Bihar Rajya Sabha Election News: બિહારના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર પોતાના પદ પરથી રાજીનામું આપીને દિલ્હી એટલે કે રાજ્યસભામાં જઈ શકે છે તેવી અટકળો તેજ બની છે. બુધવારે સાંજે મુખ્યમંત્રી નિવાસસ્થાને સંજય ઝા અને વિજય ચૌધરી જેવા વરિષ્ઠ નેતાઓ સાથે ચાલેલી 6 કલાકની લાંબી બેઠક બાદ આ ચર્ચાઓને વધુ બળ મળ્યું હતું. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજ્યસભા સાંસદ બને તેવી અટકળો ચાલી રહી છે. આ વચ્ચે નીતિશ કુમારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તેની પુષ્ટિ કરી છે. બિહારમાં મુખ્યમંત્રી નિવાસ્થાન પર મોટી હલચલ જોવા મળી રહી છે. નીતિશ કુમારના આ નિર્ણયથી પાર્ટીના કાર્યકર્તા નારાજ થયા છે અને હોબાળો મચાવી રહ્યાં છે. આ વચ્ચે નીતિશ કુમારે સોશિયલ મીડિયા પર સંકેત આપી દીધો કે તેમની ઈચ્છા રાજ્યસભા સાંસદ બનવાની છે.
શું મુખ્યમંત્રી નીતિશ કુમાર સક્રિય રાજનીતિમાંથી નિવૃત્તિ લેશે?
76 વર્ષીય નીતિશ કુમાર હાલમાં સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોવાનું મનાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટીમાં લાંબા સમયથી તેમના ઉત્તરાધિકારીની શોધ ચાલી રહી છે. જેડીયુના કાર્યકારી અધ્યક્ષ સંજય ઝા પણ તાત્કાલિક દિલ્હીથી પટના પહોંચ્યા છે, જે કોઈ મોટા નિર્ણય તરફ ઈશારો કરે છે. જોકે, વિજય ચૌધરીએ મીડિયાને જણાવ્યું હતું કે, "અંતિમ નિર્ણય નીતિશ કુમારનો જ રહેશે."
પુત્ર નિશાંત કુમારની રાજકારણમાં એન્ટ્રી?
સૌથી વધુ ચોંકાવનારી વાત નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારના નામની ચર્ચા છે. અત્યાર સુધી પરિવારવાદનો વિરોધ કરનારા નીતિશ કુમાર શું પોતાના પુત્રને રાજકારણમાં લાવશે?
હાલમાં ત્રણ મુખ્ય સ્થિતિઓ દેખાઈ રહી છે:
નીતિશ કુમાર રાજ્યસભામાં જાય અને પુત્ર નિશાંતને ડેપ્યુટી CM બનાવવામાં આવે, જ્યારે CM પદ પર ભાજપ દાવો કરે.
નિશાંત કુમારને રાજ્યસભામાં મોકલીને તેમનો રાજકીય પ્રવેશ કરાવવામાં આવે.
રામનાથ ઠાકુર સિવાય અન્ય કોઈ નામ પર સહમતિ ન સધાતા આ નામો ચર્ચામાં આવ્યા હોય.
રાજકીય વિશ્લેષકોનું શું કહેવું છે?
નિષ્ણાતોના મતે, જો નિશાંત કુમાર રાજકારણમાં આવે છે, તો તેનો સ્પષ્ટ અર્થ એ છે કે નીતિશ કુમાર હવે નિવૃત્તિ તરફ જઈ રહ્યા છે. બીજી તરફ, અમિત શાહના તાજેતરના બિહાર પ્રવાસને પણ સત્તા પરિવર્તનના સંકેત તરીકે જોવામાં આવે છે. એવી પણ ચર્ચા છે કે બંગાળની ચૂંટણીઓ બાદ બિહારમાં ભાજપ પોતાનો મુખ્યમંત્રી બનાવી શકે છે.





