી ભાજપ ઉમેદવાર યાદી - BJP Surat Candidates List
Published by: Dviti Panchal
Last Updated: Apr 10, 2026, 05:49 PM IST

સુરત: ગુજરાતના રાજકારણમાં પ્રતિષ્ઠાના જંગ સમાન સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ આખરે પોતાના પત્તા ખોલી દીધા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક બાદ સુરત મહાનગરના ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. કુલ 30 વોર્ડમાં ફેલાયેલા 107 ઉમેદવારોની આ યાદીમાં પક્ષે અનેક નવા ચહેરાઓને તક આપી છે, તો વળી કેટલાક પાયાના કાર્યકરો પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.

ભાજપ દ્વારા જાહેર કરાયેલી આ યાદીમાં સંગઠનનું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય છે. ગાંધીનગર સ્થિત 'શ્રી કમલમ્' કાર્યાલયથી જાહેર થયેલી આ યાદીમાં સુરતના તમામ મહત્વના ભૌગોલિક અને જ્ઞાતિગત સમીકરણોને સાંકળી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ યાદી જાહેર થતા જ સુરતનું રાજકીય તાપમાન વધી ગયું છે.

વોર્ડ વાઈઝ મહત્વના ઉમેદવારો પર એક નજર

યાદીની ઝીણવટભરી સમીક્ષા કરતા જણાય છે કે ભાજપે દરેક વોર્ડમાં ચાર બેઠકોના સમીકરણ મુજબ ઉમેદવારો ઉતાર્યા છે.

  • વોર્ડ નં. 1 (જહાંગીરપુરા-વરીયાવ-કોસાડ): અહીં ભાવિશાબેન પટેલ, નયનાબેન ડોબરીયા, વિજયભાઇ ભાટિયા અને રાજેન્દ્રભાઈ પટેલને મેદાનમાં ઉતારાયા છે.

  • વરાછા અને પુણા વિસ્તાર (વોર્ડ 3, 16, 17): પાટીદાર પ્રભુત્વ ધરાવતા આ વિસ્તારોમાં કાવ્યા પટેલ, વિશાલ રાઠોડ, સુરેશ ધોમાલિયા અને જગદીશ સુતરીયા જેવા નામો પર ભરોસો મૂકવામાં આવ્યો છે.

  • કતારગામ (વોર્ડ 6 અને 7): આ મહત્વના ગઢમાં દક્ષેશ માવાણી, રમેશ બોરડ અને ઈશ્વરભાઈ નારોલા જેવા મજબૂત નેતાઓને સ્થાન મળ્યું છે.

  • અડાજણ-પાલ (વોર્ડ 10 અને 11): હાઈ-પ્રોફાઈલ ગણાતા આ વિસ્તારમાં નિલેશ પટેલ, અલ્પાબેન મહેતા અને હર્ષ મહેતાને ટિકિટ આપી ભાજપે શિક્ષિત વર્ગને રિઝવવાનો પ્રયાસ કર્યો છે.

  • પાંડેસરા અને ઉધના (વોર્ડ 25, 28): પરપ્રાંતીય મતદારોના વર્ચસ્વવાળા આ વિસ્તારોમાં વર્ષાબેન બલદાણિયા, સંજય પાટીલ અને પંકજ જાધવના નામો જાહેર થયા છે.

મહિલા પ્રતિનિધિત્વ અને સામાજિક સંતુલન

ભાજપની આ યાદીમાં 'માતૃશક્તિ' પર સવિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. લગભગ દરેક વોર્ડમાં બે મહિલા ઉમેદવારોને સ્થાન આપીને પક્ષે અડધી વસ્તીને સાધવાનો પ્રયાસ કર્યો છે. ચંદ્રિકાબેન અસોદારીયા (વોર્ડ-2), મીતાબેન મકવાણા (વોર્ડ-3), અને મોહિનીબેન રાઠોડ (વોર્ડ-13) જેવા નામો સામાજિક સંતુલન જાળવવામાં નિર્ણાયક સાબિત થશે.

નવા સીમાંકન અને વિસ્તારનું વિભાજન

આ વખતે સુરત મહાનગરપાલિકામાં નવા ભળેલા વિસ્તારો જેવા કે કનસાડ, સચિન, ઉન અને આભવા (વોર્ડ-30) માં પણ ભાજપે પોતાની પકડ મજબૂત કરવા ભરતભાઈ પટેલ અને ચિરાગ સોલંકી જેવા કાર્યકરોને તક આપી છે. અલથાણા અને બમરોલી જેવા વિકસતા વિસ્તારોમાં પણ મેહુલ પટેલ અને ધર્મેન્દ્રકુમાર પટેલ જેવા યુવા ચહેરાઓ પર પસંદગી ઉતારવામાં આવી છે.

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મનો વરસાદ : ગુજરાતમાં 4907 ફોર્મ ભરાયા, રાજકીય ગરમાવો તેજ

સ્થાનિક સ્વરાજ ચૂંટણીની જંગ થશે રસપ્રદ

ભાજપ દ્વારા જાહેર કરાયેલી આ 107 ઉમેદવારોની યાદી સ્પષ્ટ કરે છે કે પક્ષ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતો નથી. જૂના જોગીઓ અને નવા લોહીનું મિશ્રણ કરીને ભાજપે સુરત મહાનગરપાલિકામાં ફરી કેસરીયો લહેરાવવાની રણનીતિ તૈયાર કરી છે. હવે જોવાનું એ રહેશે કે વિપક્ષો આ મજબૂત મોરચાબંધી સામે કેવા ઉમેદવારો ઉતારે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now