બિહાર વિધાનસભાની આવનારી ચૂંટણી અને દેશના સાત રાજ્યોની આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીઓની વચ્ચે, ચૂંટણી પંચ દ્વારા અત્યાર સુધીમાં ₹108 કરોડથી વધુની રોકડ, ભેટો, દારૂ અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે. આ વસ્તુઓ મતદારોને લલચાવવા માટે વહેંચવાની યોજના હોવાનું માનવામાં આવે છે.
ચૂંટણી પંચના અહેવાલ અનુસાર, આદર્શ આચારસંહિતાનો (MCC) કડક અમલ રાજ્યમાં સુનિશ્ચિત કરવામાં આવી રહ્યો છે. માત્ર બિહારમાં જ 824 ફ્લાઇંગ સ્ક્વોડ્સ તૈનાત કરવામાં આવ્યા છે, જે મતવિસ્તારોમાં સતત દેખરેખ રાખી રહ્યા છે. ઉપરાંત, C-Vigil એપ્લિકેશન પર મળતી ફરિયાદોનો ઉકેલ સરેરાશ 100 મિનિટની અંદર કરવામાં આવી રહ્યો છે.
ચૂંટણી પંચે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં જપ્ત કરાયેલ સામગ્રીમાં ₹9.62 કરોડ રોકડ, ₹42 કરોડથી વધુ કિંમતનો 9.6 લાખ લિટર દારૂ, ₹24.61 કરોડના ડ્રગ્સ, ₹5.8 કરોડની કિંમતી વસ્તુઓ, તેમજ ₹26 કરોડથી વધુની ભેટોનો સમાવેશ થાય છે. આ કામગીરી દરમિયાન વિવિધ એજન્સીઓની સંકલિત ટીમોએ સતત ચકાસણીઓ ચલાવી છે.
ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારની કાર્યવાહી આગામી દિવસોમાં વધુ તીવ્ર કરવામાં આવશે, જેથી ચૂંટણીઓ સ્વચ્છ અને નિષ્પક્ષ રીતે યોજાય.
બિહાર વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ પૂર્ણ થઈ રહી છે. રાજ્યમાં ચૂંટણી બે તબક્કામાં યોજાશે પ્રથમ તબક્કાનું મતદાન 6 નવેમ્બર, જ્યારે બીજું તબક્કાનું મતદાન 11 નવેમ્બરના રોજ યોજાશે. મતગણતરી 14 નવેમ્બરના રોજ થશે.






