Home Gujarat Big Revelation In The Inheritance Robbery Case In Vadodara

વડોદરામાં વારસિયા લૂંટ કેસમાં થયો મોટો ખુલાસો! : 10 લાખની લૂંટમાંથી 2.71 કરોડની વિદેશી કરન્સી મળી આવતા રહસ્ય ઘેરાયું

વડોદરામાં વારસિયા લૂંટ કેસમાં થયો મોટો ખુલાસો!
Published by: OBS Bureau
Last Updated: Jan 19, 2026, 06:21 AM IST

Warsia robbery case : વડોદરાના વારસિયા વિસ્તારમાં ગિફ્ટ શોપના વૃદ્ધ વેપારી પર હુમલો કરી ભારતીય તથા વિદેશી ચલણી નોટો સહિત 10 લાખ રૂપિયાની લૂંટ કરવાના કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વધુ પાંચ આરોપીની ધરપકડ કરી છે. આ સાથે અત્યાર સુધી કુલ 7 આરોપીઓ ઝડપાયા છે. તપાસ દરમિયાન લૂંટની સંપૂર્ણ રોકડ તેમજ વિદેશી ચલણી નોટો કબજે લેવામાં આવી છે. ચોંકાવનારી બાબત એ છે કે આરોપીઓ પાસેથી 20 દેશોની કુલ 7,808 વિદેશી ચલણી નોટો મળી આવી છે, જેની ભારતીય ચલણ મુજબ અંદાજિત કિંમત રૂપિયા 2.71 કરોડ થાય છે. આથી લૂંટ માત્ર 10 લાખની હતી કે વધુ મોટી રકમની—તે અંગે અનેક સવાલો ઉભા થયા છે.

વારસિયા લૂંટ કેસમાં મોટો ખુલાસો

ક્રાઇમ બ્રાન્ચ હવે આ સમગ્ર મામલે વેપારીની પણ વિસ્તૃત પૂછપરછ કરવાની તૈયારીમાં છે. આટલી મોટી વિદેશી કરન્સી ક્યાંથી આવી અને તેનું સ્ત્રોત શું—તે અંગે હજી સુધી સ્પષ્ટતા થઈ નથી. આ ઘટના ગત 16 જાન્યુઆરીના રોજ રાત્રે આશરે 8:30 વાગ્યે બની હતી. કારેલીબાગ જીવન ભારતી સ્કૂલ નજીક આવેલી પોતાની ગિફ્ટ શોપ બંધ કરી વૃદ્ધ વેપારી લીલારામ રેવાણી કારમાં ઘરે જવા નીકળ્યા હતા. વારસિયા રિંગ રોડ પર ચતુરભાઈ પાર્ક સોસાયટી પાસે ગાડી પાર્ક કરી નીચે ઉતરતાં જ ચાર યુવકોએ મોઢા પર કાળા કપડા બાંધીને હુમલો કર્યો. એકે છાતી પર ઘા માર્યો, બીજાએ આંખોમાં મરચાની ભૂકી નાખી અને અન્ય આરોપીઓએ કારની પાછળની સીટમાં રાખેલી 10 લાખ રૂપિયાની હેન્ડબેગ તથા નાસ્તાની થેલીઓ લૂંટી લીધી.

વિદેશી કરન્સી મળી આવતા રહસ્ય ઘેરાયું

લૂંટ બાદ નાસ્તાની થેલીઓ રસ્તામાં ફેંકી આરોપીઓ એક્ટિવા અને બાઈક પર નાયરા પેટ્રોલ પંપ તરફ ભાગી ગયા હતા. ઘટનાની ફરિયાદ વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. એક આરોપીનું ટુ-વ્હીલર સ્ટાર્ટ ન થતાં સ્થાનિક લોકોએ તેને પકડી લીધો હતો. ક્રાઇમ બ્રાન્ચે ઝડપી કાર્યવાહી કરી ભુતડી ઝાંપા રોડ પરથી હિરેન મિનેષભાઈ વસાવાને લૂંટેલી હેન્ડબેગ સાથે ઝડપી પાડ્યો. પૂછપરછમાં ખુલ્યું કે વારસિયામાં રહેતા શનાભાઈ ઉર્ફે ભલાભાઈ વાઘેલાની ટીપ પરથી લૂંટ કરવામાં આવી હતી. આરોપીઓએ દુકાન અને ઘરની રેકી કરી, વાહનોના નંબર પ્લેટ કાઢી ઓળખ છુપાવી હતી. પોલીસે હેન્ડબેગ, રોકડ, વિદેશી કરન્સી અને ચાર મોબાઇલ ફોન સહિતનો સમગ્ર મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now